VIDEO: EVENING BULLETIN / H-1B વિઝા પર ટ્રમ્પની તવાઈ, કેદારનાથમાં સુરતના 14 યાત્રાળુઓનું રેસ્ક્યૂ
પાક-અફઘાન બોર્ડર પર ભડકો
"અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તાલિબાન દળોએ પૂર્વી પ્રાંત નૂરીસ્તાનમાં ઘૂસણખોરી કરતા પાકિસ્તાન સમર્થિત 28 લડવૈયાઓને ઠાર કર્યાનો અને 32ની ધરપકડનો દાવો કર્યો છે. જોકે, પાકિસ્તાને તમામ આરોપો ફગાવી દીધા છે."
UPI ચાર્જ વિવાદ સુપ્રીમમાં
UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાદવાના નિર્ણય સામેનો વિવાદ સુપ્રીમ કોર્ટે પહોંચ્યો છે. રૂ. 2,000થી વધુના પેમેન્ટ પર ચાર્જ સામેની PIL પર કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ કેન્દ્ર, RBI અને NPCI પાસેથી કાયદાકીય એફિડેવિટ માંગી છે."
H-1B વિઝા પર ટ્રમ્પની તવાઈ
"અમેરિકામાં કામ કરવાનું સપનું જોતા ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા ઝટકાના સંકેત છે. ટ્રમ્પ પ્રશાસન H-1B વિઝા નિયમો વધુ કડક બનાવવા અને પ્રોગ્રામમાં ધરમૂળથી ફેરફાર કરવાની તૈયારીમાં છે. નિયમભંગ કરનારા એમ્પ્લોયર્સ સામે કડક કાનૂની કાર્યવાહીની ખુલ્લી ચેતવણી પણ અપાઈ છે."
કેદારનાથમાં 14 યાત્રાળુઓનું રેસ્ક્યૂ
"ઉત્તરાખંડના કેદારનાથમાં સર્જાયેલી કુદરતી આફતમાં ફસાયેલા સુરતના 14 યાત્રાળુઓને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત બહાર કઢાયા છે. અલથાણના પરિવારનો મદદ માંગતો વીડિયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યું હતું અને તમામને હેમખેમ એરલિફ્ટ કરી લીધા છે."
ડાંગમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ
"ડાંગના આહવા ખાતે કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું. કલેક્ટર કચેરી બહાર કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરાયા અને પોલીસની હાજરી વચ્ચે પૂતળાદહન કરી 'વોટ ચોર, ગાદી છોડ'ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો."
10 વિદ્યાર્થીઓ સામે 3 શિક્ષકો!
"છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણ વ્યવસ્થાની વિચિત્ર સ્થિતિ સામે આવી છે. પાયાકોઈ પ્રાથમિક શાળાના ઓરડા તૂટતાં બાળકોને ટેકરા ફળિયા મોકલાયા છે, જ્યાં એક જ વર્ગખંડમાં માત્ર 10 વિદ્યાર્થીઓને 3 શિક્ષકો ભણાવી રહ્યા છે. આ અસંતુલિત ફાળવણીથી શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠ્યા છે."

