VIDEO: Tech News / નવો ફોન ખરીદવાનો પ્લાન છે તો થોડી રાહ જુઓ! GST દરમાં ઘટાડો કરીને સરકાર આપી શકે છે મોટી રાહત
દેશમાં 25,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન પર જીએસટી (GST) ઘટાડીને પાંચ ટકા કરવાનો અને વધુ કિંમતના ઉપકરણો પર હાલનો 18 ટકાનો દર યથાવત રાખવાનો સુઝાવ આપવામાં આવ્યો છે. ગ્રાન્ટ થોર્નટન (જીટી) ભારત અને પોલિસી વોચ ઈન્ડિયા ફાઉન્ડેશન (પીડબલ્યુઆઈએફ) એ સંયુક્ત રીતે તૈયાર કરેલા એક રિપોર્ટમાં બુધવારે આ સુઝાવ આપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સસ્તા (કિફાયતી) સ્માર્ટફોન પર ટેક્સ માળખાની સમીક્ષા કરવાની જરૂર છે, કારણ કે હાલનો 18 ટકા જીએસટી દર હવે ભારતના ડિજિટલ ઈકોનોમીમાં સ્માર્ટફોનની બદલાતી ભૂમિકાને યોગ્ય રીતે પ્રતિબિંબિત કરતો નથી.
અભ્યાસ અનુસાર, આ પ્રકારના ટેક્સ માળખાથી પહેલીવાર ખરીદી કરનારા અને કિંમત પ્રત્યે સંવેદનશીલ ગ્રાહકો માટે સ્માર્ટફોન વધુ સસ્તા થઈ જશે. સાથે જ આ સરકારના ડિજિટલ ઈન્ડિયા, નાણાકીય સમાવેશન (ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન) અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના લક્ષ્યોને પણ ટેકો આપશે. તેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન અને પ્રીમિયમ ઉપકરણો પર એક સમાન જીએસટી દર લાગુ કરવાથી તે સેગમેન્ટ પર વધુ અસર પડે છે જે ડિજિટલ સમાવેશનને પ્રોત્સાહન આપે છે.
GT Bharat-PWIF ની સ્ટડી અનુસાર, 25,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનનું સેગમેન્ટ – જે ભારતમાં હેન્ડસેટ શિપમેન્ટનો લગભગ બે-તૃતીયાંશ હિસ્સો છે – તે મુખ્યત્વે પહેલીવાર ખરીદનારાઓ, ગ્રામીણ પરિવારો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને ઓછી આવક ધરાવતા ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરે છે. સ્ટડીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લગભગ ૩૫ કરોડ ભારતીયો હજુ પણ ફીચર ફોન (સાધા ફોન) નો ઉપયોગ કરી રહ્યા છે, જે દર્શાવે છે કે વધુ લોકોના ડિજિટલ દુનિયા સાથે જોડાવામાં કિંમત એક મોટો અવરોધ બનેલી છે.
એ વાત પર ભાર મૂકતા કે સ્માર્ટફોનને હવે માત્ર મોજશોખની કન્ઝ્યુમર પ્રોડક્ટ ગણવાને બદલે ડિજિટલ દુનિયા સુધી પહોંચવાના પ્રારંભિક માધ્યમ (first-access digital infrastructure) તરીકે જોવો જોઈએ. પેપરમાં કહેવામાં આવ્યું છે કે ઈલેક્ટ્રોનિક્સ બનાવતી અન્ય ઈકોનોમીઝ (અર્થતંત્રો) ની સરખામણીમાં ભારત સ્માર્ટફોન પર સૌથી વધુ પરોક્ષ ટેક્સ (ઇનડાયરેક્ટ ટેક્સ) ના દરો વસૂલતા દેશોમાંનો એક છે.
આ દેશોમાં ઓછો ટેક્સ લાગે છે
વિયેતનામ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોએ પ્રમાણમાં ઓછું ટેક્સ માળખું અપનાવ્યું છે, જે મેન્યુફેક્ચરિંગમાં સ્પર્ધાત્મકતા જાળવી રાખવાની સાથે વધુ લોકો દ્વારા સ્માર્ટફોન અપનાવવામાં મદદ કરે છે. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે સસ્તા સ્માર્ટફોન માટે અલગ જીએસટી ફ્રેમવર્કને ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રી માટે ટેક્સમાં છૂટછાટ તરીકે નહીં, પરંતુ એક વ્યૂહાત્મક નીતિગત પગલા તરીકે જોવું જોઈએ. આ પગલું ટેક્સ વ્યવસ્થાને ભારતના ડિજિટલ પરિવર્તન, મેન્યુફેક્ચરિંગ સંબંધિત લક્ષ્યો અને લાંબા ગાળાના આર્થિક ઉદ્દેશ્યો સાથે જોડે છે.

