VIDEO: EVENING BULLETIN / ભારત-અમેરિકા સંબંધો પર જયશંકરનું નિવેદન, ચૂંટણી પંચ પર ખડગેના પ્રહાર, શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસીની ચર્ચા
ભારત-અમેરિકા સંબંધો પર જયશંકરનું નિવેદન
ન્યૂયોર્કમાં એશિયા સોસાયટીના કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે સહયોગ વધી રહ્યો છે, પરંતુ ટ્રેડ સાથે જોડાયેલી જટિલતાઓ અને સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ બંને દેશોના સંબંધો વચ્ચે હજુ પણ મોટો પડકાર છે.
પેકેજ્ડ ફૂડ પર કેનેડા જેવું મોડેલ આવશે
પેકેજ્ડ ફૂડમાં વધી રહેલી ખાંડ, ફેટ અને સોડિયમના જોખમ સામે ગ્રાહકોને ચેતવવા FSSAI મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. કેનેડાના મોડેલના આધારે ફૂડ પેકેટ પર નવા નિયમો લાગુ કરાશે, જેથી ગ્રાહકો સ્વાસ્થ્ય અનુસાર સાચી અને આરોગ્યપ્રદ ચીજોની સરળતાથી પસંદગી કરી શકે.
ચૂંટણી પંચ પર ખડગેના પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચૂંટણી પંચ અને મોદી સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમાર સામે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે લોકતંત્ર અને બંધારણની રક્ષા કરવાની સંપૂર્ણ જવાબદારી હવે કોંગ્રેસના શિરે છે.
સગીરોના સોશિયલ મીડિયા પ્રતિબંધ પર વિવાદ
૧૮ વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની કેન્દ્ર સરકારની વિચારણા પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. નેતા અભિજીત દીપકેએ આક્ષેપ કર્યો છે કે જેન-ઝી સોશિયલ મીડિયા પર સત્તા પક્ષના નેરેટિવ સામે અવાજ ઉઠાવી રહ્યા હોવાથી સુરક્ષાના બહાને અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસીની ચર્ચા
અમદાવાદમાં ઈવીએમ અને ચૂંટણી પંચ સામે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે મોટા રાજકીય સંકેત મળ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પુષ્ટિ કરી છે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ૯ વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં વાપસી કરવાની પૂરજોશ તૈયારી કરી રહ્યા છે.
જેતપુરમાં જેટકો સામે ખેડૂતોનો અનોખો વિરોધ
રાજકોટના જેતપુરમાં ૬૬ કેવી હાઈટેન્શન લાઈનનો વાયર તૂટ્યા બાદ પીઠડીયા અને વીરપુરના ખેડૂતોએ જેટકો સામે મોરચો માંડ્યો છે. ૬૦ વર્ષથી વળતર ન મળ્યું હોવાના આક્ષેપ સાથે રોષે ભરાયેલા ખેડૂતોએ ખેતરમાં જ ડુંગળી-રોટલો ખાઈ અને માનવસાંકળ રચી સમારકામ અટકાવી દીધું હતું.

