VIDEO: EVENING BULLETIN / ભારત-ચીનને અમેરિકાની ચેતવણી, અમેરિકામાં ધાર્મિક સ્થળોએ 'નો-પ્રોટેસ્ટ ઝોન', SD Pay કૌભાંડમાં વધુ એક ઝડપાયો
ભારત-ચીનને અમેરિકાની ચેતવણી
અમેરિકી સેનેટરે ભારત અને ચીનને રશિયા સિવાયના સ્ત્રોતોમાંથી ક્રૂડ ઓઈલ ખરીદવાની કડક ચેતવણી આપી છે. યુએસ સંસદમાં પાસ થયેલા નવા બિલ મુજબ, જો રાષ્ટ્રપતિ આ કાયદા પર મંજૂરીની મહોર મારશે તો ભારત અને ચીન પર ૧૦૦ ટકા જેટલી આયાત જકાત લાગી શકે છે.
પીએમ મોદીના જન્મદિને પુતિનની શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અભિનંદન પાઠવ્યા છે. પુતિને પીએમ મોદીના વૈશ્વિક પ્રભાવ અને નેતૃત્વના મુક્તમને વખાણ કરતા ભારત-રશિયા વચ્ચેની અતૂટ અને મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીને ફરી દોહરાવી છે.
અમેરિકામાં ધાર્મિક સ્થળોએ 'નો-પ્રોટેસ્ટ ઝોન'
અમેરિકામાં મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારાની સુરક્ષા વધારવા નવો કાયદો લાવવાની તૈયારી ચાલી રહી છે. પ્રસ્તાવિત બિલ મુજબ, પૂજા-અર્ચના સમયે ધાર્મિક સ્થળોની આસપાસ ૧૦૦ ફૂટ સુધીના વિસ્તારને 'નો-પ્રોટેસ્ટ ઝોન' જાહેર કરાશે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અડચણ ન થાય.
UPI વ્યવહારો પર ચાર્જનો વિવાદ
UPIના મોટા ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ લગાવવાના નિર્ણયનો નીતિ આયોગે બચાવ કર્યો છે. નીતિ આયોગ તરફથી નિવેદન આવ્યું છે કે ટેક્સ વિના વ્યવસ્થા ચાલી શકતી નથી; ₹૧૦૦ પર માત્ર ૪૦ પૈસા જેવો સામાન્ય ચાર્જ છે, જેને ચૂકવવામાં લોકોને કોઈ મોટી આર્થિક તકલીફ ન પડવી જોઈએ.
SD Pay કૌભાંડમાં વધુ એક ઝડપાયો
₹૬૩૪ કરોડના 'SD Pay' પોંઝી કૌભાંડમાં અમરેલી સાયબર પોલીસની SITને મોટી સફળતા મળી છે. ઊંચા વળતરની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરનારા માસ્ટરમાઇન્ડ્સ બાદ વધુ એક આરોપીની ધરપકડ કરાતાં કુલ આરોપીઓની સંખ્યા હવે ૯ પર પહોંચી ગઈ છે.
નસવાડીમાં ફાયર બ્રિગેડ વિના ૨૧૨ ગામ લાચાર
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ૨૧૨ ગામો વચ્ચે એક પણ ફાયર બ્રિગેડ નથી. ગોયાવાંટ ગામમાં આગથી આદિવાસી પરિવારોના ઘર ખાખ થઈ ગયા બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ૧૦ વર્ષથી કરાતી રજૂઆતો છતાં સુવિધા ન મળતાં ગ્રામજનોએ મામલતદારને આવેદન આપી કાયમી ઉકેલની માંગ કરી છે.

