VIDEO: NEWS AFTERNOON / ટ્રમ્પે યુદ્ધને પૈસા કમાવવાનું સાધન બનાવ્યું, શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે? અમદાવાદ દુષ્કર્મ કેસનો આરોપી ઘાયલ
ટ્રમ્પે યુદ્ધને પૈસા કમાવવાનું સાધન બનાવ્યું
ડેમોક્રેટિક સીનેટર ક્રિસ મર્ફીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન યુદ્ધ દરમિયાન માર્કેટ મેનિપ્યુલેશન અને ઇનસાઇડર ટ્રેડિંગના ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે દાવો કર્યો કે ટ્રમ્પ શેરબજાર ખૂલતા પહેલાં શાંતિ કરારના ખોટા સંકેતો આપે છે અને 'ટ્રુથ સોશિયલ'ના માસિક સબસ્ક્રિપ્શન દ્વારા ગુપ્ત વિદેશ નીતિની જાણકારીઓ વેચી આર્થિક ફાયદો મેળવે છે.
ઈરાન સામે ટ્રમ્પના સૂર બદલાયા
મધ્ય પૂર્વના સંઘર્ષ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેની રણનીતિ બદલી છે. સૈન્ય હુમલાની ધમકીઓ પાછી ખેંચીને હવે આર્થિક દબાણ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઈરાનની આર્થિક સ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવને ધ્યાનમાં રાખી ટ્રમ્પ પ્રશાસન હાલ 'લો-કી' વલણ અપનાવી રહ્યું છે.
શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?
રીવા લોકસભા બેઠકના ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા ફરી વિવાદમાં આવ્યા છે. રીવા એરપોર્ટ પર આયોજિત કાર્યક્રમમાં તેમણે ઈથેનોલ મિશ્રણ અને શુદ્ધ પેટ્રોલની માંગ કરનારાઓ પર જાહેર મંચ પરથી મર્યાદાહીન ટિપ્પણી કરી હતી. તેમનો આ વિવાદિત વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહ્યો છે.
રાજસ્થાનમાં ATSની મોટી કાર્યવાહી
રાજસ્થાનના ટોંકમાંથી ATS અને સ્ટેટ ઈન્ટેલિજન્સની સંયુક્ત કાર્યવાહીમાં 2 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. બાસિત અને બુરહાન નામના આ બે યુવકોના તાર પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની આશંકાએ તપાસ એજન્સીઓએ તપાસ તેજ કરી છે.
રાજકોટમાં રીલ બનાવવા જતાં અકસ્માત
રાજકોટના ન્યારી ડેમ પાસે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાના ચક્કરમાં સ્ટન્ટ કરતા નબીરાઓની એન્ડેવર કાર પાણીમાં ખાબકી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી કાર બહાર કાઢી હતી, પરંતુ આ ઘટનાએ ડેમ વિસ્તારમાં વાહનોની અવરજવર અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
નર્મદા કેનાલ જમીન પર કબ્જાનો વિવાદ
સાંતલપુરના ફાગલીમાં નર્મદા કેનાલ માટે સંપાદિત જમીન પર ગેરકાયદે ફેન્સિંગ તાર નાખી કબ્જો કરવાનો વીડિયો વાઈરલ થયો છે. સ્થાનિક નાગરિકે સ્થળ પર વિરોધ નોંધાવી તંત્રનું ધ્યાન દોર્યું છે અને સરકારી જમીન પચાવી પાડનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
અમદાવાદ દુષ્કર્મ કેસનો આરોપી ઘાયલ
અમદાવાદના જોધપુર દુષ્કર્મ કેસનો આરોપી ધર્મસિંહ પંચનામા વખતે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. પગમાં ગોળી વાગતાં આરોપી ઢળી પડ્યો હતો. હોસ્પિટલમાં આરોપીએ કાન પકડી માફી માંગી હતી, જ્યારે પોલીસે તેની સામે વધુ એક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

