શું છે નવું ChatGPT એજન્ટ? જે કમ્પ્યુટરને પણ કરી શકશે કન્ટ્રોલ, જાણો અન્ય મોડલથી આ કેમ અલગ

OpenAI દ્વારા નવું ચેટજીપીટી એજન્ટ લોન્ચ કરાયું છે. ચેટજીપીટીના CEO સેમ ઓલ્ટમેનના કહ્યા મુજબ આ ફક્ત એક ચેટબોટ નથી, પરંતુ એક વર્ચ્યુઅલ કમ્પ્યુટર છે જે પોતે વિચાર કરે છે અને તેના પર અમલ પણ કરે છે. OpenAIના પ્રો, પ્લસ અને ટીમ પ્લાન ધરાવતાં યુઝર્સ માટે આ એજન્ટ હાલમાં જ રજૂ કરાયું હતું. આ ચેટજીપીટી એજન્ટ યુઝર્સ માટે કમ્પ્યુટરની જેમ ઘણાં ટાસ્ક કરી શકે છે. આ માટે યુઝરે ચેટજીપીટીમાંથી ડ્રોપડાઉન મોડમાં જઈને એજન્ટ મોડ એક્ટિવેટ કરવાનું રહેશે.
જાણો શું છે આ એજન્ટ મોડ?
OpenAIનું ચેટજીપીટી એજન્ટ એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ છે. આ ચેટબોટ કરતાં વધુ પર્સનલ આસિસ્ટન્ટની જેમ કામ કરશે જે યુઝર માટે દરેક પ્રકારના ટાસ્ક પૂરા કરશે. આ નવું ટૂલ સવાલના જવાબ આપવા કરતાં પોતે વિચાર કરવા પર અને ત્યાર બાદ એના અમલ કરવા પર વધુ ભાર આપે છે. જેથી યુઝર માટે કામ વધુ સરળ બનશે. આ ટૂલમાં યુઝર એકદમ સામાન્ય ભાષામાં વાત કરી શકે છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘મારા કેલેન્ડર પર નજર રાખીને મારી આગામી મીટિંગ વિશે જણાવ’ વગેરે જેવી બાબતો વિશે યુઝર્સ સરળ ભાષામાં સવાલ પૂછી શકશે. ચેટજીપીટી પ્રો યુઝર્સ એક મહિનામાં 400 ક્વેરી જ્યારે બીજી તરફ ટીમ અને પ્લસ યુઝર્સ ફક્ત 40 ક્વેરી કરી શકશે. ચેટજીપીટી એન્ટરપ્રાઇઝ અને એજ્યુકેશન માટે આ વર્ષના અંત સુધીમાં એ શરૂ કરવામાં આવશે.
ચેટજીપીટી એજન્ટ પાછળ છે ભારતીયનું દિમાગ
હૈદરાબાદની IITમાંથી ગ્રેજ્યુએટ થયેલા યશ કુમારે 2023ના નવેમ્બરમાં OpenAI જોઈન કર્યું હતું. જે ચેટજીપીટી એજન્ટની ટીમને લીડ કરી રહ્યો છે. યશ અને ઈસા ફુલફોર્ડ દ્વારા આ સોફ્ટવેરનું ડેમોસ્ટ્રેશન પણ કરાયું હતું. તેમણે એક કપલ માટે ડેટા નાઇટ પ્લાન કરવા માટે કહ્યું હતું. આ સિવાય પણ તેમણે અલગ-અલગ કમાન્ડ આપીને તેમના ચેટજીપીટી એજન્ટની ક્ષમતાને દેખાડી હતી.
અગાઉની OpenAIની સિસ્ટમના આધારે તૈયાર કરાયું છે ચેટજીપીટી એજન્ટ
ચેટજીપીટી એજન્ટને વેબ બ્રાઉઝર ટૂલ ઓપરેટર અને ડીપ રિસર્ચ તેમજ એનાલિસિસ ટૂલ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તેથી આ એજન્ટ જુદી જુદી વેબસાઇટ પરથી માહિતી મેળવશે અને રિપોર્ટ તૈયાર કરશે. OpenAI મુજબ આ એક એવું ઓપરેટર છે જે એજન્ટ તરીકે કામ કરશે અને યુઝર માટે ટાસ્ક પૂરા કરશે. ચેટજીપીટી એજન્ટના મોડલનું કોઈ નામ નથી. એને મશિન લર્નિંગ ટેક્નિક પરથી બનાવવામાં આવ્યું છે. આ એક સ્ટાન્ડર્ડ ટેક્નિક છે અને OpenAIનું રિઝનીંગ મોડલ એના પર જ કામ કરે છે. ઘણી એવી બાબત છે જે ચેટજીપીટી નથી કરી શકતું, પરંતુ એજન્ટ કરી શકે છે. હ્યુમનિટી ટેસ્ટમાં ચેટજીપીટી એજન્ટને 41.6 ટકા મળ્યા હતા. OpenAIના O3 અને O4-mini મોડલ કરતાં આ બમણો સ્કોર છે. મેથેમેટિક્સની સૌથી અઘરી ટેસ્ટમાં ચેટજીપીટી એજન્ટના 27.4 ટકા આવ્યા હતા. એમાં એજન્ટ દ્વારા ટર્મિનલનો ઉપયોગ કરાયો હતો જે કોડને એક્સીક્યુટ કરી શકે છે. આ માટે OpenAIની ઓપરેટર અને ડીપ રિસર્ચ બન્ને ટીમ સાથે મળીને કામ કરતી હતી. આ ટીમમાં 20થી 35 વ્યક્તિઓએ કામ કર્યું હતું.
અન્ય મોડલ કરતાં કરશે ધીમું કામ
ચેટજીપીટી એજન્ટની ટીમે કહ્યું કે હાલમાં આ મોડલ અન્ય મોડલની સરખામણીએ ઘણું ધીમું કામ કરે છે. આ વિશે ઇસા ફુલફોર્ડ કહે છે, ‘જો આ ચેટજીપીટી દ્વારા પંદર મિનિટ અથવા તો અડધો કલાક પણ લેવામાં આવે તો પણ વ્યક્તિને એ માટે જે સમય લાગે છે એની સરખામણીએ ખૂબ જ ઓછો છે. આ એક એવી વસ્તુ છે જેને તમે કામ કરવા માટે આપીને જઈ શકો છો અને ફરી આવીને એ કામ ચેક કરી શકો છો.’
આ વિશે વધુ જણાવતાં ઇસા ફુલફોર્ડ કહે છે, ‘મને શું જોઈએ છે એને લઈને હું ચોક્કસ હતી અને એથી મેં ચેટજીપીટીને કપકેક ઓર્ડર કરવા કહ્યું હતું. એણે ઘણી કપકેક ઓર્ડર કરી હતી. એને અંદાજે એક કલાકનો સમય લાગ્યો હતો. જોકે મારા માટે એ સારી વાત હતી કારણ કે મારે એ ઓર્ડર પોતે નહોતો કરવો.’
દેરક બાબત માટે યુઝરની પરવાનગી લેશે
ઇમેલ સેન્ડ કરવા પહેલાં અને બૂકિંગ કરવા પહેલાં ચેટજીપીટી એજન્ટ યુઝર પાસે પહેલાં પરવાનગી લેશે. આ મોડલમાં ઘણાં પ્રોટેક્શન રાખવામાં આવ્યા છે. જેમ કે આ મોડલ બેન્ક ટ્રાન્સફર જેવા હાઇ-રિસ્ક ટાસ્ક નહીં કરે. આ વિશે સેમ ઓલ્ટમેન કહે છે, ‘અમે એમાં ઘણી પ્રોટેક્શન અને વોર્નિંગનો સમાવેશ કર્યો છે. ટ્રેઇનિંગથી લઈને સિસ્ટમને સુરક્ષિત રાખવા સુધીની દરેક બાબત પર અમે ખૂબ જ ધ્યાન આપ્યું છે. ચેટજીપીટી એજન્ટ ઘણાં કામ કરી શકશે, પરંતુ આ માટે અમે યુઝર્સને ઘણી ચેતવણીઓ આપીશું જેથી તેમણે એનો ઉપયોગ કરવો કે નહીં એ તેઓ પોતે નક્કી કરી શકે. અમે યુઝર્સને વિનંતી કરીએ છીએ કે ટાસ્ક પૂરા કરવા માટે ચેટજીપીટી એજન્ટને શક્ય હોય એટલી ઓછી પર્સનલ માહિતી આપવી જેથી પ્રાઇવસી અને સિક્યોરિટીનું રિસ્ક ન રહે.’
આ વિષયમાં સોશિયલ મીડિયા પર સેમ ઓલ્ટમેને પોસ્ટ કર્યું હતું કે ‘AI સિસ્ટમ માટે એજન્ટ્સમાં ઘણી નવી ક્ષમતાનો ઉમેરો કરાયો છે. જેનાથી યુઝરના કેટલાક અઘરા ટાસ્ક પણ પૂરા થઈ શકશે. આ માટે એજન્ટ પોતાનાં કમ્પ્યુટરનો ઉપયોગ કરશે. ડીપ રિસર્ચ અને ઓપરેટરનો ઉપયોગ કરીને કામ કરે છે.

