VIDEO: EVENING BULLETIN / લશ્કર-એ-તૈયબાના કમાન્ડર કારી સઈદનું રહસ્યમય મોત, અમદાવાદમાં AMCની ટીમ પર હુમલો
ચીન-અમેરિકાને ટક્કર આપવા ભારતનો મોટો પ્લાન
ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી બનાવવા સરકારે મોટું કદમ ઉઠાવ્યું છે. ભારત ફ્રાન્સના નેતૃત્વ હેઠળના ૬ઠ્ઠી પેઢીના લડાકુ વિમાન પ્રોજેક્ટ 'FCAS' અને બ્રિટનના 'GCAP' પ્રોજેક્ટમાં જોડાવા તૈયારી કરી રહ્યું છે. AI અને સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ આ ફાઈટર જેટ્સ ૨૦૪૦ સુધીમાં ભારતની વાયુ શક્તિનું સ્વરૂપ બદલી નાખશે.
લશ્કર-એ-તૈયબાના કમાન્ડર કારી સઈદનું રહસ્યમય મોત
પાકિસ્તાનમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર કારી સઈદ ઉર્ફે અબ્દુલ અઝીઝનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. દક્ષિણ પંજાબમાં સક્રિય આ આતંકી ભારતમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારજનોને દર મહિને પેન્શન અને આર્થિક મદદ પૂરી પાડવાનું કામ કરતો હતો.
PoKમાં ચૂંટણી સામે વિદ્રોહની ધમકી
પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં પાક સેનાના અત્યાચાર સામે વિદ્રોહ વધુ ઉગ્ર બન્યો છે. વિદ્રોહના મુખ્ય ચહેરા સરદાર અમાન ખાને રાવલાકોટથી ખુલ્લી ધમકી આપી છે કે જો પાકિસ્તાન ૧૦ ઓગસ્ટે પૂંછ જિલ્લામાં ચૂંટણી યોજવાનો પ્રયાસ કરશે તો ચૂંટણી કર્મચારીઓનું મોત નિશ્ચિત બનશે.
તમિલનાડુમાં વિજય થલાપતિને આંચકો
તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલપતિને મોટો રાજકીય ફટકો પડ્યો છે. પરિસીમન મુદ્દે રજૂઆત કરવા તેમણે બોલાવેલી સર્વદલીય બેઠકનો DMK અને AIADMK સહિતના વિપક્ષોએ બહિષ્કાર કર્યો છે. રાજ્યના ૫૭ માંથી ૩૭ સાંસદો આ બેઠકથી દૂર રહેતા વિજય થલપતિની મુહિમ સામે સવાલો ઊભા થયા છે.
અમદાવાદમાં AMCની ટીમ પર હુમલો
અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા પહોંચેલી AMCની C.N.C.D. ટીમ પર પશુપાલકોએ ઉગ્ર હુમલો કર્યો છે. કર્મચારીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ અને માથાના ભાગે ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. વાડજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી ૭ દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી ૩ દિવસ અમદાવાદ અને ગાંધીનગર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં ૯ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

