VIDEO: NEWS AFTERNOON / ટ્રમ્પે ઈરાનનો પ્રસ્તાવ ફગાવ્યો, રાજકોટમાં બ્લિંકિટ પર તવાઈ, યુએનમાં પાકિસ્તાનને ભારતનો જવાબ
ટ્રમ્પે ઈરાનનો પ્રસ્તાવ ફગાવ્યો
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા અને પરમાણુ વાટાઘાટો શરૂ કરવા શરતી ‘હોર્મુઝ પ્લાન’ રજૂ કર્યો હતો, જેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સદંતર ફગાવી દેતાં વૈશ્વિક ચિંતા વધી છે.
કોંગોમાં પ્લેન ક્રેશ: 14 મોત
આફ્રિકન દેશ કોંગોમાં હવામાં જ ટેક્નિકલ ખામી સર્જાતાં સેનાનું વિમાન ક્રેશ થયું છે. આ ભયાનક દુર્ઘટનામાં સેનાના બે ઉચ્ચ લેફ્ટનન્ટ જનરલ અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 14 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જેની સત્તાવાર પુષ્ટિ સેનાએ કરી છે.
યુએનમાં પાકિસ્તાનને ભારતનો જવાબ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના કાશ્મીર રાગ પર ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય રાજદ્વારી પેટલ ગહલોતે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાનની આતંકવાદ અને બેવડા ધોરણોની નીતિ તેને ક્યાંય નહીં પહોંચાડે.
રાજકોટમાં બ્લિંકિટ પર તવાઈ
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે ઓનલાઈન ગ્રોસરી એપ ‘બ્લિંકિટ’ના ગોડાઉન પર દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન અખાદ્ય અને સડેલા 596 કિલો શાકભાજી-ફળોનો જથ્થો મળી આવતાં તેનો નાશ કરાયો હતો અને કંપનીને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારી નોટિસ પાઠવવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત
સુરેન્દ્રનગરના વડગામ નજીક ઊભેલા ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વિરમગામથી શંખેશ્વર જઈ રહેલા એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા છે.

