VIDEO: EVENING BULLETIN / યુક્રેનમાં ભારતીય પ્લાન્ટ પર હુમલો, જીગ્નેશ મેવાણી સામે ગંભીર આક્ષેપ
પાકિસ્તાન પર રશિયા લાલઘૂમ
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના હુમલાની રશિયન દૂતાવાસે આકરી ટીકા કરી છે. સરહદ પાર સેનાના ઓપરેશનથી બાળકો સહિત નિર્દોષ નાગરિકોને થતા નુકસાન અંગે રશિયાએ ઊંડી ચિંતા વ્યક્ત કરી બંને દેશો વચ્ચેના સંઘર્ષને રોકવા અપીલ કરી છે.
યુક્રેનમાં ભારતીય પ્લાન્ટ પર હુમલો
યુક્રેનના સુમી શહેરમાં ભારતના કુસુમ ગ્રુપના ફાર્મા પ્લાન્ટ પર રશિયન ડ્રોનથી મોટો હુમલો થયો છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા ઘાયલ થયા છે. પ્લાન્ટની મુખ્ય ઇમારત લગભગ સંપૂર્ણપણે નાશ પામી હોવાના અહેવાલ છે.
GSTના નિયમોમાં મોટો ફેરફાર
GST લાગુ થયાના 9 વર્ષ બાદ કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. આગામી GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સ અધિકારીઓની સીધી ધરપકડ કરવાની સત્તા સમાપ્ત કરવા પર વિચાર થશે. જો મંજૂરી મળશે તો શિયાળુ સત્રમાં કાયદામાં સુધારો કરાશે.
'વોટ ચોરી' મુદ્દે રાજ ઠાકરેનો મોરચો
મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અને 'વોટ ચોરી'ના વિરોધમાં રાજ ઠાકરે અને શિવસેના (UBT) દ્વારા મુંબઈમાં 'ગર્જના માર્ચ' કાઢવામાં આવી. રાજ ઠાકરેએ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર સીધા આકરા પ્રહારો કરી મોરચો માંડ્યો હતો.
જીગ્નેશ મેવાણી સામે ગંભીર આક્ષેપ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર અરુણા પરમાર નામની મહિલાએ માનસિક ત્રાસ, પોલીસ કેસ અને હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા છે. ચૂંટણીમાં અન્ય ઉમેદવારને મદદ કરવા મુદ્દે નિશાન બનાવાયાનો દાવો કરી મહિલાએ સરકાર પાસે ન્યાયની માગ કરી છે
સુરતમાં સ્ટેજ પરફોર્મન્સ પર હોબાળો
સુરતમાં સિંગર સુનિધિ ચૌહાણના ગીતો પર ડાન્સરોના અશોભનીય વસ્ત્રો અને અંગપ્રદર્શનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં સંસ્કૃતિના નામે અશ્લીલતા ફેલાવવા બદલ આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

