VIDEO: EVENING BULLETIN / સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી, UPI પર ટેક્સ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર, ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે
અરબ સાગરમાં યુદ્ધજહાજોની ટક્કર
અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમા પર ભારતીય યુદ્ધજહાજ સાથે પાકિસ્તાની નેવીનું જહાજ અથડાયું છે. પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની જહાજના જોખમી અને બેદરકાર સંચાલનને લીધે આ ટક્કર થઈ હતી, જોકે રાહતની વાત એ છે કે કોઈ મોટું નુકસાન થયું નથી.
સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી
આફ્રિકાના સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી થતાં ૬૦ લોકોનાં મોત નીપજ્યાં છે. વેસ્ટ કોર્દોફાનના અલ-નુહુદ શહેર નજીક બનેલી આ કરૂણ દુર્ઘટનામાં અનેક શ્રમિકો હજુ પણ કાટમાળ નીચે ગુમ હોવાથી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
UPI પર ટેક્સ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ UPI પર કથિત ટેક્સ લાદવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. સામાન્ય જનતાના હિતનો હવાલો આપી તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરીને તેમણે આ ટેક્સ તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.
મહારાષ્ટ્ર, યુપી અને પંજાબ બાદ હવે ગુજરાતનો વારો
સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરતું 'કોકરોચ જનતા પાર્ટી'નું 'સ્કૂલ ઠીક કરો' અભિયાન ચર્ચામાં છે. મહારાષ્ટ્ર, યુપી અને પંજાબ બાદ હવે સંસ્થાપક અભિજિત દીપકેએ સંકેત આપ્યા છે કે આ અભિયાનનો આગામી પડાવ ગુજરાત હોઈ શકે છે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે
ગુજરાતમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ જેવી બે શક્તિશાળી સિસ્ટમ સક્રિય હોવા છતાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર વાતાવરણમાં પલટો આવતાં આગામી ૭ દિવસ સુધી રાજ્યમાં માત્ર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં જ પડશે.
વોટર બોડી મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ
રાજ્યમાં તળાવો અને વોટર બોડીની જાળવણી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે. ૨૪ વર્ષ જૂના આદેશનો અમલ ન થતાં કોર્ટે ISROને પક્ષકાર તરીકે જોડીને સેટેલાઇટ સરખામણી કરવા અને સંબંધિત અધિકારીઓને રૂબરૂ હાજર રહેવા આદેશ આપ્યો છે.

