VIDEO: NEWS EVENING: ગુજરાત-MPમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા, હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત, ગુજરાતમાં મેઘતાંડવ: 9 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાત-MPમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા!
દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યું છે. ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સંયુક્ત દરોડા પાડીને પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 8 સક્રિય આતંકીઓની ધરપકડ કરાઈ છે. ચોક્કસ ઇનપુટ્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એજન્સીઓએ આ ઓપરેશન પાર પાડ્યું છે.
અલી ખામેનેઈની અંતિમવિધિમાં પુત્ર મોજતબા નહીં રહે હાજર!
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના જનાઝાના કાર્યક્રમો આગામી ૪ જુલાઈથી શરૂ થઈને ૬ દિવસ ચાલશે. જો કે, ઇઝરાયેલ તરફથી મળતી ધમકીઓ અને સુરક્ષાના કારણોસર તેમના પુત્ર અને નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ આ કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં. ભારત તરફથી હાઈપ્રોફાઈલ પ્રતિનિધિમંડળ ઈરાન જશે.
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત!
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત સાથે જ તબાહી મચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૫૦ રસ્તાઓ બંધ થયા છે અને વીજ પુરવઠો ખોરવાયો છે. પહાડ પરથી પથ્થર પડવા, કરંટ લાગવા અને લપસી જવાથી અત્યાર સુધીમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે કાંગડા અને મંડીમાં ભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ જ્યારે શિમલા અને કુલ્લુ સહિત ચાર જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.
રામ મંદિર દાન ચોરીમાં ‘ભાગ બટાઈ’નો ખુલાસો!
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં SIT તપાસમાં મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓની વોટ્સએપ ચેટમાંથી ચોરીની રકમની ‘ભાગ બટાઈ’ની વિગતો મળી છે, જેમાં સોના-ચાંદીની જવાબદારી સંભાળતો ટિન્નુ યાદવ મુખ્ય ખેલાડી નીકળ્યો છે. આ કૌભાંડમાં નવો વળાંક આપતા મંદિરના વ્હીલચેર ચાલકો પણ શંકાના દાયરામાં આવ્યા છે, જેમની પાસે કાર અને જમીન જેવી અઢળક સંપત્તિ હોવાનું સામે આવતા હવે તેમની પણ કડક પૂછપરછ કરાશે.
આરોપી સોનમ જેલની બહાર રહેશે, સુપ્રીમની નોટિસ!
મેઘાલયના ચર્ચિત હનીમૂન મર્ડર કેસના મુખ્ય આરોપી સોનમ રઘુવંશીના જામીન પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. હનીમૂન દરમિયાન પતિ રાજા રઘુવંશીની સોપારી આપી હત્યા કરાવવાના ગંભીર કેસમાં પોલીસની ક્લેરિકલ ભૂલના કારણે હાઈકોર્ટે સોનમના જામીન મંજૂર રાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે સોનમને નોટિસ પાઠવીને આગામી ગુરુવારે વધુ સુનાવણી હાથ ધરવા નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં મેઘતાંડવ: 9 જિલ્લામાં રેડ એલર્ટ!
રાજ્યમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં માંગરોળમાં ૧૨.૬ અને કડીમાં ૨ કલાકમાં ૮ ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે વઘઈમાં ૧૦ ઈંચ અને ચીખલીમાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તંત્ર દ્વારા NDRFની ટીમને એલર્ટ કરાઈ છે.
નેશનલ હાઈવે પર બ્રિજમાં પડ્યા મસમોટા ભૂવા!
તાપી જિલ્લામાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઈવે નંબર 56 પર સરકારી કામગીરીના લીરેલીરા ઉડ્યા છે. ડોલવણના ગડત ગામ પાસે તાજેતરમાં જ બનેલો નવો માઈનોર બ્રિજ ચોમાસાનો પહેલો વરસાદ પણ સહન ન કરી શક્યો. બ્રિજના એપ્રોચ રોડની બંને બાજુએ મસમોટા ભૂવા પડી જતાં વાહનચાલકો માટે ભારે જોખમ સર્જાયું છે.
ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની પહોંચ્યા હાઈકોર્ટ!
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો પરિવાર હવે કાયદાકીય લડત માટે ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચ્યો છે. વનકર્મી પર હુમલો કરવા અને ખંડણી વસૂલવાના ગંભીર કેસમાં નીચલી અદાલતે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને દોષિત ઠેરવી ૭ વર્ષની સખત સજા ફટકારી છે. આ સજા સામે રાહત મેળવવા અને જેલમુક્ત થવા માટે શકુંતલા વસાવાએ હાઈકોર્ટમાં વચગાળાના જામીન મેળવવા અરજી દાખલ કરી છે.

