ટેક કંપનીઓમાં છટણીનો નવો દોર: કમાણી રેકોર્ડબ્રેક, તો પછી કર્મચારીઓ કેમ બેરોજગાર?

દુનિયાની મોટી ટેક કંપનીઓ એક તરફ રેકોર્ડ કમાણી કરી રહી છે, તો બીજી તરફ હજારો કર્મચારીઓને નોકરી છોડવા માટે કહી રહી છે. માઈક્રોસોફ્ટ તેનું તાજું ઉદાહરણ છે. કંપની તેના લગભગ 60 હજાર કર્મચારીઓને 'વૉલન્ટરી એગ્ઝિટ' (સ્વૈચ્છિક રાજીનામાની) ઓફર આપી રહી છે. એટલે કે કર્મચારીઓ પોતાની મરજીથી કંપની છોડી શકે છે અને તેના બદલામાં તેમને નક્કી કરેલી શરતો મુજબ લાભ મળી શકે છે. ભલે આ સંપૂર્ણપણે છટણી (Layoff) નથી, પરંતુ આનાથી સ્પષ્ટ થાય છે કે કંપની તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માંગે છે. માઈક્રોસોફ્ટમાં દુનિયાભરમાં લગભગ 2.23 લાખ ફુલ-ટાઈમ કર્મચારીઓ છે. કંપનીને આશા છે કે આ ઓફરને આશરે 3 હજાર કે તેથી ઓછા કર્મચારીઓ જ સ્વીકારશે.
આશ્ચર્યની વાત એ છે કે માઈક્રોસોફ્ટે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે કંપનીની કમાણી સતત વધી રહી છે. તાજેતરમાં જ કંપનીએ 92.3 અબજ ડૉલરનું રેકોર્ડ રેવેન્યુ (આવક) નોંધાવ્યું છે. આ સ્થિતિમાં એ સવાલ થાય છે કે જ્યારે વેપાર સારો ચાલી રહ્યો છે અને કંપની નફો કમાઈ રહી છે, તો પછી કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની જરૂર કેમ પડી રહી છે?
અન્ય કંપનીઓમાં પણ બદલાયો ટ્રેન્ડ
હકીકતમાં, માઈક્રોસોફ્ટ એકલી કંપની નથી. અન્ય મોટી ટેક કંપનીઓ પણ આવા જ નિર્ણયો લઈ રહી છે. ઓરેકલ (Oracle) એ છેલ્લા ક્વાર્ટરમાં 19.3 અબજ ડૉલરનું રેવેન્યુ નોંધાવ્યું, જે પાછળના વર્ષની સરખામણીમાં 30 ટકા વધારે છે. છતાં કંપનીએ 30 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી. જ્યારે એમેઝોન (Amazon) નું રેવેન્યુ 12 ટકા વધીને 201.9 અબજ ડૉલર પર પહોંચી ગયું, પરંતુ આ વર્ષે કંપનીના 16 હજારથી વધુ કર્મચારીઓની નોકરી જતી રહી.
AI બદલી રહ્યું છે કામ કરવાની રીત
આ નિર્ણયો પાછળ AI (કૃત્રિમ બુદ્ધિમત્તા) ને એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ઓરેકલ જેવી કંપનીઓ AI પર અબજો ડૉલર ખર્ચ કરી રહી છે. તેઓ તેમના વ્યવસાયમાં AIનો ઉપયોગ વધારી રહી છે, જેથી ઓછા કર્મચારીઓની મદદથી વધુ કામ થઈ શકે. રિપોર્ટ અનુસાર, એક એક્સપર્ટ દાવો કર્યો કે, કંપનીઓમાં છટણીનો અર્થ હંમેશાં એ નથી હોતો કે તેમનો જૂનો વેપાર ખરાબ ચાલી રહ્યો છે. ઘણીવાર કંપનીઓ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાની કામ કરવાની રીત બદલે છે. રિપોર્ટમાં અન્ય એક એક્સપર્ટનું કહેવું છે કે ટેક કંપનીઓ હવે ઝડપથી કર્મચારીઓની સંખ્યા વધારવાને બદલે ખર્ચ ઘટાડવા અને કામની ક્ષમતા સુધારવા પર ધ્યાન આપી રહી છે.
AIના યુગમાં યુવાનોએ શું કરવું જોઈએ?
AIના વધતા ઉપયોગથી આવનારા સમયમાં નોકરીનું બજાર વધુ બદલાઈ શકે છે. એક્સપર્ટ્સ માને છે કે માનવીઓની જરૂરિયાત સંપૂર્ણપણે સમાપ્ત નહીં થાય. રચનાત્મક વિચારસરણી (ક્રિએટિવ થિંકિંગ), સાચા નિર્ણયો લેવાની ક્ષમતા, ગ્રાહકોની જરૂરિયાત સમજવી અને જવાબદારી જેવા કામોમાં માનવીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. હવે યુવાનોએ માત્ર પુસ્તકો સુધી સીમિત ન રહેવું જોઈએ. તેમણે પ્રોગ્રામિંગ, ડેટાબેઝ અને સોફ્ટવેર ડેવલપમેન્ટની મજબૂત સમજ વિકસાવવી જોઈએ. વિદ્યાર્થીઓ Claude અને Codex જેવા AI ટૂલ્સની મદદથી કોડિંગ શીખી શકે છે. આ ટૂલ્સ કોડની ભૂલો સમજાવવામાં, તેને વધુ સારો બનાવવામાં અને પ્રોજેક્ટ તૈયાર કરવામાં મદદ કરી શકે છે.






