VIDEO: EVENING BULLETIN / સીરિયાના પૂર્વ તાનાશાહને મૃત્યુદંડની સજા, વિદ્યાર્થી આંદોલન પર આદિત્ય ઠાકરેના આકરા પ્રહારો, IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ
સીરિયાના પૂર્વ તાનાશાહને મૃત્યુદંડની સજા
દમાસ્કની એક અદાલતે સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને માનવતા વિરુદ્ધના ગુનાઓ અને યુદ્ધ અપરાધો બદલ મૃત્યુદંડની સજા ફટકારી છે. ડિસેમ્બર ૨૦૨૪માં તેમની સરકારના પતન બાદ સંક્રમણ કાળની સત્તાવાળાઓ દ્વારા અસદ વિરુદ્ધ આપવામાં આવેલો આ પહેલો મૃત્યુદંડ છે. સત્તા છોડ્યા બાદ અસદ પોતાના પરિવાર સાથે મોસ્કો ભાગી ગયા હતા.
વિદ્યાર્થી આંદોલન પર આદિત્ય ઠાકરેના આકરા પ્રહારો
ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અંગે શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, પથ્થરમારો કરનારાઓના હાથમાં ભાજપના ઝંડા હતા. કેન્દ્ર સરકારના મૌન પર કટાક્ષ કરતા તેમણે પૂછ્યું કે તેઓ ગૃહમંત્રી છે કે 'વર્ક ફ્રોમ હોમ મંત્રી'?
IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ
દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર અભિષેક પોરેલની લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા અને અંગત પળો રેકોર્ડ કરવાના આરોપસર હુગલીમાંથી ધરપકડ કરવામાં આવી છે. મેડિકલ વિદ્યાર્થીનીની ફરિયાદ બાદ મોગરા પોલીસે કલકત્તા હાઈકોર્ટના આદેશથી આ કાનૂની કાર્યવાહી કરી છે.
જંગલેશ્વર ડિમોલિશનનું વધુ એક બિલ વિવાદમાં આવ્યું
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન મહાનગરપાલિકાએ 1900 હેલ્મેટની ખરીદી માટે રૂ. 4.71 લાખ ચૂકવતાં પ્રતિ હેલ્મેટ આશરે રૂ. 248નો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બજારમાં હેલ્મેટ સસ્તા ભાવે ઉપલબ્ધ હોવાના દાવા વચ્ચે ખરીદીના ભાવ તફાવતને લઈને સવાલો ઉઠ્યા છે અને સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે.
ગેરકાયદેસર બાંધકામો સામે અરજદારની ભૂખ હડતાળ
ડાંગમાં 63 બિનઅધિકૃત બાંધકામો સામે કાર્યવાહીની માંગ સાથે જાગૃત નાગરિક મનીષ મારાકણા કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાળ પર બેઠા છે. તંત્રએ 34 બાંધકામોને નોટિસ આપી કલમ 104 હેઠળ કાર્યવાહી શરૂ કર્યાનો દાવો કર્યો છે, પરંતુ અરજદારે યોગ્ય અને કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની વાત કરી છે.
આગનો તાંડવ: ફાયર પહોંચે તે પહેલાં સુરતીઓએ બતાવ્યું સાહસ!
સુરતના સિંગણપોર-નવા મોહલ્લામાં બિલ્ડિંગના પહેલા માળે ભીષણ આગ લાગતાં ઉપરના માળે ફસાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ દોરડાની મદદથી સુરક્ષિત રીતે બચાવ્યા હતા. બિલ્ડિંગ પરના ગેરકાયદેસર પતરાના શેડ અને ડોમને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી અને લોકોના જીવને જોખમ ઊભું થયું હોવાનું સામે આવ્યું છે.
સામાન્ય વરસાદમાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
આજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ મનમોહન ચાર રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આવામાં પીક અવર્સમાં ટ્રાફિકજામ સર્જાતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે.

