હવે જેમિની AI દ્વારા સેલ્ફ ડ્રાઈવિંગ કારને આપવામાં આવશે ટ્રેનિંગ, ચેલેન્જિંગ પરિસ્થિતિમાં પણ આપશે સારું પરિણામ

ગૂગલની સેલ્ફ ડ્રાઈવિંગ કાર વાયમોને હવે જેમિની AI દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. ગૂગલના ડીપ માઈન્ડ પ્રોજેક્ટ હેઠળ આ કાર ચાલે છે, પરંતુ બહુ જલદી એને મલ્ટી લેન્ગવેજ લાર્જ મોડલ (MLLM) એટલે કે જેમિની AI દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. વાયમો દ્વારા તેમના રિસર્ચ પેપરમાં આ વાત જણાવવામાં આવી છે. તેને એન્ડ-ટૂ-એન્ડ મલ્ટીમોડલ ફોર ઓટોનોમસ ડ્રાઈવિંગ (EMMA) નામ આપવામાં આવ્યું છે.
સેલ્ફ ડ્રાઈવિંગ માટે નવું ટ્રેનિંગ મોડલ
જેમિની AI સેલ્ફ-ડ્રાઈવિંગ કારને સંપૂર્ણપણે ટ્રેનિંગ આપશે. કારના સેન્સર ડેટાને મેળવી એના પરથી કયા રસ્તે જવું અને કેવી રીતે જવું એ જણાવવામાં આવશે. આ એડ્વાન્સ મોડલના કારણે વાયમોની સેલ્ફ-ડ્રાઈવિંગ કારને નિર્ણય લેવાની શક્તિમાં મદદ મળશે, જેમ કે કયો રસ્તો પસંદ કરવો અને રસ્તામાં કોઈ અડચણ આવી તો એને કેવી રીતે અવોઈડ કરવી. અત્યાર સુધી જેમિની AIનો ઉપયોગ એપ્લિકેશનમાં કરવામાં આવતો હતો, જેમ કે ચેટબોટ, ઈમેલ અને ઈમેજ જનરેટ કરવા માટે. જોકે વાયમોની કારમાં પણ જેમિની AIનો ઉપયોગ કરવો એ એકદમ અલગ જ ચેલેન્જ છે.
સિસ્ટમ ટ્રેનિંગ
ટ્રેડિશનલ ઓટોમેટ્રિક ડ્રાઈવિંગ સિસ્ટમમાં જે-તે ટાસ્ક માટે અલગ-અલગ મોડ્યુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, પર્સેપ્શન, મેપિંગ, પ્રીડિક્શન અને પ્લાનિંગ માટે મોડ્યુલ હોય છે. જો કે, દરેક મોડ્યુલ એકમેક સાથે કોમ્યુનિકેટ કરી શકે એમાં તકલીફ પડે છે અને એના કારણે ઘણી વાર એરર જોવા મળે છે. જેમિની AI આ તમામ સમસ્યાનું સમાધાન છે. તે મનુષ્યની જેમ વિચારી શકે છે, જેથી કારને ટ્રેનિંગ આપશે અને દરેક સમસ્યાનું નિવારણ કરશે.
ટ્રેનિંગમાં સફળતા
વાયમો એ દાવો કરે છે કે જેમિની AI ખૂબ જ ચેલેન્જિંગ પરિસ્થિતિમાં પણ સારી રીતે પરિણામ આપે છે. ઉદાહરણ તરીકે, રસ્તામાં કોઈ પ્રાણી આવી ગયું કે રોડનું કામ ચાલતું હોય તો એ પરિસ્થિતિમાં કેવી રીતે દૂર રહેવું અને તેને કેવી રીતે ટાળવું તે માટે ચોક્કસ નિર્ણય લઈ શકે છે. કંપનીનું માનવું છે કે ભવિષ્યમાં આ કાર વધુને વધુ સારું પરિણામ આપશે અને તે માટે જ એમાં જેમિની AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે આ માટે હજી થોડી વધુ રિસર્ચ કરવાની જરૂર પડશે અને ત્યારબાદ જ જેમિની AIને સંપૂર્ણ કન્ટ્રોલ આપવામાં આવશે.
જેમિની AIની મર્યાદા
જેમિની AI ખૂબ જ સારું પરિણામ આપે છે, તેમ છતાં તેની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમિની AI હાલમાં 3D સેન્સર જેવા કે LiDAR અથવા તો રડાર પાસેથી ઈનપુટ લઈ શકતી નથી. આ સાથે જ જેમિની AI હાલમાં એક ચોક્કસ આંકડામાં ઈમેજની ફ્રેમને એક સમયે વાંચી શકે છે. આથી, આ એક મોટી ખામી છે જેના પર કામ કરવામાં આવી રહ્યું છે. તેમ જ, જેમિની AI ઘણા સામાન્ય ટાસ્કમાં ઘણી વાર ભૂલ કરે છે. ઉદાહરણ તરીકે, આંકડાઓ વાંચવા અથવા તો રસ્તા પર કેટલી અડચણો છે એના આંકડાઓ ગણવામાં. આથી, ટ્રેનિંગ માટે તે યોગ્ય છે, પરંતુ કારને ગુણવત્તાપૂર્વક કંટ્રોલ કરવા માટે ઘણા બદલાવ કરવા પડશે.

