VIDEO: Tech/ Metaની આ જાહેરાતે 300 કરોડ instagram યુઝર્સની પ્રાઇવસી જોખમમાં મૂકી દીધી છે!
સોશિયલ મીડિયા કંપનીઓ અવારનવાર નાના ટેકનિકલ ફેરફારો પાછળ મોટા વ્યૂહાત્મક નિર્ણયો છુપાવી દેતી હોય છે. Instagram દ્વારા ડાયરેક્ટ મેસેજ (DM) માંથી End to End Encryption (E2E) હટાવવાનો નિર્ણય પણ આવું જ એક પગલું છે. 8 મેથી કંપની તેને ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી લેશે.
પહેલી નજરે આ એક સામાન્ય પ્રોડક્ટ અપડેટ લાગે છે. કંપનીનું કહેવું છે કે આ ફીચરનો ઉપયોગ ખૂબ ઓછા લોકો કરી રહ્યા હતા, તેથી તેને હટાવવામાં આવી રહ્યું છે. પરંતુ જો આ નિર્ણયને ટેક ઇન્ડસ્ટ્રીના મોટા ચિત્રમાં જોવામાં આવે તો, આ માત્ર એક ફીચરનો અંત નથી પરંતુ ઇન્ટરનેટ પર પ્રાઇવસીની દિશા બદલવાનો સંકેત છે.
પ્રાઇવસીનો 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' છે એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન
એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન ઇન્ટરનેટ સિક્યુરિટી અને પ્રાઇવસીની સૌથી મજબૂત પદ્ધતિ માનવામાં આવે છે. ખાસ કરીને મેસેજિંગમાં તે સુરક્ષાનું સર્વોચ્ચ ધોરણ છે. તેનો સીધો અર્થ એ છે કે કોઈ પણ વાતચીતને માત્ર મોકલનાર અને મેળવનાર જ વાંચી શકે છે. પ્લેટફોર્મ, સર્વર કે કંપની પોતે પણ તે વાતચીત જોઈ શકતી નથી.
આ જ કારણ છે કે WhatsApp અને Signal જેવા મેસેજિંગ પ્લેટફોર્મ્સે તેને ડિફોલ્ટ રાખ્યું છે. આ ટેકનીકની સૌથી મોટી તાકાત એ છે કે તે ડિજિટલ વાતચીતને પણ એટલી જ ખાનગી બનાવે છે જેટલી કોઈ રૂમમાં બેસીને કરવામાં આવતી પ્રાઇવેટ વાતચીત હોય. એનક્રિપ્શનના કારણે કંપનીઓ પોતે ઈચ્છે તો પણ બે લોકો વચ્ચેની વાતચીત વાંચી શકતી નથી.
તાજેતરમાં જ 'સિગ્નલ ફાઉન્ડેશન'ના પ્રેસિડેન્ટે એ વાત પર ભાર મૂક્યો હતો કે એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન કોઈ લક્ઝરી નથી, પણ જરૂરિયાત છે. અંગત મેસેજ માટે તેની સાથે સમાધાન ન થવું જોઈએ.
પોતાની વાતથી જ પલટી ગયું ઇન્સ્ટાગ્રામ
ઇન્સ્ટાગ્રામે થોડા વર્ષો પહેલા જ્યારે એનક્રિપ્ટેડ ચેટની સુવિધા શરૂ કરી હતી, ત્યારે Metaએ તેને પ્રાઇવસીની દિશામાં મોટું પગલું ગણાવ્યું હતું. તે સમયે કંપનીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયાનું ભવિષ્ય પર્સનલ મેસેજિંગમાં છે અને લોકો પબ્લિક પોસ્ટ કરતા પ્રાઇવેટ વાતચીત વધુ પસંદ કરે છે.
પરંતુ હવે એ જ કંપની તે દિશામાંથી પાછી હટી રહી છે. સવાલ એ થાય છે કે આખરે એવું તો શું બદલાઈ ગયું કે પ્રાઇવસી વધારવાને બદલે હવે તેને ઘટાડવામાં આવી રહી છે? Metaનો તર્ક છે કે ઓછા યુઝર્સ આ ફીચર વાપરતા હતા, પરંતુ ટેક જગતમાં આ તર્ક નબળો ગણાય છે. કોઈ પણ સુરક્ષા ટેકનોલોજીનું મહત્વ તેના વપરાશકર્તાઓની સંખ્યાથી નહીં, પણ તેની અસરથી નક્કી થાય છે.
શું સીટ બેલ્ટ ઓછા લોકો વાપરે તો કાર કંપનીઓ સીટ બેલ્ટ જ હટાવી દે?
સીટ બેલ્ટનો ઉપયોગ દરેક વખતે નથી થતો, પરંતુ તેને કારમાંથી હટાવવાનો નિર્ણય કોઈ કંપની લઈ શકતી નથી. તેવી જ રીતે એનક્રિપ્શન પણ ડિજિટલ સુરક્ષાનું પાયાનું પડ છે. જો તેને હટાવવામાં આવે તો તેની અસર માત્ર થોડા યુઝર્સ પર નહીં, પણ આખા પ્લેટફોર્મની સિક્યુરિટી અને પ્રાઇવસી પર પડે છે.
AIની દોડમાં પ્રાઇવસી સાથે સમાધાન
આજે OpenAI, Google, Microsoft અને Meta જેવી કંપનીઓ એકબીજાથી આગળ નીકળવા માટે મોટા પાયે ડેટા એકઠો કરી રહી છે. કારણ કે જેટલો વધુ ડેટા, તેટલું સારું AI. અને જેટલું સારું AI, તેટલા વધુ પૈસા.
AI સિસ્ટમ જેટલો વધુ ડેટા વાંચે છે, તેટલા જ સારા જવાબ આપે છે. આ જ કારણે ટેક કંપનીઓ માટે ડેટા સૌથી કિંમતી સંસાધન બની ગયો છે. સોશિયલ મીડિયા કંપનીઓ પાસે દુનિયાનો સૌથી મોટો ડેટા છે, અબજો લોકોની વાતચીત, તેમની પસંદ, ભાવનાઓ, સંબંધો અને રોજિંદી ચર્ચાઓ.
આ ડેટા AIને ટ્રેન કરવા માટે ખૂબ મૂલ્યવાન છે, પરંતુ End to End Encryption આ પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ છે, કારણ કે એનક્રિપ્ટેડ મેસેજ પ્લેટફોર્મ પોતે પણ વાંચી શકતું નથી. જો એનક્રિપ્શન હટાવી દેવામાં આવે તો તે વાતચીત ડેટાનો ખજાનો બની જાય છે. પ્લેટફોર્મ તેને વાંચી શકે છે, પેટર્ન સમજી શકે છે અને AIને વધુ સ્માર્ટ બનાવવા માટે વાપરી શકે છે.
પ્લેટફોર્મ પાસે વધતી જતી સત્તા
Metaનો ઇતિહાસ પણ આ ચિંતાને વધારે છે. કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડે બતાવ્યું હતું કે સોશિયલ મીડિયા ડેટાનો ઉપયોગ કેવી રીતે રાજકીય પ્રભાવ અને ચૂંટણીઓને અસર કરવા માટે થઈ શકે છે. જ્યારે કોઈ કંપની તમારી વાતચીત વાંચી શકે છે, ત્યારે તેની પાસે માત્ર ડેટા જ નહીં, પણ તમારા વર્તનને સમજવાની અને તેને પ્રભાવિત કરવાની શક્તિ પણ આવી જાય છે.
સરકારો પણ લાંબા સમયથી એનક્રિપ્શન વિરુદ્ધ દબાણ કરી રહી છે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકી શકાય. પરંતુ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સ કહે છે કે સુરક્ષાની દીવાલ નબળી પડે તો તેનો ફાયદો માત્ર સરકાર જ નહીં, પણ હેકર્સ પણ ઉઠાવી શકે છે.

