રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં થયો ફેરફાર, હવે ઓનલાઈન પોર્ટલ પર નહીં વેચી શકાય વોકી-ટોકી
સરકારે રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ બદલાવને કારણે હવે એમેઝોન, ફ્લિપકાર્ટ અને મી

સરકારે રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ બદલાવને કારણે હવે એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવા કોઈપણ ઓનલાઈન પોર્ટલ પર વોકી-ટોકી નહીં વેચી શકાય. જેના કારણે યુઝર્સને વોકી-ટોકી ખરીદવામાં મુશ્કેલીઓ થશે. સામાન્ય રીતે, વોકી-ટોકીનો ઉપયોગ નાના-મોટા બિઝનેસ, ઈવેન્ટ મેનેજમેન્ટ વગેરે માટે થાય છે. જોકે, હવે આ ડિવાઈસ રેડિયો કોમ્યુનિકેશનને સંલગ્ન હોવાને કારણે સરળતાથી ઉપલબ્ધ નહીં રહે.
નિયમમાં ફેરફાર કેમ થયો?
રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના અનુસાર હવે આવા ઉપકરણો ખુલ્લા બજારમાં નહીં વેચી શકાય. આ ડિવાઈસના ઉપયોગ માટે હવે લાઈસન્સ અને પરવાનગી લેવી પડશે. દેશની સુરક્ષા અને સંવેદનશીલ રેડિયો ફ્રીકવન્સીના અનધિકૃત ઉપયોગને અટકાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપકરણો ગેરવાપર થવાના જોખમને ધ્યાનમાં રાખીને સરકારે કડક નિયમો લાગુ કર્યા છે, જેથી તેમાં સરકાર અને ઈમરજન્સી સર્વિસોની કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે અવ્યાખ્યાયિત દખલગિરી રોકી શકાય.
નિયમોનું ઉલ્લંઘન
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે મળીને આ નિયમો ઘડ્યા છે. તેમણે કેટલીક ચોક્કસ ગાઇડલાઇન્સ બનાવી છે, કારણ કે ઓનલાઈન વેચાણ દરમિયાન કેટલાક નિયમોનું ઉલ્લંઘન થતું હતું. ટેલિગ્રાફ એક્ટ, 1885; વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ, 1933 અને એક્સેમ્પશન રુલ નોટિફિકેશન, 2018ના નિયમોનું ઉલ્લંઘન થતા આ નવા નિયમો લાગુ કરાયા. ઘણી વખત, વોકી-ટોકીના વેચાણ દરમિયાન ફ્રીકવન્સી રેન્જનો ઉલ્લેખ નથી કરાતો, તેમજ ઓપરેટિંગ લાઈસન્સ પણ ન હોવાને કારણે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે તેઓ આ ઉપકરણ મુક્તપણે ઉપયોગમાં લઈ શકે.
નિયમોના અમલ અંગે કંપનીઓની અવગણના
ટોક પ્રો અને મેકમેન ટોય્ઝ જેવા કેટલાક પ્લેટફોર્મો હજી પણ આ નિયમોના અમલને અવગણી રહ્યા છે, અને તેમના પ્લેટફોર્મ પરથી વોકી-ટોકી વેચાણ ચાલુ રાખ્યું છે. જેના કારણે તેઓ સીધું સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઈન્ડિયા માર્ટ પણ તેના પ્લેટફોર્મ પર આ પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ રાખી રહ્યો છે.
શું છે ગાઇડલાઇન્સ?
ઓથોરાઈઝ ડિવાઈઝ: માત્ર તે જ વોકી-ટોકી વેચી શકાશે જે તમામ નિયમોનું પાલન કરે અને ચોક્કસ ફ્રીક્વન્સીમાં કાર્ય કરે.
મેન્ડેટરી ડિસ્ક્લોઝર: દરેક કંપનીએ ઓનલાઈન વેચાણ માટે ફ્રીક્વન્સી રેન્જ તેમજ તમામ ટેક્નિકલ માહિતી અને રેગ્યુલેટરી મંજૂરી સ્પષ્ટ રીતે જણાવવી ફરજિયાત છે.
પ્લેટફોર્મની જવાબદારી: ઈ-કોમર્સ પ્લેટફોર્મે તેમના દરેક સેલર સરકારના નિયમોનું પાલન કરે છે કે નહીં, તેની દેખરેખ રાખવી. જે સેલર નિયમોના પાલનમાં નિષ્ફળ જાય, તેને વેચાણ પર રોક લગાવવી.
ખોટી માહિતી: આ ડિવાઈઝ વિશે કોઈપણ માહિતી ભ્રામક અથવા ગેરકાયદેસર ઉપયોગને કાયદેસર દર્શાવનારી ન હોવી જોઈએ.
ચોક્કસતા: વોકી-ટોકી સાથે સંકળાયેલી દરેક માહિતી સાચી હોવી જોઈએ, ખાસ કરીને કઈ ફ્રીક્વન્સી પર કાર્ય કરે છે અને કઈ પર નહીં, તેની સ્પષ્ટતા ફરજિયાત છે.
દંડ: જો કોઈ નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 હેઠળ દંડ ફટકારવામાં આવશે.
ઓટોમેટિક મોનિટરીંગ સિસ્ટમ
આ નિયમનો હેતુ ગ્રાહકોને સાચી માહિતી આપવાનો અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. સરકાર ઓટોમેટિક મોનિટરીંગ સિસ્ટમ વિકસી રહી છે, જે સેલરના વેરિફિકેશન સાથે જોડાયેલ હશે. અત્યાર સુધી 13 નોટિસ જાહેર કરી અને 16970 પ્રોડક્ટને સામેલ કરવામાં આવી છે.








