EVENING BULLETIN: અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત, ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની શક્યતા, ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ભારે પથ્થરમારો
અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત!
ઓમાનના દરિયાકાંઠે અમેરિકી સેનાના હુમલામાં ૩ ભારતીય ખલાસીઓએ જીવ ગુમાવ્યા છે. અમેરિકાનો દાવો છે કે, પાલાઉ દેશનો ધ્વજ ધરાવતા 'સેટેબેલો' ઓઈલ ટેન્કરે બ્લૉકેડનું ઉલ્લંઘન કર્યું તેથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે આ દુઃખદ ઘટનાની પુષ્ટિ કરી છે.
ઓમાનમાં વધુ એક જહાજ પર હુમલો
ગલ્ફ વિસ્તારના સમુદ્રમાં અશાંતિનું વાતાવરણ યથાવત છે. ઓમાનના કિનારે 'સેટેબેલો' જહાજ પર થયેલા હુમલા બાદ ત્યાં જ વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શિનસ બંદર નજીક 'MT જલવીર' નામના જહાજ પર હુમલો થયો હોવાના અહેવાલ છે. હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી.
ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની શક્યતા
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે! રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૫૦ ડોલર સુધી પહોંચી શકે છે, જેના કારણે ભારત સહિત દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની આશંકા છે!
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ભારે પથ્થરમારો
મેઘાલય-બાંગ્લાદેશ સરહદે ભારે હોબાળો થયો છે! BSF દ્વારા એક ઘૂસણખોરને પરત મોકલવા જતાં, સરહદ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ અને બંને તરફથી પથ્થરમારો શરૂ થયો. હાલ સરહદ પર ભારે તણાવની સ્થિતિ છે.
TMCમાં મોટું ભંગાણ!
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે! સુસ્મિતા દેવ બાદ હવે કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બરાઈકે પણ રાજીનામું આપી દીધું છે. એક જ અઠવાડિયામાં TMCના આ ત્રીજા મોટા સાંસદનું રાજીનામું છે!
કલ્યાણ બેનર્જીએ મમતાને આપ્યું અલ્ટીમેટમ
પશ્ચિમ બંગાળમાં TMCની મુશ્કેલીઓ ચરમસીમાએ છે! ૬૦થી વધુ ધારાસભ્યોના બળવા વચ્ચે હવે કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીને ખુલ્લું અલ્ટીમેટમ આપ્યું છે કે, ‘કાં તો અભિષેક બેનર્જીને પસંદ કરો, અથવા મને.. આ આંતરિક વિખવાદથી પક્ષ તૂટવાના આરે છે.
અમેરિકામાં ભારતીય ઉદ્યોગપતિની ધરપકડ!
અમેરિકામાં ભારતીય મૂળના મોટા ઉદ્યોગપતિ મહેન્દ્ર મખીજાનીની ધરપકડ થઈ છે! તેના પર બેંક સાથે અંદાજે ૧૦૦ મિલિયન ડોલરની છેતરપિંડીનો આરોપ છે. કેલિફોર્નિયામાં રહેતા મહેન્દ્ર સામે હવે ફેડરલ ક્રિમિનલ કેસ નોંધાયો છે!
લોકગાયિકા કાજલ મહેરિયાના નકલી છૂટાછેડા?
લોકગાયિકા કાજલ મહેરિયાના નામે મહેસાણા કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી દાખલ થતાં ચકચાર મચી છે! વકીલની ખોટી સહી અને ખોટા દસ્તાવેજોથી આ કાવતરું ઘડાયું હતું. કાજલના વકીલે હવે આ કૂટનીતિ પાછળના માસ્ટરમાઇન્ડને પકડવા તપાસની માંગ કરી છે.
સુરત ડિમોલિશન પર મોટી સ્પષ્ટતા!
સુરતના નાસીરનગરમાં થયેલા ડિમોલિશનને લઈને મનપાના એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકે ખુલાસો કર્યો છે. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પણ કાયદેસરની કાર્યવાહી હતી. તેમણે તપાસ ચાલુ હોવાથી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

