VIDEO: EVENING BULLETIN / દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબાર, CJPના આશુતોષ રાંકા અને ટીમની અટકાયત, અમદાવાદના કેફેમાં પર્સ ચોરી
દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબાર: ૨૭ ના મોત
દક્ષિણ આફ્રિકાના બે મુખ્ય શહેરોમાં અંધાધૂંધ ગોળીબારની ભયાનક ઘટનાઓ સામે આવી છે. Ak-47 વડે કરાયેલા આ હિચકારા હુમલાઓમાં ૨૭ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાતાં સમગ્ર દેશમાં ભારે દહેશતનો માહોલ છવાયો છે.
નેપાળમાં હિમસ્ખલન: ૧૦ લોકો લાપતા
નેપાળના મનાંગ જિલ્લામાં તિબેટ સરહદ નજીક હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર ભયાનક હિમસ્ખલન સર્જાયું છે. ૭,૧૨૬ મીટર ઊંચા આ પર્વત પર થયેલી આ દુર્ઘટનામાં પર્વતારોહકો અને સહાયક સ્ટાફ સહિત ૧૦ લોકો લાપતા થતાં ભારે ચકચાર મચી છે.
ફરી ચૂંટણીની માંગ પર સુપ્રીમ કોર્ટમાં ECનો જવાબ
પશ્ચિમ બંગાળની ૩૧ બેઠકો પર ફરી ચૂંટણીની TMCની માંગ સામે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. પંચે જણાવ્યું કે SIR ટ્રિબ્યુનલ પાસે ૩૭ લાખથી વધુ અપીલો પેન્ડિંગ છે, પરંતુ તેની ચૂંટણીના આખરી પરિણામો પર કોઈ જ અસર પડી નથી.
આસામમાં CJPના આશુતોષ રાંકા અને ટીમની અટકાયત
કોકરોચ જનતા પાર્ટીના કો-ફાઉન્ડર આશુતોષ રાંકા અને તેમની ટીમની આસામ પોલીસે અટકાયત કરી છે. પાર્ટી સ્થાપક અભિજીત દીપકેએ પોલીસ કાર્યવાહીનો સખત વિરોધ કરતાં સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને ટીમને અજ્ઞાત સ્થળે લઈ જવાઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
ગાંધીધામમાં ૨ કલાકના સરકારી કાર્યક્રમમાં કરોડોનો ધુમાડો
ગાંધીધામમાં ઈ-મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં ૨ કલાકમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરાયો હોવાનો આક્ષેપ થયો છે. બંને રાજ્યોના CMની હાજરીવાળા કાર્યક્રમમાં ₹૬.૫૦ કરોડનો ડોમ બાંધી ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપથી પોર્ટ પ્રશાસન વિવાદમાં ઘેરાયું છે.
અમદાવાદના કેફેમાં પર્સ ચોરી
અમદાવાદના લો ગાર્ડન વિસ્તારની કોફી શોપમાં યુવતી દ્વારા પર્સ ચોરી કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પર્સ ચોરી કર્યા બાદ તેમાંથી મળેલા ક્રેડિટ કાર્ડ વડે યુવતીએ ૨૭ હજાર રૂપિયાની ખરીદી કરી લીધી હતી, જે મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

