VIDEO: ગૂગલ પ્લે સ્ટોર પર વધ્યો ફેક એપ્સનો ત્રાસ: ડાઉનલોડ કરતા પહેલા આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
આજના સમયમાં મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા બેંકિંગ, શોપિંગ અને અન્ય ઘણા કામો ખૂબ જ સરળ બની ગયા છે. દર વર્ષે કરોડો એપ્સ ડાઉનલોડ થાય છે, પરંતુ જો ભૂલથી કોઈ ફેક (નકલી) એપ ડાઉનલોડ થઈ જાય, તો તમારો પર્સનલ ડેટા ખતરામાં પડી શકે છે, ફોન ખરાબ થઈ શકે છે અથવા આર્થિક નુકસાન પણ થઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ફેક એપ્સની કમી નથી, જોકે ગૂગલ તેને સમયાંતરે હટાવતું રહે છે. પણ સાચી અને ઓરિજિનલ એપ ઓળખવી ખૂબ જ જરૂરી છે. અહીં કેટલીક સોફ્ટ અને સરળ રીતો આપી છે જેનાથી તમે સાચી એપ ઓળખી શકો છો.
1. ડાઉનલોડ, રિવ્યૂ અને રિલીઝ ડેટ તપાસો
ડાઉનલોડ્સ: ઓરિજિનલ એપ્સના ડાઉનલોડ લાખો કે કરોડોમાં હોય છે, જ્યારે ફેક એપ્સના ડાઉનલોડ સામાન્ય રીતે ઘણા ઓછા હોય છે.
રિવ્યૂઝ: યુઝર્સના રિવ્યૂઝ વાંચો. જો ફેક એપ હશે તો લોકોએ નેગેટિવ રિવ્યૂઝ અને ચેતવણીઓ આપેલી હશે.
રિલીઝ ડેટ: અસલી એપ્સ પ્લે સ્ટોર પર લાંબા સમયથી હોય છે, જ્યારે નકલી એપ્સ મોટાભાગે તાજેતરમાં જ લોન્ચ થયેલી જોવા મળે છે.
2. એપ દ્વારા મંગાતી પરમિશન ચેક કરો
અસલી એપ્સ માત્ર કામ પૂરતી જ પરમિશન માંગે છે.
જો કોઈ ફોટો એડિટિંગ એપ તમારી ગેલેરી સિવાય લોકેશન કે માઈક્રોફોનનું એક્સેસ માંગે, તો તે શંકાસ્પદ હોઈ શકે છે.
બિનજરૂરી પરમિશન માંગતી એપ નકલી હોઈ શકે છે અને તમારો ડેટા ચોરી કરી શકે છે.
3. સર્ચ રિઝલ્ટ ધ્યાનથી જુઓ
જ્યારે તમે પ્લે સ્ટોર પર કોઈ એપ સર્ચ કરો છો, ત્યારે એક જ જેવા નામ અને આઈકન વાળી ઘણી એપ્સ દેખાય છે. ફેક એપ્સ લોકો ભ્રમિત થાય તે માટે ઓરિજિનલ એપનું નામ, લોગો અને ડિઝાઈન કોપી કરી લે છે. સાચી એપનું નામ યુનિક (અનોખું) હોય છે અને આઈકન પણ હાઈ ક્વોલિટી ધરાવે છે.
4. એપ અને ડેવલપરનું નામ ચેક કરો
એપ ઈન્સ્ટોલ કરતા પહેલા તેના ડેવલપરનું નામ ચોક્કસ તપાસો.
ઓરિજિનલ એપ્સના ડેવલપર્સ જાણીતી કંપનીઓ (જેમ કે Google, Meta વગેરે) હોય છે.
જો ડેવલપરનું નામ અજીબ હોય કે સ્પેલિંગમાં ભૂલ હોય, તો એપ ફેક હોઈ શકે છે. ડેવલપરના નામ પર ક્લિક કરીને તેની અન્ય એપ્સ પણ જોઈ શકાય છે.
5. ડિસ્ક્રિપ્શન અને સ્ક્રીનશૉટ્સ જુઓ
સાચી એપનું ડિસ્ક્રિપ્શન (વર્ણન) વિગતવાર હોય છે અને તેમાં ગ્રામર કે સ્પેલિંગની ભૂલો નથી હોતી.
સ્ક્રીનશૉટ્સ પણ હાઈ-ક્વોલિટીના અને એપના અસલી ઈન્ટરફેસવાળા હોય છે. જો સ્ક્રીનશૉટ્સ ઝાંખા કે અજીબ લાગે, તો ડાઉનલોડ ન કરવી.
6. વેબ પર સર્ચ કરો
જો તમને કોઈ એપ પર શંકા હોય, તો તે બ્રાન્ડ કે કંપનીની સત્તાવાર (Official) વેબસાઈટ પર જઈને આપેલી એપ લિંક પરથી જ ડાઉનલોડ કરો.
7. ઈન્સ્ટોલ કરતા પહેલા સ્કેન કરો
ઈન્સ્ટોલ કરતા પહેલા ગૂગલ પ્લે પ્રોટેક્ટ (Google Play Protect) અથવા અન્ય મોબાઈલ સિક્યોરિટી એપ્સ (જેમ કે Malwarebytes, Quick Heal વગેરે) નો ઉપયોગ કરીને એપ સ્કેન કરી શકાય છે.
જો એપ નકલી નીકળે તો શું કરવું?
જો તમને ખબર પડે કે કોઈ એપ ફેક છે, તો તેને બિલકુલ ઈન્સ્ટોલ ન કરો અને ગૂગલ પ્લે સ્ટોર પર તેને રિપોર્ટ કરો:
પ્લે સ્ટોર પર તે એપના પેજ પર જાવ.
ઉપર જમણી બાજુ આપેલા ૩ ટપકાં (Three Dots) પર ક્લિક કરો.
'Flag as inappropriate' વિકલ્પ પસંદ કરી કારણ દર્શાવો.
ગૂગલ તે એપની તપાસ કરીને તેને સ્ટોર પરથી હટાવી દેશે. સાવચેતી એ જ તમારી સુરક્ષા છે!

