VIDEO: EVENING BULLETIN / ચૂંટણી પંચમાં આંતરિક વિખવાદ, નીરજા ગુપ્તા દ્વારા ગ્રાન્ટ પરત, જાપાનમાં ટાયફૂન ડુજોઆનનો પ્રકોપ
ટ્રમ્પ દ્વારા એર્દોઆનની પ્રશંસા
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ખાતે મિડલ ઈસ્ટના નેતાઓ સાથેની બેઠકમાં તૂર્કિયેના પ્રમુખ એર્દોઆનની ભરપૂર પ્રશંસા કરી છે. ટ્રમ્પે તેમને 'ટફ કુકી' ગણાવીને ઉપસ્થિત અન્ય ક્ષેત્રીય નેતાઓને ચેતવણી આપી હતી કે તેમની સાથે ક્યારેય પંગો લેવો નહીં.
જાપાનમાં ટાયફૂન ડુજોઆનનો પ્રકોપ
જાપાનના કિનારાના વિસ્તારોમાં શક્તિશાળી ટાયફૂન ડુજોઆનએ ભારે તબાહી મચાવી છે. મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ૪ લોકોનાં મોત થયા છે જ્યારે ૬ લોકો લાપતા છે, જેને લઈને તંત્ર એલર્ટ પર છે.
ચૂંટણી પંચમાં આંતરિક વિખવાદ
ભારતીય ચૂંટણી પંચમાં ઉચ્ચ સ્તરે ગંભીર વિખવાદ સામે આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનરની કાર્યશૈલી સામે બે સાથી કમિશનરોએ ૧૦ મહિનામાં ૧૪ વખત ઔપચારિક વાંધા ઉઠાવ્યા છે. આ આંતરિક કટોકટી હવે કેબિનેટ સચિવ સુધી પહોંચી છે.
ભાજપ દ્વારા નવા પ્રભારીઓની નિમણૂક
ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણી રણનીતિ અને સંગઠનાત્મક કાર્યોને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો માટે પ્રભારી અને સહ પ્રભારીઓની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
નીરજા ગુપ્તા દ્વારા ગ્રાન્ટ પરત
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. યુનિવર્સિટીની ગ્રાન્ટના કરોડો રૂપિયા અંગત ખાતામાં ટ્રાન્સફર કરવાના આરોપો વચ્ચે તેમણે ૧૪ કરોડ રૂપિયાથી વધુની રકમ યુનિવર્સિટીમાં પરત જમા કરાવી દીધી છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી ૨૩થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. કચ્છમાંથી ચોમાસાની વિદાય પણ શરૂ થઈ ગઈ છે.

