Auto/ જો બાળકો સાથે મુસાફરી કરતાં હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો! જે તેમની સુરક્ષા માટે છે ખુબ જરૂરી

ભારતમાં રસ્તાઓની સ્થિતિ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સુધરી રહી છે, જેના કારણે લોકો હવે પોતાની કારમાં પરિવાર અને બાળકો સાથે લાંબી મુસાફરી પર જવાનું પસંદ કરવા લાગ્યા છે. ઘણીવાર આવી મુસાફરી દરમિયાન જો બેદરકારી રાખવામાં આવે તો બાળકોને ઈજા થવાનું જોખમ વધી જાય છે. બાળકો સાથે કારમાં સફર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તે અંગેની માહિતી અમે અહીં આપી રહ્યા છીએ.
ચાઈલ્ડ લોકનો ઉપયોગ કરો
જો તમે બાળકો સાથે સુરક્ષિત મુસાફરી કરવા માંગતા હોવ, તો ચાઈલ્ડ લોક (Child Lock)નો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ઘણીવાર બાળકો ચાલતી કારમાં અચાનક દરવાજો ખોલી નાખતા હોય છે, જે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ જોખમથી બચવા માટે વાહન ઉત્પાદકો દ્વારા તમામ કારમાં ચાઈલ્ડ લોક જેવું સેફ્ટી ફીચર આપવામાં આવે છે. જ્યારે પણ બાળકો સાથે સફર કરો, ત્યારે હંમેશા ચાઈલ્ડ લોક ચાલુ રાખો. તેનાથી બાળકો અંદરથી દરવાજો ખોલી શકશે નહીં અને તેમની સુરક્ષા જળવાઈ રહેશે.
સીટ બેલ્ટનું ધ્યાન રાખો
બાળકોની સાથે મોટાઓએ પણ કારમાં બેસતાની સાથે જ સીટ બેલ્ટ લગાવવો જોઈએ. આમ કરવાથી માત્ર અકસ્માત સમયે જ સુરક્ષા નથી મળતી, પરંતુ સીટ બેલ્ટ ન લગાવવા બદલ પોલીસની કાર્યવાહીથી પણ બચી શકાય છે. જો તમારા બાળકો થોડા મોટા થઈ ગયા હોય અને સીટ પર વ્યવસ્થિત બેસી શકતા હોય, તો તેમને અચૂક સીટ બેલ્ટ પહેરાવો.
ખાસ સીટ (Child Car Seat)નો ઉપયોગ કરો
જો તમારી કારમાં નવજાત શિશુ કે નાની ઉંમરના બાળકો મુસાફરી કરતા હોય, તો તેમને સામાન્ય સીટ પર બેસાડવા જોઈએ નહીં. તેની જગ્યાએ બજારમાં ચાર થી છ વર્ષ સુધીના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી ચાઈલ્ડ સીટ ખરીદી શકાય છે. આ પ્રકારની સીટનો ઉપયોગ કરવાથી મુસાફરી દરમિયાન બાળકોને વધુ સુરક્ષા અને આરામ મળે છે.

