VIDEO: EVENING BULLETIN / UNSCમાં ભારતે ચીન-પાકિસ્તાનને લીધા આડેહાથ, અમદાવાદમાં ગાંજાનો જથ્થો ઝડપાયો
UNSCમાં ભારતે ચીન-પાકિસ્તાનને લીધા આડેહાથ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે ચીન અને પાકિસ્તાનને આતંકવાદીઓની ઢાલ ન બનવા કડક ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, વૈશ્વિક આતંકવાદી લિસ્ટિંગ પ્રક્રિયામાં રાજકીય સ્વાર્થ કે હસ્તક્ષેપ બિલકુલ સહન નહીં કરાય.
ઇન્ડોનેશિયામાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ
ઇન્ડોનેશિયાના ફ્લોરેસ વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો વધુ એક શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. 10 કિલોમીટરની ઊંડાઈએ આવેલા આ આંચકાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. અગાઉ અહીં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી હતી.
અમેરિકામાં પ્લેન-હેલિકોપ્ટર ટક્કર
અમેરિકાના પેન્સિલવેનિયામાં એક નાના એરપોર્ટના રનવે નજીક પોલીસ હેલિકોપ્ટર સાથે વિમાન અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પ્લેનના પાયલટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હેલિકોપ્ટરમાં સવાર બંને પોલીસકર્મીઓ ચમત્કારિક રીતે બચી ગયા છે.
ડી.કે. શિવકુમારે ઉઠાવ્યા કર્ણાટકના હિતના મુદ્દા
તમિલનાડુમાં અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી દક્ષિણી ક્ષેત્રીય પરિષદની બેઠકમાં કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે રાજ્યના અધિકારોની જોરદાર રજૂઆત કરી હતી. તેમણે નાણાકીય હિસ્સો, જળ વહેંચણી અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતાં જણાવ્યું કે મજબૂત દક્ષિણ જ મજબૂત ભારતનો પાયો છે.
અમદાવાદમાં ગાંજાનો જથ્થો ઝડપાયો
અમદાવાદના ગોમતીપુરમાં NDPS સ્ક્વોડે મથુરા ભવનની ચાલીમાં દરોડો પાડી આસિફ નામના શખ્સને 4 કિલો ગાંજા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા મુદ્દામાલની કિંમત ₹2 લાખ આંકવામાં આવી છે, જ્યારે ગાંજો સપ્લાય કરનાર તેનો મુખ્ય સાગરીત બાબુલ હાલ ફરાર છે.
ગુજરાત યુનિવર્સિટી ભરતી કૌભાંડ
ગુજરાત યુનિવર્સિટીમાં ₹10 કરોડના કથિત ભરતી કૌભાંડ મામલે રજીસ્ટ્રાર પિયુષ પટેલની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. દસ્તાવેજોમાં સહી હોવાનો ખુલાસો થયા બાદ તપાસ કમિટીની 2 નોટિસ છતાં તેઓ ગેરહાજર રહ્યા છે, જેથી હવે તેમની સામે પોલીસ ફરિયાદ અને કડક કાર્યવાહીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

