VIDEO: Tech/ રોબોટ્સે તોડ્યો હાફ મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ, પ્રોફેશનલ એથલેટ્સને પણ છોડ્યા પાછળ!
રવિવારે બેઇજિંગના રસ્તાઓ પર યોજાયેલી હાફ મેરેથોનમાં ડઝનબંધ હ્યુમનૉઇડ રોબોટ્સે પ્રોફેશનલ એથ્લેટ્સને પાછળ છોડી દીધા હતા. આ રોબોટ્સે માત્ર રેસ પૂરી જ ન કરી, પરંતુ હાફ મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે રોબોટ્સનું પ્રદર્શન ઘણું બહેતર જોવા મળ્યું હતું. જ્યાં ગયા વર્ષે રોબોટ્સ લથડતા જોવા મળતા હતા, ત્યાં આ વર્ષે તેમણે માણસોને જ પાછળ છોડી દીધા. આ પ્રદર્શને એલન મસ્કની તે ભવિષ્યવાણી પર મહોર મારી દીધી છે કે AI અને રોબોટિક્સના ક્ષેત્રમાં ચીન જ ટેસ્લાને ટક્કર આપી શકે છે.
માત્ર 1 કલાકમાં રેસ પૂરી કરી
ગયા વર્ષની રેસમાં વિજેતા રોબોટે 2 કલાક 40 મિનિટમાં રેસ પૂરી કરી હતી. તેની સામે આ વર્ષે Honor બ્રાન્ડના રોબોટે માત્ર 50 મિનિટ 26 સેકન્ડમાં ફિનિશ લાઇન પાર કરી લીધી. આ સમય સાથે રોબોટે માણસોને પણ પડકાર આપ્યો છે. નોંધનીય છે કે, આ સમય યુગાન્ડાના જેકબ કિપ્લિમો દ્વારા બનાવવામાં આવેલા 57 મિનિટ 31 સેકન્ડના માનવીય વર્લ્ડ રેકોર્ડ કરતા પણ 7 મિનિટ ઓછો છે. આ રીતે જોતા, Honorના આ રોબોટે હાફ મેરેથોનના વર્લ્ડ રેકોર્ડને 7 મિનિટના તફાવતથી તોડી નાખ્યો છે. તેને રોબોટિક્સ ક્ષેત્રે ચીનના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવે છે, જે દર્શાવે છે કે હવે રોબોટ્સ માત્ર ધીમે ચાલનારા રમકડાં નથી રહ્યા, પરંતુ સુપરહ્યુમન ઝડપ ધરાવતા એથલેટ બની ગયા છે.
સેલ્ફ-નેવિગેશન રહી સૌથી મોટી ખાસિયત
આ વર્ષે રોબોટ્સમાં જે સૌથી મોટી વિશેષતા જોવા મળી તે હતી સેલ્ફ-નેવિગેશન. ગયા વર્ષની જેમ આ વખતે રોબોટ્સ રિમોટથી નહીં, પરંતુ પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ મગજ વડે 21 કિલોમીટરનો રસ્તો નક્કી કરી રહ્યા હતા. આ ઉપરાંત, દોડતી વખતે રોબોટ્સને ઠંડા રાખવા માટે લિક્વિડ કૂલિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેસનો હેતુ સ્પષ્ટપણે રોબોટ્સની મજબૂતી અને સુધારાને ચકાસવાનો હતો.
ચીનની તાકાતનો નમૂનો હતી આ રેસ
ગયા વર્ષે ટેસ્લાના CEO એલન મસ્કે પોતે સ્વીકાર્યું હતું કે હ્યુમનૉઇડ રોબોટ માર્કેટમાં માત્ર ચીન જ એવું છે જે તેમને ટક્કર આપી શકે છે. મસ્કનું માનવું હતું કે ચીન મેન્યુફેક્ચરિંગ અને AI મોડલ બનાવવામાં માહિર છે. આ રેસે તેમને ઘણી હદ સુધી સાચા સાબિત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચીનના સ્પ્રિંગ ફેસ્ટિવલ ગાલામાં પણ અનેક સ્ટાર્ટઅપ્સ જેવા કે Unitree, Galbot, Noetix અને MagicLab ના રોબોટ્સે માર્શલ આર્ટ્સ અને તલવારબાજીના કરતબ બતાવ્યા હતા. નિષ્ણાતો માને છે કે જે રોબોટ મેરેથોન જેવી રેસ જાતે પૂરી કરી શકે છે, તે ભવિષ્યમાં ફેક્ટરીઓ અને બાંધકામ ક્ષેત્રના કામો ખૂબ જ સારી રીતે કરી શકશે.

