આ કંપનીએ 2.50 લાખથી વધુ કાર ગ્રાહકો પાસેથી પાછી મંગાવાઈ, અકસ્માત સમયે એરબેગ ન ખૂલવાનું મોટું જોખમ!

જગુઆર લેન્ડ રોવર (JLR) એ નોર્થ અમેરિકામાં 250,857 લેન્ડ રોવર SUV કારો માટે રીકોલ (પાછી ખેંચવાની નોટિસ) જાહેર કર્યો છે. આનું કારણ ડ્રાઈવર એરબેગ સાથે જોડાયેલી એક સમસ્યા છે, જેના લીધે અકસ્માત સમયે એરબેગ યોગ્ય રીતે ખૂલી શકશે નહીં. યુએસ નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશનમાં સબમિટ કરવામાં આવેલી 'પાર્ટ 573 સેફ્ટી રીકોલ રિપોર્ટ' અનુસાર, આ રીકોલમાં વર્ષ 2022 થી 2026 ની રેન્જ રોવર, 2021 થી 2026 ની ડિસ્કવરી અને 2020 થી 2026 ના ડિફેન્ડર મોડલના કેટલાક ખાસ વાહનો સામેલ છે. આ સમસ્યા ક્લોકસ્પ્રિંગ પર ડ્રાઈવર એરબેગના કનેક્ટર સાથે જોડાયેલી છે.
'ફ્રેટિંગ કોરોઝન' (કાટ) નું જોખમ
ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે કે સમય જતાં કનેક્ટરમાં 'ફ્રેટિંગ કોરોઝન' થઈ શકે છે, જેના કારણે ડ્રાઈવર એરબેગ સર્કિટમાં રેઝિસ્ટન્સ વધી શકે છે અને જરૂર પડ્યે એરબેગ ખૂલવામાં મુશ્કેલી થઈ શકે છે. JLR એ સ્પષ્ટ કર્યું છે કે એરબેગ ન ખૂલવાની સંભવિત સ્થિતિ ઊભી થાય તેના ઓછામાં ઓછા 300 થી 400 માઈલ પહેલાં એરબેગ વોરનિંગ લેમ્પ ચાલુ થઈ જવો જોઈએ, જેથી કારના માલિકોને ખામી વિશે અગાઉથી જ ખબર પડી જાય.
મોડલ પ્રમાણે રીકોલની વિગત
મોડલના હિસાબથી જોઈએ તો આ રીકોલમાં 69,685 રેન્જ રોવર યુનિટ, 83,620 ડિસ્કવરી યુનિટ અને 97,552 ડિફેન્ડર યુનિટ સામેલ છે. અસરગ્રસ્ત ગાડીઓ અલગ-અલગ સમયે બનાવવામાં આવી હતી. રેન્જ રોવર યુનિટ 8 જુલાઈ, 2021 થી 3 જૂન, 2026 વચ્ચે, ડિસ્કવરી યુનિટ 14 સપ્ટેમ્બર, 2020 થી 4 જૂન, 2026 વચ્ચે અને ડિફેન્ડર યુનિટ 16 ઓક્ટોબર, 2019 થી 28 મે, 2026 વચ્ચે તૈયાર કરવામાં આવ્યા હતા.
તપાસમાં થયો ખુલાસો
આ સેફ્ટી એક્શન એક ઇન્ટરનલ તપાસ બાદ લેવામાં આવ્યું છે, જે 29 ઓગસ્ટ, 2025 ના રોજ એરબેગ વોરનિંગ લેમ્પ ચાલુ થવા સંબંધિત વોરંટી દાવાઓમાં વધારો થયા બાદ શરૂ કરવામાં આવી હતી. કંપનીના એનાલિસિસમાં પરત આવેલા કેટલાક ક્લોકસ્પ્રિંગ કનેક્ટર પિન પર ઓક્સાઈડ જોવા મળ્યો હતો, જ્યારે ત્યારબાદની તપાસમાં અલગ-અલગ સ્તરનું ફ્રેટિંગ કોરોઝન જોવા મળ્યું હતું. માર્ચ 2026 ના અંત સુધીમાં, વાઇબ્રેશન રિગ ટેસ્ટિંગથી જાણવા મળ્યું કે ગાડીના સામાન્ય મૂવમેન્ટથી પણ કનેક્ટર પર કાટ લાગી શકે છે.
લુબ્રિકન્ટ જેલનો ઉપયોગ કરવામાં આવશે
JLR ને US માં એરબેગ ન ખૂલવા અંગે કોઈ દાવો કે ફિલ્ડ રિપોર્ટ મળ્યો નથી અને ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે કે US માં આ સમસ્યાના કારણે કોઈ અકસ્માત, ઈજા કે આગ લાગવાની ઘટના બની નથી. ડીલર્સ ડ્રાઈવર એરબેગ કનેક્ટર ટર્મિનલ પર કોઈપણ ફી લીધા વિના પ્રોટેક્ટિવ લુબ્રિકન્ટ જેલ લગાવશે. આમાં કોઈ પાર્ટ બદલવામાં આવશે નહીં અને ખામીને દૂર કરવા માટે પ્રોડક્શનમાં પણ આ જ લુબ્રિકન્ટ જેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય છે કે, આ રીકોલની ભારતમાં વેચાયેલી કારો પર કોઈ અસર થશે નહીં.

