VIDEO: EVENING BULLETIN / કેનેડામાં વિમાન દુર્ઘટના; 2 ભારતીયોના મોત, 3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! વડતાલમાં મિલકત વેચાણ મુદ્દે હિન્દુ સમાજનો વિરોધ
ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ઈરાને અમેરિકા અને તેના સહયોગી દેશોને આકરી ચેતવણી આપી છે કે જો કોઈ નવી સૈન્ય કાર્યવાહી થશે, તો અમેરિકી ઠેકાણાઓ પર જરાય દયા દાખવ્યા વગર ભીષણ અને દર્દનાક હુમલા કરવામાં આવશે.
ન્યૂયોર્કમાં US-ચીન વચ્ચે બેઠક
ન્યૂયોર્કમાં અમેરિકા અને ચીનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો વચ્ચે મહત્વની ચર્ચા યોજાઈ હતી. બંને દેશો વચ્ચે આર્થિક તેમજ વ્યાપારી મુદ્દાઓ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અંગે સહમતી સાધવા ઊંડાણપૂર્વક વાતચીત થઈ છે.
કેનેડામાં વિમાન દુર્ઘટના: 2 ભારતીયોના મોત
કેનેડામાં ટ્રેનિંગ વિમાન ક્રેશ થતાં બે ભારતીય તાલીમાર્થી વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ તમિલનાડુના મનોજ અને પુડુચેરીના શ્રીસરણ તરીકે થઈ છે. ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા!
બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતાં ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ’ આકાર લે તેવી શક્યતા છે. જો સિસ્ટમ સક્રિય થશે તો પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે તેની મોટી અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
વડતાલમાં મિલકત વેચાણ મુદ્દે વિરોધ
વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિર નજીકના એક કોમ્પ્લેક્સના માળના વેચાણને લઈને સ્થાનિક હિન્દુ સમાજમાં વિરોધ ઊઠ્યો છે. અહીં મદ્રેસા શરૂ થવાની આશંકા વ્યક્ત કરી ધાર્મિક સંવેદનશીલતા જાળવવા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર સોદાની તપાસ કરવા માંગ કરાઈ છે.
ભરૂચમાં લેન્ડ રેકર્ડઝ કર્મચારીઓની હડતાળ
લાંબા સમયથી પડતર ગ્રેડ-પે સુધારણા સહિતની માંગણીઓ ન સંતોષાતાં ભરૂચ-નર્મદા જિલ્લાના લેન્ડ રેકર્ડઝ વર્ગ-3ના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓએ સિટી સર્વે કચેરી બહાર ધરણા યોજી ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.

