VIDEO: EVENING BULLETIN / માર્કો રુબિયોનું ઈરાની ડેલિગેશનને દેશ છોડવા અલ્ટીમેટમ, ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રની ડ્રગ્સ કેસમાં ધરપકડ
મુસાફર બસ પર અંધાધૂંધ ગોળીબાર
સિરિયાના હોમ્સ પ્રાંતમાં આતંકીઓએ મુસાફર બસને નિશાન બનાવી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ૭ લોકોનાં મોત થયા છે અને ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ લોહિયાળ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને હુમલાખોરોની શોધખોળ તેજ કરી દીધી છે.
રુબિયોનું ઈરાની ડેલિગેશનને દેશ છોડવા અલ્ટીમેટમ
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ન્યૂયોર્ક આવેલા ઈરાની પ્રતિનિધિમંડળને તાત્કાલિક અમેરિકા છોડવા અલ્ટીમેટમ આપતાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ અણધાર્યા પગલાથી વૈશ્વિક સ્તરે ચકચાર મચી ગઈ છે અને બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો વધુ વણસવાની આશંકા સેવાઈ રહી છે.
યોગી સરકાર પર અખિલેશ યાદવના પ્રહાર
સપા પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, યુપી પોલીસ હવે નિષ્પક્ષ રહી નથી અને ભાજપના કાર્યકરોની જેમ વર્તી રહી છે, જેના પર સુપ્રીમ કોર્ટ પણ સવાલો ઉઠાવી ચૂકી છે. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ચૂકી છે અને સામાન્ય જનતાનો પોલીસ તંત્ર પરથી ભરોસો સંપૂર્ણપણે ઊઠી ગયો છે.
અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
વર્ષ ૨૦૦૮ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે; કોર્ટે હાઈકોર્ટના ચુકાદા સામે રાજ્ય સરકારને નોટિસ આપીને મૃત્યુદંડની સજા પામેલા અહેમદ બાવાની ફાંસી પર સ્ટે મૂક્યો છે. દોષિતે હાઇકોર્ટ દ્વારા અપાયેલી ફાંસીની સજાને પડકારતી અરજી કરી હતી, જેના પગલે હવે રાજ્ય સરકારના જવાબ બાદ આગામી સુનાવણી હાથ ધરાશે.
ડ્રગ્સ કેસમાં રેહાન અંસારીની ધરપકડ
સુરતમાં ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખ જમીલ બિરયાનીના પુત્ર રેહાન અંસારીની પુણા પોલીસે ૩.૨૬ ગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે, જે ૨૦૨૪માં પણ ડ્રગ્સ કેસમાં જેલ જઈ આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ, વજનકાંટો અને મોપેડ સહિત ૭૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ડ્રગ્સ સપ્લાય કરનાર નદીમ નામના શખસની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંક્યા
ગોધરાની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડાન્સ શિક્ષકે ૭મા ધોરણના વિદ્યાર્થીને ૪-૫ લાફા ઝીંકી દેતાં બાળકની તબિયત લથડી છે; ગોધરા ‘A’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતાં શાળા પ્રશાસને શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે આ ઘટનાના પગલે રોષે ભરાયેલા વાલીઓએ શાળા પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

