મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

રસોડામાં માથે સ્માર્ટફોન કેમ બાંધી રહી છે ભારતીય મહિલાઓ? કારણ જાણીને ચોંકી જશો!

એક તરફ દુનિયાની મોટી મોટી કંપનીઓ પોતાની બુદ્ધિથી કંપનીનાં કામકાજ ચલાવતા એન્જિનીયર્સ અન

રસોડામાં માથે સ્માર્ટફોન કેમ બાંધી રહી છે ભારતીય મહિલાઓ? કારણ જાણીને ચોંકી જશો!
આ સમાચાર સાંભળો

એક તરફ દુનિયાની મોટી મોટી કંપનીઓ પોતાની બુદ્ધિથી કંપનીનાં કામકાજ ચલાવતા એન્જિનીયર્સ અને અન્ય પ્રોફેશનલ્સને છૂટા કરીને તેમનું કામકાજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પાસે કરાવવા લાગી છે, તો બીજી તરફ જેમને હજી સુધી એઆઇ સાથે કોઈ લેવાદેવા નહોતી એમને એઆઇમાંથી કમાણીની નવી તકો મળવા લાગી છે. આ લોકોની યાદીમાં ગૃહિણીઓ, ફુલહાર બનાવતા માળી, સીવણકામ કરતા દરજીઓથી લઈને પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન્સ અને અન્ય કામદારો સામેલ છે!

અત્યારે ગૂગલ જેવી કંપની આંધ્ર પ્રદેશના આદિવાસીઓની ભાષા પણ પોતાનાં એઆઇ મોડેલ શીખે-સમજે એવું ઇચ્છે છે, તો બીજી તરફ, રોબોટિક્સમાં એઆઇનો ઉપયોગ વધી રહ્યો હોવાથી તેની ટ્રેનિંગ માટે સાવ રોજિંદાં કામકાજ કરતા લોકોની મદદ પણ ટેક કંપનીઓને જોઈએ છે. એ સાથે મહાકાય ડેટા સેન્ટર્સ ઊભાં કરવા માટે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી થાય એવા કામદારોને ટેક કંપનીઓ ટ્રેનિંગ આપવા લાગી છે.

ભારતમાં હવે લોકોને સોશિયલ મીડિયા અને યુટ્યૂબને કારણે સ્માર્ટફોનનું એવું વ્યસન થઈ ગયું છે કે ગૃહિણીઓ રસોઈ કરતી વખતે પણ પ્લેટફોર્મ પર એક તરફ ખૂણામાં સ્માર્ટફોન ગોઠવીને તેમાં કંઈને કંઈ જોતી હોય છે (ફોનમાં ગીતો સાંભળો એ વાત ચાલી જાય, પણ રસોડામાં ફોનમાં કંઈ પણ જોવાની આદત હોય તો ચેતી જજો, આ આદત બહુ જોખમી બની શકે છે!). પરંતુ હવે ભારતની અનેક ગૃહિણી રસોડામાં સ્માર્ટફોનનો જુદી જ રીતે ઉપયોગ કરી રહી છે.

આ ગૃહિણીઓ રસોઈ કરતી વખતે સ્માર્ટફોન ખૂણામાં રાખવાને બદલે કે હાથમાં લેવાને બદલે પોતાના માથે ચડાવીને કામ કરી રહી છે!

આ ગૃહિણીઓને ટેક કંપનીઓ તરફથી સ્માર્ટફોન ફિટ કરી શકાય તેવા ખાસ પ્રકારના હેડ માઉન્ટ આપવામાં આવી રહ્યા છે. કોલસાની અંધારી ખાણોમાં કામ કરતા ખાણકામદારો પોતાના માથે ટોર્ચ પહેરતા હોય છે, કંઈક એ જ રીતે આ સાધનમાં સ્માર્ટફોન ફિટ કરી, તેમાં કેમેરા ઓન કરીને ગૃહિણી રસોડાનાં પોતાનાં રોજિંદાં કામકાજ કરે છે!

રસોડામાં કેરીનો રસ કાઢવાનો હોય, શાકભાજી સમારવાનાં હોય કે દાળનો વઘાર કરવાનો હોય - બધું કામકાજ માથા પર મૂકેલા સ્માર્ટફોનના કેમેરાથી કેપ્ચર થતું રહે છે. આ બધો ડેટા છેવટે ટેક કંપનીઓના સર્વરમાં પહોંચે છે. અહીં એઆઇ-પાવર્ડ રોબોટ્સને ટ્રેઇન કરવા માટે આ ડેટાનો ઉપયોગ થાય છે! એમાંથી રોબોટ્સ શીખે છે કે અચ્છા, માણસો શાકભાજી આ રીતે સમારે છે!

ભારતની ગૃહિણીઓને માથે સ્માર્ટફોન પહેરીને કામ કરવા માટે એક કલાકના 250 રૂપિયા જેવી રકમ મળે છે. રોજેરોજ જે કામ કરવાનું થતું હતું એ જ કામ કરવા માટે હવે વધારાની રકમ મળે છે. ફેર ફક્ત એટલો કે સ્માર્ટફોનને માથે ચઢાવીને એ રોજનાં કામ કરવાનાં છે.

જે રીતે કન્ટેન્ટ ક્રિએશન કે કોડિંગનું કામ એઆઇને સોંપાઈ રહ્યું છે એ જ રીતે આપણા રોજબરોજનાં કામકાજ કરવા માટે કે ફેકટરીમાં થતાં લગભગ એકસરખાં કામ કરવાની જવાબદારી ધીમે ધીમે રોબોટ્સને ફાળવવામાં આવી રહી છે.

આવા રોબોટ્સ પોતાનું કામકાજ માણસ જેટલીસારી રીતે કરતાં શીખી એ માટે એઆઇનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં આવા એઆઇ-પાવર્ડ હ્યુમનોઇડ રોબોટ્સ રસોડાની જવાબદારીઓ પણ સંભાળી શકે એ માટે ગૃહિણીઓ પોતાના હાથે ઝપાટાબંધ જુદાં જુદાં કામ આટોપતી હોય એ બધું એઆઇ મારફતે રોબોટ્સને શીખવવું જરૂરી બન્યું છે.

ભારતની ગૃહિણીઓ પાસેથી કપડાંને ગડી વાળવી, ચા-કોફી બનાવવાં, કપડાં ધોવાં, રસોઈ કરવી, શાકભાજી સમારવું વગેરે જુદાં જુદાં કામનાં વીડિયો મેળવવા માટે અમેરિકાની કંપનીઓ ભારતસ્થિત કંપનીઓને ડેટા કલેક્શનનાં કામ સોંપી રહી છે.

ગૃહિણીઓની જેમ દેશભરની વિવિધ ફેકટરીમાં અનેક પ્રકારનાં કામ કરતા કામદારોને માથે પણ આ જ કારણે હવે સ્માર્ટફોન ગોઠવાઈ રહ્યા છે.

અત્યારે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ચર્ચાનું સમગ્ર ફોકસ એ મુદ્દા પર છે કે એઆઇને કારણે સોફ્ટવેર એન્જિનીયરથી લઇને જુદા જુદા અનેક પ્રકારના વ્હાઇટ- કોલર પ્રોફેશનલ્સના જોબ ઝૂંટવાઈ જશે.  પરંતુ ભારતના જ ૫૦ કરોડ જેટલા કામદારોને એઆઇ કેવી મદદ કરી શકે એ તરફ ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

કદાચ એ કારણે હવે બેંગલુરુ જેવા ભારતના સિલિકોન સિટીમાં એક તરફ કમ્પ્યૂટર એન્જિનીયર એઆઇનો ઉપયોગ કરતાં કરતાં એઆઇનો સામનો કરવાની મથામણ કરી રહ્યા છે, તો બીજી બાજુ એકાદ દાયકાથી બેંગલુરુની ફૂટપાથ પર બેસીને ફૂલહાર બનાવતો કોઈ માળી પોતાના માથે સ્માર્ટફોન પહેરીને એ જ એઆઇને વધુ સ્માર્ટ બનાવવામાં મદદ કરી રહ્યો છે!

જોકે વાત હવે ફક્ત કામકાજના વીડિયો ઉતારવા પૂરતી સીમિત રહી નથી. ઘણી ફેકટરીમાં કામદારોના હાથે, પગે અને માથે મોશન સેન્સર્સ લગાવવામાં આવી રહ્યાં છે. જેને કારણે તેઓ ફેકટરીમાં પોતાનું કામકાજ કરતા હોય ત્યારે તેમની બધી જ મૂવમેન્ટ પણ રેકોર્ડ થાય છે. તેમના કામકાજની સાથોસાથ કામદારો જે કંઈ વાતચીત કરતા હોય તેનો ઓડિયો પણ રેકોર્ડ કરવામાં આવે છે. આ કામદારોને રાજકારણથી માંડીને મનોરંજન સુધીના બધા વિષયો વિશે વાતચીત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેના રેકોર્ડિંગ પરથી એઆઇને લોકોની સ્પીચ પેટર્નનું પ્રોસેસિંગ શીખવી શકાય!

બહુ દેખીતું છે કે અત્યારે એઆઇ અને રોબોટ્સને ટ્રેઇન કરવા માટે ભારતની ગૃહિણીઓ અને વિવિધ પ્રકારના કામદારોને નવી આવક મળી રહી છે. પરંતુ આગળ જતાં, આ જ બધા ડેટાની મદદથી વધુ સ્માર્ટ બનેલા એ જ રોબોટ્સ, ખાસ કરીને કામદારોના કામકાજ પર તરાપ મારશે.

ગયા અઠવાડિયે ગૂગલે જાહેરાત કરી કે તે સમગ્ર અમેરિકામાં કન્સ્ટ્રકશન કામદારો, ઇલેક્ટ્રિશિયન્સ, પ્લમ્બર્સ, પાઇપ ફિટર્સ,  વેલ્ડર્સ અને અન્ય પ્રકારના કારીગરો માટે  ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરશે. કંપનીએ એ માટે ૫૦ મિલિયન યુએસ ડોલરનું બજેટ ફાળવ્યું છે.

આ વિશે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું કે અમેરિકાની (ખરેખર તો સમગ્ર વિશ્વની) ડિજિટલ ઇકોનોમી ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને તેનું નિર્માણ કરીને તેને મેઇન્ટેઇન કરતા ઇલેક્ટ્રિશિયન્સ, પાઇપ ફિટર્સ, વેલ્ડર્સ તથા અન્ય મેન્યુફેકચરિંગ તથા કન્સ્ટ્રક્શન વર્કર્સ પર આધારિત છે. ગૂગલ આવા ત્રણ લાખ વર્કર્સને નવી ડિમાન્ડને પહોંચી વળવા માટે તાલીમ આપશે. આ પહેલાં, વર્ષ ૨૦૨૨થી અત્યાર સુધીમાં કંપનીએ સમગ્ર વિશ્વમાં ડિજિટલ સ્કિલ્સ અને વર્ક ફોર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ માટે એક અબજ યુએસ ડોલરથી વધુ રકમનું રોકાણ કર્યું છે!

ગૂગલની આ જાહેરાતના થોડા દિવસ પહેલાં મેટા કંપનીએ પણ કંઈક આ જ રીતે અમેરિકન કારીગરોને તાલીમ આપવા માટેની સ્પેશિયલ પ્રોગ્રામ્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેણે બજેટ ફાળવ્યું છે ૨૫૦ મિલિયન યુએસ ડોલર! એ પહેલાં ઓરેકલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીએ પણ કારીગરોની મોટી ફોજ તૈયાર કરવા માટેના તેમના ટ્રેનિંગ પ્રોગ્રામ હજી વધુ વિસ્તાર્યા છે.

અત્યાર સુધી આપણે એમ જ માનતા આવ્યા છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) લોકોની નોકરી ખાઈ જશે. ખાસ કરીને કમ્પ્યૂટર એન્જિનીયર્સની જોબ સામે મોટો ખતરો ઊભો થયો છે. પરંતુ તેની સામે એ જ એઆઇને કારણે બ્લુ-કોલર વર્કર્સ એટલે કે કારીગરો માટે જબરી તક ઊભી થઈ હોય તેવું લાગે છે.

આ બધી દુનિયાની ટોચની ટેક કંપનીઓને અચાનક, સોફ્ટવેર એન્જિનીયર્સને બદલે કારીગરોમાં રસ કેમ પડ્યો?

કારણ એ છે કે સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી મચેલી ધૂમને કારણે બહુ મોટા પાયે એઆઇ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાની તાતી જરૂર ઊભી થઈ છે. સમગ્ર વિશ્વમાં અત્યારે એઆઇને કારણે ઇન્ટરનેટના ઉપયોગમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. તેને કારણે આખી દુનિયામાં મહાકાય ડેટા સેન્ટર ઉભા કરવાનો પણ જુવાળ આવ્યો છે.

અમેરિકામાં ૨૦૨૫ના એક જ વર્ષમાં ૩૪ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ કુલ ૧૭૬ ડેટા સેન્ટર્સ ઊભા કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. અમેરિકામાં ૧૯૭૬માં પહેલું ડેટા સેન્ટર ઊભું કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વાર એક વર્ષમાં આટલાં બધાં ડેટા સેન્ટર ઊભાં કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ બધાં ડેટા સેન્ટર્સના બાંધકામ માટે બહુ મોટા પાયે કારીગરોની જરૂર ઊભી થઈ છે.

અમેરિકાના એસોસિએટેડ બિલ્ડર્સ એન્ડ કોન્ટ્રાકટર્સ નામના એક એસોસિએશનના અંદાજ મુજબ અમેરિકામાં એઆઇને કારણે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાની જે ડિમાન્ડ ઊભી થઈ છે તેને પહોંચી વળવા કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીને ફક્ત આ એક વર્ષમાં નવા સાડા ત્રણ લાખ જેટલા કારીગરોની જરૂર પડે તેમ છે. આથી હવે નવા કારીગરો ઊભા કરવા માટે ટેક કંપનીઓએ મેદાને પડ્યા વિના છૂટકો નથી!

આ સમાચાર શેર કરો