EVENING BULLETIN: ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર મહિલા સદસ્યનો બહિષ્કાર! ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ માટે મહામંથન, મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ
બ્રિટનના PMનું રાજીનામું
વૈશ્વિક રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન પદની સાથે તેમણે સત્તાધારી 'લેબર પાર્ટી'ના અધ્યક્ષ પદ પરથી પણ રાજીનામું આપી સૌને ચોંકાવી દીધા છે.
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ માટે 'મહામંથન'
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની ચર્ચાઓ ઝડપી બની છે. જુલાઈની ડેડલાઈન પહેલાં અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીયર નવી દિલ્હી આવી રહ્યા છે. તેઓ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાથે દિલ્હીમાં બેઠક કરીને આ ડીલને આખરી ઓપ આપશે.
મહારાષ્ટ્રમાં રાજકીય હડકંપ
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેનું 'ઓપરેશન ટાઇગર' સફળ થવાના સંકેત છે. શિવસેના UBTના 6 સાંસદો બાદ હવે 14 ધારાસભ્યો પણ શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા છે. પક્ષમાં મોટા ભંગાણના ડરથી ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવી છે.
તમિલનાડુમાં મિની ટોર્નેડો
તમિલનાડુના તૂથુકુડીમાં આકાશમાં ધૂળનો વિશાળ સ્તંભ ઉડતો દેખાતા ફફડાટ મચ્યો છે. તીવ્ર પવનના કારણે થીમ પાર્ક, ઘરો અને ટોલ પ્લાઝાને ભારે નુકસાન થયું છે અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોકે, IMD મુજબ આ અસલી ટોર્નેડો નહીં, પણ શક્તિશાળી થંડરસ્ટોર્મ છે.
ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર મહિલા સદસ્યનો બહિષ્કાર!
ભરૂચના કવિઠા ગામે પંચાયતમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર મહિલા સદસ્ય હેતલબેન અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો છે. જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલ આ તાલીબાની ફતવા પાછળ મુખ્ય સૂત્રધાર હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે તપાસની માંગ કરી છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે. જોકે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ વચ્ચે પવન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે.
કચ્છની શાળામાં શિક્ષકોની અછત
કચ્છના નખત્રાણામાં શિક્ષકોની ગંભીર અછત સામે વાલીઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. શાળામાં પાંચ ધોરણ વચ્ચે માત્ર એક જ શિક્ષક હોવાથી શિક્ષણ ખોરવાયું છે. કંટાળેલા વાલીઓએ શાળાને તાળાબંધી કરી નવી નિમણૂકની માંગ કરી છે.
અમદાવાદમાં જળયાત્રાની તૈયારી
અમદાવાદમાં 29 જૂને યોજાનારી ભવ્ય જળયાત્રા માટે તંત્ર એક્શન મોડમાં છે. સાબરમતી નદીને ભરવા માટે નર્મદા કેનાલમાંથી 1,048 ક્યુસેક પાણી છોડાયું છે. મેયર અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ વાસણા બેરેજની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી છે.

