EVENING BULLETIN: ઇઝરાયલનો અમેરિકાને પડકાર, ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, નર્મદામાં ભાજપ-કોંગ્રેસને ઝટકો
ઇઝરાયલનો અમેરિકાને પડકાર
મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસો વચ્ચે ઇઝરાયલે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી લેબેનોનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારીને હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના પાછી પાની કરશે નહીં. ઇઝરાયલના વરિષ્ઠ મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે દાવો કર્યો છે કે અમેરિકા પણ ઇઝરાયલની 'રેડ લાઈન્સ' ને સારી રીતે સમજે છે અને વોશિંગ્ટન તરફથી સેના હટાવવાની કોઈ ઔપચારિક માંગ કરવામાં આવશે નહીં.
દિલ્હીમાં BRICS દેશોના NSAની બેઠક
નવી દિલ્હીમાં સોમવારથી BRICKS દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની અત્યંત મહત્વપૂર્ણ બે દિવસીય બેઠક શરૂ થઈ રહી છે. ભારતના NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં વૈશ્વિક સુરક્ષાના મુદ્દે ચીન સાથે સીધી વાતચીત થશે.
પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, દેશના ભાગલા વખતે બંગાળને પાકિસ્તાનનો ભાગ બનાવવાનું કાવતરું રચાયું હતું, ત્યારે કોંગ્રેસે તે તાકાતો સામે ઘૂંટણ ટેકવી દીધા હતા, પરંતુ હવે બંગાળ તે બેડીઓમાંથી આઝાદ છે.
ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમ જાહેર થઈ ગઈ છે. સ્ટાર બેટર વિરાટ કોહલીને આ સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, કોહલી હાલમાં સંપૂર્ણ રીતે ફિટ નથી. ચીફ સિલેક્ટર્સે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલીની ઉપલબ્ધતા તેની 'ફિટનેસ ક્લિયરન્સ' પર આધારિત રહેશે. જ્યારે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલની વનડે ટીમમાં વાપસી થઈ છે.
ભાજપ-કોંગ્રેસને ઝટકો
નર્મદા જિલ્લાના તિલકવાડાના ઉતાવળી ગામે ભાજપ અને કોંગ્રેસના અનેક મજબૂત સામાજિક અને સંગઠનાત્મક આગેવાનો પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. 'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાએ તમામને ખેસ પહેરાવી પક્ષમાં આવકારતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે."
AAPની મોટી કાર્યવાહી
છોટાઉદેપુરના કદવાલ તાલુકામાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ આમ આદમી પાર્ટીએ એક તાલુકા પંચાયત સભ્ય સહિત ૬ કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. પ્રમુખની ચૂંટણીમાં વ્હિપનો અનાદર કરી આ સભ્યો ગેરહાજર રહેતા ૮ બેઠકો હોવા છતાં 'આપ'ને પ્રમુખ પદ ગુમાવવું પડ્યું હતું."
કીમ બ્રિજ પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
સુરતના કીમ રેલ્વે ઓવરબ્રિજ પર રાત્રિના સમયે ચાલુ બાઇક પર જોખમી સ્ટંટ અને અશ્લીલ હરકતો કરતો યુવકોનો વીડિયો વાયરલ થયો છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી સ્થાનિકોમાં ચિંતા છે અને કીમ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
ગાંધીધામમાં મેગા ડિમોલિશન
કચ્છના ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 2 DySP અને 4 PI સહિત ૨૦૦થી વધુ પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવીને આ મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું.

