VIDEO: NEWS EVENING/ રશિયન ઓઈલ ખરીદનારા દેશો પર 100% ટેરિફ, સોનમ વાંગચુકને મળ્યો કોંગ્રેસનો સાથ, ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીઓ ઝડપ્યા!
રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ!
રશિયા આર્થિક રીતે ઘેરાય તે માટે અમેરિકન સેનેટર્સે એક કડક બિલને સમર્થન આપ્યું છે. આ બિલ હેઠળ છેલ્લા ૧૨ મહિનામાં રશિયન તેલ કે ગેસ ખરીદનારા ટોપ-5 દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ ઝીંકાશે, જેની સીધી અસર ભારત અને ચીન પર પડશે.
કેનેડામાં PGP સ્પોન્સરશીપ બંધ: સુપર વિઝા એકમાત્ર વિકલ્પ!
કેનેડા સરકારે માતા-પિતા અને દાદા-દાદી માટેના 'PGP સ્પોન્સરશીપ પ્રોગ્રામ'માં નવા ફોર્મ સ્વીકારવાનું બંધ કર્યું છે. જૂની પેન્ડિંગ અરજીઓ અને હાઉસિંગ કટોકટીને કારણે આ નિર્ણય લેવાયો છે. હવે પરિવારને કેનેડા બોલાવવા માટે ૫ વર્ષની સળંગ મંજૂરી આપતો 'સુપર વિઝા' જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.
પ.બંગાળના મુર્શિદાબાદમાં મોટી દુર્ઘટના!
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ખુલ્લા રેલ્વે ફાટક પરથી પસાર થતી સ્કૂલ વાનને પેસેન્જર ટ્રેને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક દુર્ઘટનામાં ૨ વિદ્યાર્થીઓ સહિત ૩ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ૫ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગેટમેનની બેદરકારી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સોનમ વાંગચુકને મળ્યો કોંગ્રેસનો સાથ!
દિલ્હીમાં ૨૦ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને 'આપ' અને 'સપા' બાદ કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ વાંગચુકની મુલાકાત લઈ સરકારને સંવેદનહીન ગણાવી સાથે જ વિપક્ષે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે, જ્યારે હાઈકોર્ટે વાંગચુકના સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ કરવા આદેશ આપ્યો છે.
ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીઓ ઝડપ્યા!
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વધુ ૫ આતંકીઓની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા ૮ આતંકીઓની સઘન પૂછપરછ અને મજબૂત કડીઓના આધારે ATSએ આ ઓપરેશન પાર પાડીને પાકિસ્તાન પ્રેરિત આતંકી મોડ્યુલના મોટા મનસૂબાને નિષ્ફળ બનાવ્યો છે.
સીરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ!
કચ્છના સીરક્રિક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન BSF દ્વારા વધુ એક પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી છે અને બોર્ડર પર કડક ચેકિંગ સાથે નજર વધારી દેવામાં આવી છે.
કન્યા વિદ્યાલયની ૧૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગ!
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાની કેજીબી વિદ્યાલયમાં રાત્રિ ભોજન બાદ ૧૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની ગંભીર અસર થઈ છે. હોબાળા વચ્ચે બીમાર બાળાઓને તાત્કાલિક ચુડા અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ખોરાકના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સોફાના કારખાાનામાં ભીષણ આગથી 1નું મોત!
રાજકોટના હુડકો ચોકડી નજીક રામ પાર્કમાં આવેલા સોફાના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં ચેતન ગોવિંદભાઈ સેલડીયા નામના યુવકનું ગુંગળામણથી બેભાન થયા બાદ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

