VIDEO: NEWS AFTERNOON/ ટ્રમ્પને મારવા માટે 10 મિલિયન ડોલરનું ઇનામ, દેશને પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ભેટ, કેશોદમાં હરિદ્વાર ટ્રેન સ્ટોપની માંગ!
ટ્રમ્પને મારવા માટે 10 મિલિયન ડોલરનું ઇનામ!
ઇરાકના એક ઉગ્રવાદી સંગઠને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારવા પર ૧૦ મિલિયન ડોલરના ઇનામની જાહેરાત કરી છે. બીજી તરફ, અમેરિકા-ઈરાન વચ્ચે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. વ્હાઇટ હાઉસે પણ કડક વલણ અપનાવતા કહ્યું છે કે કરારનું ઉલ્લંઘન કરનાર ઈરાનને સજા ભોગવવી પડશે.
"ચીને ચોર્યો 22 કરોડ અમેરિકન વોટર્સનો ડેટા"
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીને ૨૨ કરોડ અમેરિકન મતદારોનો ડેટા ચોર્યો છે અને FBI અને CIA એ આ માહિતી છુપાવી હતી. ટ્રમ્પે સરહદો સંપૂર્ણ સુરક્ષિત હોવાનો, હત્યાના દરમાં ઐતિહાસિક ઘટાડાનો અને મોંઘવારી ઘટવાની સાથે ટેક્સમાં મોટી રાહતો આપવાનો પણ દાવો કર્યો છે.
દેશને પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ભેટ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર દેશની પ્રથમ પ્રદૂષણ મુક્ત ‘હાઇડ્રોજન ટ્રેન’ લોન્ચ કરશે. આ ટ્રેન ઓવરહેડ લાઇન વગર હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણથી અંદર જ વીજળી પેદા કરે છે. શૂન્ય કાર્બન ઉત્સર્જન કરતી ૧૦ કોચની આ ટ્રેન બાય-પ્રોડક્ટ તરીકે માત્ર પાણીની વરાળ છોડશે.
સોનમ વાંગચુક અંગે 'ફૂંગસુક વાંગડુ'નો ધડાકો!
સોનમ વાંગચુકના આંદોલન વચ્ચે સુપરસ્ટાર આમિર ખાને સ્પષ્ટતા કરી છે કે ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’નું ‘ફૂંગસુક વાંગડુ’ પાત્ર સોનમ વાંગચુક પર આધારિત નહોતું. તેમણે ‘ચતુર’ એટલે કે ઓમી વૈદ્યના દાવાને ગેરસમજ ગણાવ્યો છે. જોકે, આમિર ખાને વાંગચુકના પર્યાવરણ કાર્યોના વખાણ કરી તેમના બગડતા સ્વાસ્થ્ય અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે.
આઝાદીના વર્ષો બાદ પણ આ ગામની દયનીય સ્થિતિ!
અરવલ્લીના બાયડના મેરિટિંબા ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીંના પરમાર અને બારિયા ફળિયામાં પાકા રસ્તા કે જ્યોતિગ્રામ વીજળી ન હોવાથી લોકો નર્કાગાર જેવી સ્થિતિમાં છે. એમ્બ્યુલન્સ ન આવી શકતા દર્દીઓને ખાટલામાં ઊંચકીને મુખ્ય રસ્તા સુધી લઈ જવા પડે છે,
કેશોદમાં હરિદ્વાર ટ્રેન સ્ટોપની માંગ!
જૂનાગઢના કેશોદમાં વેરાવળ–હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ સાથે નગરપાલિકા પ્રમુખ પ્રતિભા દેવળીયાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખ્યો છે. એ-ગ્રેડ રેલવે સ્ટેશન હોવાથી આ સ્ટોપેજથી કેશોદ અને આસપાસના ચાર તાલુકાના હજારો મુસાફરોને સીધો લાભ મળશે. ઉપરાંત, વર્ષ ૨૦૨૭માં શરૂ થનારા રૂ. ૪૦૦ કરોડના કેશોદ એરપોર્ટ પ્રોજેક્ટને જોતાં આ નિર્ણયથી સ્થાનિક પ્રવાસન અને વિકાસને મોટી ગતિ મળશે.
બારા ગામમાં દરિયાના પાણીએ વધારી માછીમારોની ચિંતા!
જુનાગઢના શેરીયાજ બારામાં ભારે કરંટના કારણે દરિયો ૫૦ ફૂટ આગળ વધી ગયો છે. ૪૦ ઇંચ વરસાદથી દરિયાકાંઠો ધોવાતા મુખ્ય વ્યવસાય ધરાવતા માછીમારોની ચિંતા વધી છે. મંજૂરી છતાં જેટીનું કામ શરૂ ન થતાં માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઉમરગામમાં ગેસ લાઈન સાથે કાર અથડાઈ!
વલસાડના ઉમરગામમાં મધરાતે એક કાર ગેસ લાઇનની મુખ્ય પાઇપલાઇન સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર ગેસ લીકેજ થયું હતું. અકસ્માત બાદ કાર સવાર બે યુવકો ભાગી છૂટ્યા હતા, જ્યારે તંત્રએ તાત્કાલિક ગેસ અને વીજ પુરવઠો બંધ કરી મોટી હોનારત ટાળી હતી. હાલ પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

