ફોન ચમકાવવાના ચક્કરમાં સ્ક્રીન ન થઈ જાય ખરાબ! જાણો સ્માર્ટફોન સાફ કરવાની રીત

ઘર, ઓફિસથી લઈને ટ્રાવેલિંગ સુધી સ્માર્ટફોનનો આપણને દરેક જગ્યાએ ઉપયોગ થાય છે. સતત વપરાશના લીધે ફોનની બોડી અને સ્ક્રીન પર ધૂળ-માટી તથા આંગળીઓના નિશાન જામી જાય છે. ઘણા લોકો તેને સાફ કરવા માટે કોઈ પણ કેમિકલ કે ક્લીનરનો ઉપયોગ કરી લે છે, પરંતુ કેટલીક ખોટી રીતો ફોનની સ્ક્રીનને પૂરી રીતે ખરાબ કરી શકે છે. અહીં જાણો ફોનને સુરક્ષિત રાખવા અને સાફ કરવાની પાંચ સૌથી મહત્વપૂર્ણ રીત.
ફોન સાફ કરવાની પાંચ રીત
1. તેજ કેમિકલ્સ અને બ્લીચથી અંતર જાળવો
ફોનની સ્ક્રીન માત્ર કાચનો ટુકડો નથી હોતી, પરંતુ તેના પર ખાસ કોટિંગ જેમ કે ઓલેઓફોબિક કોટિંગ હોય છે, જે તેલ અને ફિંગરપ્રિન્ટ્સને જામતા રોકે છે. એમોનિયા, બ્લીચ કે તેજ કેમિકલવાળા ક્લીનર આ પ્રોટેક્ટિવ લેયરને ધીમે-ધીમે નષ્ટ કરી દે છે. આનાથી ફોન વધુ ઝડપથી ગંદો થવા લાગે છે અને સ્ક્રીન પર આંગળીઓના નિશાન વધુ દેખાવા લાગે છે.
2. ક્યારેય સીધો ફોન પર સ્પ્રે ન છાંટો
ઘણા લોકો ક્લીનિંગ લિક્વિડને સીધું સ્ક્રીન કે બોડી પર સ્પ્રે કરી દે છે, જે તદ્દન ખોટી રીત માનવામાં આવે છે. ભલે તમારો ફોન વોટર રેઝિસ્ટન્ટ હોય, છતાં જાણી જોઈને લિક્વિડ છાંટવું ખતરનાક બની શકે છે. આ લિક્વિડ ફોનની ધાર (કિનારીઓ), સ્પીકર, માઇક્રોફોન કે ચાર્જિંગ પોર્ટની અંદર જઈને તેને અંદરથી ખરાબ કરી શકે છે.
3. સૂકા માઇક્રોફાઇબર કપડાંનો ઉપયોગ કરો
યાદ રાખો કે મોબાઇલ સાફ કરવા માટે હંમેશાં એક સાફ અને મુલાયમ માઇક્રોફાઇબર કપડાંનો ઉપયોગ કરવો. ફોન સાફ કરતા પહેલાં તેને સ્વિચ ઓફ કરી દો. ત્યારબાદ સૂકા કપડાંથી સ્ક્રીન અને બોડીને હળવા હાથે લૂંછો.
4. જિદ્દી ડાઘ માટે સહેજ ભીનું કપડું
જો સ્ક્રીન પર કોઈ જિદ્દી ડાઘ કે તેલ જામી ગયું હોય, તો માઇક્રોફાઇબર કપડાંને ખૂબ સહેજ ભીનું કરી શકો છો. ધ્યાન રાખો કે કપડું માત્ર ભેજવાળું હોવું જોઈએ, એકદમ પલળેલું કે ટપકતું નહીં. લિક્વિડને હંમેશાં કપડાં પર લગાવો, સીધું ફોન પર નહીં.
5. પોર્ટ્સ અને સ્પીકરમાં અણીદાર વસ્તુઓ ન નાખો
ચાર્જિંગ પોર્ટ કે સ્પીકર ગ્રીલમાં ધૂળ જામી જાય ત્યારે ક્યારેય ટાંકણી, સોય કે કોઈ અણીદાર વસ્તુનો ઉપયોગ ન કરો. આનાથી અંદરના નાજુક ભાગો અને પિન તૂટી શકે છે.

