VIDEO: કારમાં આ વસ્તુઓ અંદર છોડી તો હોસ્પિટલ જવાનો આવશે વારો
આજના સમયમાં કાર ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું સાધન નથી રહી, પરંતુ તે આપણી રોજિંદા જીવનનો હિસ્સો બની ચૂકી છે. આ જ કારણે ઘણા લોકો ઉતાવળમાં પોતાનો સામાન કારની અંદર જ છોડી દેતા હોય છે. પરંતુ આ ટેવ કેટલીકવાર મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને ગરમીમાં તડકા નીચે ઊભેલી કારની અંદરનું તાપમાન ખૂબ વધી જાય છે, જેનાથી કેટલીક વસ્તુઓ ખરાબ થઈ શકે છે અને સુરક્ષા સાથે જોડાયેલું જોખમ પણ વધી શકે છે. ચોમાસાની ઋતુમાં પણ કારની અંદર કેટલીક વસ્તુઓને લાંબા સમય સુધી છોડવી યોગ્ય માનવામાં આવતી નથી. અહીં જાણો તે કઈ વસ્તુઓ છે, જેને કારમાંથી બહાર કાઢી લેવી વધારે યોગ્ય છે.
કારમાં દવાઓ છોડવી પડી શકે છે ભારે
જો તમે નિયમિત રૂપે કોઈ દવા લેતા હોવ, તો તેને કારમાં છોડવાથી બચો. તીવ્ર તડકામાં ઊભેલી કાર થોડી જ વારમાં ખૂબ ગરમ થઈ શકે છે. વધારે તાપમાનના કારણે કેટલીક દવાઓની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે અને તેની અસર પણ ઓછી થઈ શકે છે. એવામાં જરૂરિયાતના સમયે દવા લેવા છતાં તમને ધાર્યું પરિણામ નથી મળી શકતું. તેથી દવાઓને હંમેશાં સૂચવેલી પરિસ્થિતિઓમાં રાખો અને કારમાંથી બહાર નીકળતી વખતે તેને સાથે લેવાનું ન ભૂલો.
લેપટોપ અને મોબાઈલને ગરમ કારમાં ન છોડો
મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ, પેન ડ્રાઈવ કે બીજા ઈલેક્ટ્રોનિક ગજેટ્સને કારમાં છોડવા પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વધારે ગરમીથી આ વસ્તુઓની બેટરી અને અંદરના ભાગો પર માઠી અસર પડી શકે છે. લાંબા સમય સુધી ગરમીમાં રહેવાથી ડિવાઈસ ખરાબ પણ થઈ શકે છે. આ સિવાય મોંઘા ગેજેટ્સ કારમાં દેખાવાથી ચોરીનું જોખમ પણ વધી જાય છે. ચોર કારનો કાચ તોડીને મિનિટોમાં તમારો સામાન ચોરી શકે છે, જેનાથી જરૂરી ડેટા પણ હાથમાંથી જઈ શકે છે.
સનસ્ક્રીનને પણ કારમાં મૂકી રાખવાથી બચો
તડકાથી બચવા માટે વપરાતી સનસ્ક્રીનને પણ લાંબા સમય સુધી ગરમ કારમાં રાખવી યોગ્ય નથી. વધારે તાપમાનના કારણે તેમાં રહેલા જરૂરી તત્વો પ્રભાવિત થઈ શકે છે અને તેની અસરકારકતા ઘટી જાય છે. એટલું જ નહીં, અતિશય ગરમીમાં તેનું પેકિંગ પણ લીક થઈ શકે છે કે ફાટી શકે છે, જેનાથી કારની સીટ અને ઈન્ટિરિયર બગડી શકે છે.
પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું પાણી ન પીવો
કારમાં પાણીની બોટલ રાખવી સામાન્ય વાત છે. પરંતુ જો પ્લાસ્ટિકની બોટલ કલાકો સુધી તીવ્ર ગરમીમાં પડી રહે, તો તેનું પાણી પીવાથી બચવું જોઈએ. ગરમીની અસરથી પ્લાસ્ટિકમાંથી હાનિકારક પદાર્થો પાણીમાં ભળી શકે છે. તેથી કારમાં સ્ટીલની બોટલનો ઉપયોગ કરવો વધુ સારો વિકલ્પ છે.
પર્સ અને મોબાઈલ સીટ પર છોડવા ખતરનાક
કાર પાર્ક કરીને સીટ પર પર્સ, હેન્ડબેગ કે મોબાઈલ છોડી દેવો ચોરીને નિમંત્રણ આપવા સમાન છે. બહારથી દેખાતી નાની બેગ પણ ચોરોનું ધ્યાન ખેંચવા માટે કાફી છે. તે કાચ તોડીને સામાન લઈ ભાગી શકે છે. જો સામાન કારમાં રાખવો જરૂરી જ હોય, તો તેને ખુલ્લી સીટ પર રાખવાને બદલે ડિગ્ગીમાં સંતાડીને રાખો.

