VIDEO: EVENING BULLETIN / ફ્રાન્સમાં હિંસક આંદોલન, ટ્રમ્પની યુરોપને ચેતવણી, સાગબારામાં જંગલ જમીન અંગે વિવાદ
ટ્રમ્પની યુરોપને ચેતવણી
ઈરાન યુદ્ધની અસર વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડીઝલની નિકાસ રોકવાની શક્યતા દર્શાવી યુરોપને ચેતવણી આપી છે. અમેરિકામાં સ્થાનિક ભાવો નિયંત્રિત રાખવા માટે આ પગલું વિચારાઈ રહ્યું છે, સાથે જ ટ્રમ્પે યુરોપને પોતાની અનામતમાંથી વધારાનો ડીઝલ જથ્થો બજારમાં લાવવા તાકીદ કરી છે.
ફ્રાન્સમાં હિંસક આંદોલન
શાળાઓની ખરાબ સ્થિતિ અને સરકારના બજેટ કાપ સામે ફ્રાન્સમાં વિદ્યાર્થીઓનું આંદોલન હવે દેશવ્યાપી સંઘર્ષમાં ફેરવાયું છે. આગચંપી અને અથડામણ વચ્ચે ૪૦૦થી વધુ શાળાઓ-કોલેજો બંધ રહી છે. પોલીસે અત્યાર સુધીમાં ૪૪૦થી વધુ લોકોની અટકાયત કરી છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.
દિલ્હીમાં CEC વિરુદ્ધ પ્રદર્શન, ૭૦૦થી વધુની અટકાયત
દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ કરી રહેલા ‘આપ’ અને વિદ્યાર્થી સંગઠનોના ૭૦૦થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. મતદાર યાદીમાં ગેરરીતિઓના આક્ષેપ વચ્ચે વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સંસદમાં પીએમ મોદી-ખડગેની હળવાશભરી ક્ષણો
રાજકીય ખેંચતાણ વચ્ચે સંસદ ભવનમાંથી એક સકારાત્મક તસવીર સામે આવી છે. ગાંધી જયંતિ અને શાસ્ત્રી જયંતિના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી એકસાથે જોવા મળ્યા હતા, જ્યાં પીએમ મોદી અને ખડગે વચ્ચે હાસ્યભરી વાતચીત થઈ હતી.
સાગબારામાં જંગલ જમીન અંગે વિવાદ
નર્મદાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જંગલ જમીન ખેડવાના વિવાદને લઈ સત્યાગ્રહ શરૂ કરાયો છે. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ તંત્ર વચ્ચે સંકલનનો અભાવ ગણાવ્યો હતો, સાથે જ વિપક્ષી નેતાઓ પર રાજકીય સ્ટંટબાજી કરવાનો આરોપ મૂકી પ્રશ્નનો સાચો ઉકેલ રાજ્ય સરકાર જ લાવશે તેવો દાવો કર્યો છે.
અમરેલીમાં ખૂંખાર સિંહણનો આતંક!
અમરેલીના વડિયા પંથકમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત ૫ લોકો પર હુમલો કરી દહેશત ફેલાવનારી સિંહણ આખરે ઝડપાઈ ગઈ છે. સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયાની રજૂઆત બાદ વનવિભાગની ૬ ટીમોએ સઘન ઓપરેશન હાથ ધરી સિંહણને સફળતાપૂર્વક ટ્રાન્ક્વિલાઈઝ કરી પાંજરે પૂરતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.

