VIDEO: EVENING BULLETIN / 'ભારત જેવો મોટો દેશ અમારી પડખે’: ઇઝરાયલના પીએમ, પાકિસ્તાની ક્રીમ વાપરતા 18 મહિલાઓની કિડની ફેલ! મકાનો તોડી પાડ્યા છતાં AMCએ મોકલ્યું ટેક્સ બિલ!
'ભારત જેવો મોટો દેશ અમારી પડખે’: ઇઝરાયલના પીએમ
મિડલ ઈસ્ટ સંઘર્ષ વચ્ચે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સને જડબાતોડ જવાબ આપ્યો છે. વેન્સના 'અમેરિકા જ ઇઝરાયલનો એકમાત્ર સાથી છે' તેવા દાવાને ફગાવતા નેતન્યાહૂએ કટાક્ષમાં કહ્યું કે, 'અમારી પાસે ભારત જેવો મિત્ર દેશ છે, જ્યાં ૧૪૦ કરોડ લોકો રહે છે અને ત્યાંથી અમને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે'.
પાકિસ્તાની ક્રીમ વાપરતા 18 મહિલાઓની કિડની ફેલ!
ગોરા થવાની ઘેલછામાં કિડની ફેલ થવાનો એક ચોંકાવનારો કિસ્સો નાગપુરથી સામે આવ્યો છે. અહીં છેલ્લા બે વર્ષમાં ૧૮ મહિલાઓની કિડની અચાનક ફેઈલ થતાં ડૉક્ટરો પણ સ્તબ્ધ હતા. મેડિકલ તપાસમાં સામે આવ્યું કે આ તમામ મહિલાઓ લાંબા સમયથી એક ખાસ પાકિસ્તાની ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરી રહી હતી, જેને પગલે હવે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે."
E20 પેટ્રોલ મુદ્દે ભારત-ભુતાન વચ્ચે રાજદ્વારી વિવાદ
ભારતમાં ચાલી રહેલા E20 પેટ્રોલનો વિવાદ હવે પાડોશી દેશ ભુતાન સુધી પહોંચ્યો છે. ભારત સરકારે ભુતાનને E20 પેટ્રોલ સપ્લાય કરવાની ઓફરને સત્તાવાર રીતે નકારી કાઢી છે. જો કે, ભુતાનના વરિષ્ઠ પત્રકારે દાવો કર્યો છે કે તેમની પાસે ભારતીય ઓઇલ કંપનીઓ દ્વારા આ પ્રસ્તાવ અપાયો હોવાના લેખિત પુરાવા છે.
મુંબઈ-પૂણે એક્સપ્રેસ-વે બંધ
મહારાષ્ટ્રમાં આભ ફાટતાં મુંબઈ અને પૂણે વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. સોમવારે વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભેખડો ધસી પડી છે, જેનાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અકસ્માત નિવારવા માટે બંને શહેરોને જોડતી રેલ સેવાઓ અને એક્સપ્રેસ-વે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયા છે."
મકાનો તોડી પાડ્યા છતાં AMCએ મોકલ્યું ટેક્સ બિલ!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી બેદરકારી સામે આવી છે. વટવાના વાંદરવટ તળાવ પાસે એસ્ટેટ વિભાગે મેગા ડેમોલિશન કરીને ૫૦૦ જેટલા મકાનો તોડી પાડ્યા હતા. જો કે, હવે મકાનો અસ્તિત્વમાં જ ન હોવા છતાં ટેક્સ વિભાગે તેનું પ્રોપર્ટી ટેક્સ બિલ જનરેટ કરતાં તંત્રના બે વિભાગો વચ્ચેના સંકલનનો અભાવ ખુલ્લો પડ્યો છે.
કલાકાર હકાભા ગઢવી સામે ખેડૂતોનો મોરચો
જેતપર ખેડૂત આંદોલનને વિખેરવાના આક્ષેપ સાથે વિવાદ ગરમાયો છે. નિલેશ એરવાડિયા સાથેની ઓડિયો ક્લિપ વાઇરલ થતાં હવે ખેડૂતોએ કલાકાર હકાભા ગઢવી પાસે સ્પષ્ટતા માંગી છે કે, આંદોલન સમેટી લેવા ૨ કરોડની ઓફર કરનાર કયા નેતા હતા? નેતાનું નામ જાહેર ન થતાં આ રાજકીય વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.
ગુજરાતમાં ચોમાસાની તોફાની બેટિંગ : 6 ડેમ હાઇ એલર્ટ પર
ગુજરાતમાં ચોમાસાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. ભારે વરસાદના કારણે રાજ્યના 6 ડેમ હાઇ એલર્ટ પર છે અને સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF-SDRFની ૩૫ ટીમો તહેનાત કરી દેવાઈ છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૭૭૭ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે."
ખરાબ ભોજન મુદ્દે વાલીઓનો હોબાળો
પાટણના રાધનપુરમાં આવેલું સદારામ બક્ષીપંચ કુમાર છાત્રાલય મોટા વિવાદમાં સપડાયું છે. અહીં જમવામાં માત્ર બે જ રોટલી અને અત્યંત ખરાબ ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. વાલીઓએ છાત્રાલય પહોંચી હોબાળો મચાવતા જ વિવાદ વધતાં પ્રમુખ પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયા છે.

