VIDEO: EVENING BULLETIN / અમેરિકા સામે ભારતનો આડકતરો વિરોધ, પરિસીમન બિલ પર રાજકારણ ગરમાયું, ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો
અમેરિકા સામે ઇરાન-રશિયાનો નવો વ્યુહ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરવા ઇરાનની આર્મી IRGCએ એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. રશિયા સાથે મળીને ઘડાયેલી આ ગુપ્ત યોજના હેઠળ ટ્રમ્પના નિર્ણયોની સજા હવે તેમના યુરોપીયન મિત્ર દેશોને આપવામાં આવશે, જેને પગલે પશ્ચિમી દેશોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
અમેરિકા સામે ભારતનો વિરોધ
વોશિંગ્ટનમાં યોજાયેલી આતંકવાદ વિરોધી બેઠકમાં ભારતે પોતાનું કડક વલણ દોહરાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોના એ દાવા સામે કે 'ઇસ્લામિક આતંકવાદનો ખતરો હવે ઓછો થયો છે', ભારતીય રાજદૂત વિનય ક્વાત્રાએ આડકતરો વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું કે આતંકવાદના તમામ સ્વરૂપો સામે લડવું જરૂરી છે.
કેન-બેતવા આંદોલન સમાપ્ત
મધ્ય પ્રદેશના છતરપુરમાં 'કેન-બેતવા લિંક પ્રોજેક્ટ' સામે છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલું ઉગ્ર આંદોલન પોલીસે આખરે બળપ્રયોગ કરીને ખતમ કરાવ્યું છે. પોલીસે વિરોધ પ્રદર્શનનું સ્થળ સંપૂર્ણ ખાલી કરાવીને ૧૫૦થી વધુ પ્રદર્શનકારીઓને બસો દ્વારા તેમના ગામ પરત મોકલી દીધા છે.
પરિસીમન બિલ પર રાજકારણ ગરમાયું
સંસદના ચોમાસુ સત્ર પહેલાં ડીલિમિટેશન બિલને લઈને ડીએમકેના વલણ પર સવાલો ઉઠ્યા છે. આરએસપી સાંસદે ડીએમકે દ્વારા બિલને સમર્થન આપવાનો દાવો કર્યો છે, જ્યારે બીજી તરફ ડીએમકેના સાંસદ તિરુચી શિવાએ આ મુદ્દે સરકાર પાસે વધુ સ્પષ્ટતા માંગી છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આભ ફાટ્યું
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મોડી રાત્રે આભ ફાટતાં દરહાલી નદીમાં પૂર આવ્યું છે. પૂરના ધસમસતા પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં અસંખ્ય પરિવારો ઘરમાં કેદ થયા છે, જ્યારે બસ સ્ટેન્ડ અને પાર્કમાં ઉભેલા ડઝનબંધ વાહનો રમકડાની જેમ પૂરના પ્રવાહમાં તણાઈ ગયા છે.
અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટના CCTV સામે આવ્યા
અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આંચકાના કારણે નજીકની ફેક્ટરીના કાચ તૂટી ગયા હતા અને સીસીટીવી કેમેરા પણ બંધ થઈ ગયા હતા. બ્લાસ્ટ બાદ કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી
ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો
ગુજરાત એટીએસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પકડાયેલા આતંકીઓએ કાશ્મીરમાં હથિયારો અને ઝેરી ગેસ બનાવવાની ટ્રેનિંગ લીધી હતી અને સિદ્ધપુરમાં ટાઈમ બોમ્બના ટેસ્ટ બ્લાસ્ટ પણ કર્યા હતા. પાકિસ્તાનથી ફંડ મેળવી આ આતંકીઓ સુસાઇડ બોમ્બર તરીકે મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા.
વાપી ભાજપના બે કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ
વાપી મહાનગરપાલિકાના ભાજપના બે ચાલુ કોર્પોરેટરો વિરુદ્ધ કોંગ્રેસે કોર્ટમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરાવી છે. આ બંને નેતાઓએ ચૂંટણી વખતે નકલી અને બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે તેમનું સભ્યપદ તાત્કાલિક રદ કરવાની અને કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.

