Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Meta's suicide alert saved the life of a young man

Metaના સ્યુસાઇડ એલર્ટે બચાવ્યો યુવાનનો જીવ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોતાં જ એક્ટિવ થઈ પોલીસ

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Metaના સ્યુસાઇડ એલર્ટે બચાવ્યો યુવાનનો જીવ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોતાં જ એક્ટિવ થઈ પોલીસ
સોર્સ : GSTV

આ મહિનાની શરૂઆતમાં, જૂન ૭ તારીખે ઉત્તરપ્રદેશના મેરઠમાં રહેતા એક ૨૫ વર્ષના યુવાને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં એ યુવાન કોઈ સફેદ પ્રવાહી પીતો હોય તેવું દેખાતું હતું. સાથે મેસેજ હતો, અબ તુમ ખુશ રહેના અપની લાઇફ મેં...

App Store

ઇન્સ્ટાગ્રામ પર આ મેસેજ પોસ્ટ થતાં તરત મેટાની સિસ્ટમ એક્ટિવેટ થઈ. તેના તરફથી ઉત્તરપ્રદેશના પોલીસ હેડક્વાર્ટરમાં કાર્યરત એક ખાસ સોશિયલ મીડિયા સેન્ટરમાં એક સ્યુસાઇડ એલર્ટ મોકલવામાં આવ્યો. આ સેન્ટરે તાબડતોબ મેરઠ પોલીસને મેસેજ મોકલ્યો. સાથે ઇન્સ્ટાગ્રામ પરથી ઉપલબ્ધ મોબાઇલ નંબર અને લોકેશનની વિગતો પણ મોકલવામાં આવી.

મેરઠના પોલીસ સ્ટેશનથી એક પોલીસ ટીમ તરત રવાના થઈ. એ પેલા યુવાનના ઘરે પહોચી ત્યારે તેણે પેલું પ્રવાહી ગટગટાવી લીધું હતું અને તેની સ્થિતિ નાજુક હતી. યુવકની બાજુમાં પેલા પ્રવાહીની બોટલ પણ મળી આવી. પોલીસે પરિવારના અન્ય સભ્યોની મદદથી યુવાનને હોસ્પિટલે પહોંચાડ્યો. ત્વરિત સારવાર મળતાં તેનો જીવ બચી ગયો.

પાછળથી પોલીસની તપાસમાં એ યુવાને કબૂલ્યું કે એક યુવતી સાથેના સંબંધોનો અંત આવતાં હતાશામાં ડૂબીને તેણે આ છેવટનું પગલું ભર્યું હતું. એ યુવાન એટલો નસીબદાર કે તેણે પોતાની આત્મહત્યા વિશે ઇન્સ્ટાગ્રામ પર આખી દુનિયાને જાણ કરવાનો વિચાર કર્યો!

મેટા કંપની વર્ષ ૨૦૨૨થી ભારતમાં વિવિધ રાજ્યોની પોલીસ સાથે આ પ્રકારે સહયોગ કરી રહી છે અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર આ રીતે આત્મહત્યાની શક્યતા દર્શાવતું કન્ટેન્ટ જોવા મળે તો તરત પોલીસને એલર્ટ મોકલવામાં આવે છે. મેટા સમગ્ર વિશ્વમાં તેના સેફ્ટી સેન્ટર મારફત આ પ્રકારે આત્મહત્યા રોકવાના પ્રયાસો કરે છે.

પોલીસના આંકડા અનુસાર 1 જાન્યુઆરી 2023થી 31 મે 2026 સુધીમાં ઉત્તરપ્રદેશ પોલીસે આવા એલર્ટસ પર ત્વરિત પગલાં લઇને 3011 લોકોના જીવ બચાવ્યા છે!