Tech News / Gemini Omni: હવે માત્ર અવાજથી વીડિયો એડિટ થશે, સામાન્ય યુઝર્સ પણ બનાવી શકશે HD ક્વોલિટી કન્ટેન્ટ; જાણો ખાસિયતો

ગૂગલ આઈ/ઓ (Google I/O) 2026 માં આ વખતે AI ટેક્નોલોજીએ સૌથી વધુ હેડલાઇન્સ મેળવી છે. કંપનીએ નવું જેમિની ઓમ્ની (Gemini Omni) AI મોડલ રજૂ કર્યું છે, જે માત્ર અવાજ (વોઇસ કમાન્ડ) દ્વારા વીડિયો એડિટિંગ કરવા સક્ષમ હશે. હવે યુઝર્સે કોઈ જટિલ સોફ્ટવેર શીખ્યા વગર માત્ર બોલીને વીડિયોના કેરેક્ટર (પાત્રો), બેકગ્રાઉન્ડ અને અન્ય એલિમેન્ટ્સ બદલી શકશે. ગૂગલનો દાવો છે કે આ ટેક્નોલોજી કન્ટેન્ટ ક્રિએશનની દુનિયાને સંપૂર્ણપણે બદલી શકે છે. કંપની આગામી સમયમાં એવા AI સિસ્ટમ તૈયાર કરવા માંગે છે જે કોઈપણ ઇનપુટથી કોઈપણ પ્રકારનું આઉટપુટ બનાવી શકે.
અવાજથી થશે વીડિયો એડિટિંગ
ગૂગલે પોતાના નવા જેમિની ઓમ્ની મોડલ દ્વારા વીડિયો એડિટિંગને અત્યંત સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, યુઝર હવે માત્ર બોલીને વીડિયોમાં ફેરફાર કરી શકશે. આનો અર્થ એ છે કે કોઈ પાત્રનો લુક બદલવો હોય, બેકગ્રાઉન્ડ હટાવવું હોય કે વીડિયોમાં નવા એલિમેન્ટ્સ ઉમેરવા હોય, આ બધું જ વોઇસ કમાન્ડથી થઈ શકશે. ગૂગલ ડીપમાઇન્ડના સીઇઓ ડેમિસ હસાબિસે જણાવ્યું કે આ મોડલ વાતચીતને સમજીને તે મુજબ એડિટિંગ કરશે. આનાથી વીડિયો એડિટિંગ માત્ર પ્રોફેશનલ્સ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સામાન્ય યુઝર્સ પણ સરળતાથી હાઈ-ક્વોલિટી કન્ટેન્ટ બનાવી શકશે.
જેમિની ઓમ્નીની ખાસિયતો
જેમિની ઓમ્નીને ગૂગલની એડવાન્સ વર્લ્ડ મોડલ ટેક્નોલોજી પર તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ સિસ્ટમ માત્ર કમાન્ડ નથી સમજતી, પરંતુ સમગ્ર સીન અને સંદર્ભને પણ સમજવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે આ AI મોડલ વધુ નેચરલ અને માણસો જેવી પ્રતિક્રિયા આપી શકશે. ગૂગલના જણાવ્યા મુજબ, તેનો લાંબાગાળાનો લક્ષ્યાંક એવું AI બનાવવાનો છે જે કોઈપણ પ્રકારના ઇનપુટથી કોઈપણ પ્રકારનું આઉટપુટ તૈયાર કરી શકે. એટલે કે ટેક્સ્ટ, અવાજ, ફોટો કે વીડિયો દ્વારા કન્ટેન્ટ તૈયાર કરવું ભવિષ્યમાં અત્યંત સરળ બની જશે. કંપની તેને AI કન્ટેન્ટ ક્રિએશનની દિશામાં એક મોટું પગલું માની રહી છે.
ગૂગલે જાહેરાત કરી છે કે જેમિની ઓમ્નીનું પ્રથમ વર્ઝન 'જેમિની ઓમ્ની ફ્લેશ' આ વર્ષે ઉનાળામાં લોન્ચ કરવામાં આવશે. કંપની તેને વધુ ઝડપી અને સ્માર્ટ AI મોડલ તરીકે રજૂ કરી રહી છે. માનવામાં આવે છે કે આ ફીચર યુટ્યુબર્સ, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને વીડિયો એડિટર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગૂગલ આઈ/ઓ 2026 દરમિયાન કંપનીએ એવા સંકેતો પણ આપ્યા છે કે આગામી સમયમાં જેમિની AI ને ગૂગલના અલગ-અલગ પ્લેટફોર્મ્સ અને એપ્સમાં ઝડપથી જોડવામાં આવશે. આનાથી યુઝર્સને કન્ટેન્ટ બનાવવા, એડિટ કરવા અને મેનેજ કરવાનો અનુભવ પહેલા કરતાં વધુ સરળ અને ઇન્ટરેક્ટિવ બનશે.
'ડોક્સ લાઈવ'થી બદલાઈ જશે ડોક્યુમેન્ટ બનાવવાની રીત
જેમિની ઓમ્ની સાથે ગૂગલે નવું AI ફીચર 'ડોક્સ લાઈવ' (Docs Live) પણ રજૂ કર્યું છે. આની મદદથી હવે લાંબા પ્રોમ્પ્ટ ટાઈપ કરવાની જરૂર નહીં પડે. યુઝર માત્ર પોતાના અવાજમાં આઈડિયા બોલશે અને જેમિની AI તેને સમજીને પ્રોફેશનલ ડોક્યુમેન્ટમાં બદલી દેશે. કંપનીએ ડેમોમાં બતાવ્યું કે પ્રોડક્ટ એન્જિનિયર્સે આ ફીચરની મદદથી પ્રેઝન્ટેશન માટેના ટોકિંગ પોઈન્ટ્સ તૈયાર કર્યા. એટલું જ નહીં, ડોક્સ લાઈવ યુઝરના રિઝ્યુમ (Resume) માંથી માહિતી લઈને સ્પીચ માટે મજેદાર ઉદાહરણો પણ બનાવી શકે છે. તે ઈમેલ્સમાંથી જરૂરી માહિતી કાઢીને સીધી ડોક્યુમેન્ટમાં નાખવાનું કામ પણ કરશે. ગૂગલનું કહેવું છે કે આ ફીચર અલગ-અલગ પ્લેટફોર્મ પર કામ કરશે.

