Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Tech / Google's Masterplan; Ready to spend ₹13,000 crore on AI company with 35 employees

Tech / ગૂગલનો માસ્ટરપ્લાન; 35 કર્મચારીઓવાળી AI કંપની પાછળ ₹13,000 કરોડ ખર્ચવા તૈયાર

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Tech / ગૂગલનો માસ્ટરપ્લાન; 35 કર્મચારીઓવાળી AI કંપની પાછળ ₹13,000 કરોડ ખર્ચવા તૈયાર
સોર્સ : gstv

 ગૂગલ એક એવી સંભવિત ડીલ કરવા જઈ રહ્યું છે, જેનાથી AI સ્પેસમાં ખળભળાટ મચી ગયો છે. 35 લોકોની AI કોડિંગ કંપનીને ગૂગલ 1.5 બિલિયન ડોલર (Billion Dollar) આપવાની તૈયારીમાં છે. પરંતુ શા માટે? ચાલો જાણીએ.

App Store

ગૂગલ હવે નાના સ્ટાર્ટ અપ પર લગાવશે દાવ

AIની દુનિયામાં વર્તમાન સમયમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. ક્યારેક નવા મોડલ્સની લડાઈ, તો ક્યારેક AI પાસે કોડિંગ કરાવવાની સ્પર્ધા. હવે સૌથી મોટી લડાઈ એવા AI ટૂલ્સની છે, જે જાતે કોડ લખી શકે, એપ બનાવી શકે, અને સોફ્ટવેર ડેવલપમેન્ટનો મોટો હિસ્સો પોતે જ સંભાળી શકે. આ જ રેસમાં આગળ નીકળવા માટે ગૂગલ હવે એક નાના AI સ્ટાર્ટઅપ પર મોટો દાવ લગાવવાની તૈયારીમાં છે. આ સ્ટાર્ટઅપ ગયા વર્ષે એટલે કે 2025 માં જ બન્યું હતું.

અહેવાલો મુજબ, Google અમેરિકાના AI કોડિંગ સ્ટાર્ટઅપ Mechanize સાથે 1.5 બિલિયન ડોલર એટલે કે આશરે ₹13,000 કરોડ કરતાં વધુની ડીલ પર વાતચીત કરી રહ્યું છે. કેટલાક અહેવાલોમાં 2 બિલિયન ડોલરની પણ વાત છે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટાર્ટઅપમાં માત્ર 35 જેટલા કર્મચારીઓ છે, છતાં ગૂગલ આટલી મોટી રકમ ખર્ચવા તૈયાર છે.

ટેક્નોલોજી અને ટેલેન્ટ પર નજર

આ કોઈ સીધું અધિગ્રહણ (Acquisition) નહીં હોય. અહેવાલ મુજબ ગૂગલ સ્ટાર્ટઅપની AI ટેક્નોલોજીનું લાયસન્સ લેવા માંગે છે, અને સાથે જ તેના ઘણા એન્જિનિયરોને Google DeepMindમાં સામેલ કરવા માંગે છે. એટલે કે કંપની માટે સૌથી મોટી બાબત તેની પ્રોડક્ટ નહીં, પરંતુ ત્યાં કામ કરતા AI એક્સપર્ટ્સ છે.

Mechanizeની શરૂઆત 2025માં થઈ હતી. કંપની AI કોડિંગ એજન્ટ પર કામ કરે છે. તેનો હેતુ એવું AI તૈયાર કરવાનો છે, જે મનુષ્યોની જેમ સોફ્ટવેર એન્જિનિયરિંગના ઘણા કામ પોતે કરી શકે. કંપનીના CEO તમય બેસિરોગ્લુ (Tamay Besiroglu) આ પહેલા AI રિસર્ચ સંસ્થા Epoch AI ના કો-ફાઉન્ડર રહી ચૂક્યા છે. સ્ટાર્ટઅપે અત્યાર સુધી આશરે 9.1 મિલિયન (9.1 Million Dollar) નું ફંડિંગ એકત્ર કર્યું છે, અને છેલ્લી ફંડિંગ દરમિયાન તેનું વેલ્યુએશન આશરે 500 મિલિયન ડોલર (500 Million Dollar) આંકવામાં આવ્યું હતું.

Googleને તેની જરૂર શા માટે છે?

છેલ્લા એક વર્ષમાં AI કોડિંગ ટૂલ્સની લોકપ્રિયતા ઝડપથી વધી છે. OpenAI નું Codex, Anthropicનું Claude, Cursor, Devin અને અન્ય AI ટૂલ્સ હવે ડેવલપર્સ વચ્ચે ઝડપથી વપરાઈ રહ્યા છે. ગૂગલનું Gemini પણ કોડિંગ કરે છે, પરંતુ ઘણા ડેવલપર્સ હજુ પણ અન્ય પ્લેટફોર્મને વધુ પસંદ કરે છે. તેવામાં ગૂગલ પોતાની કોડિંગ ક્ષમતાને ઝડપથી સુધારવા માંગે છે. ગૂગલ છેલ્લા કેટલાક મહિનાઓથી AI ટેલેન્ટ રેસમાં ખૂબ આક્રમક દેખાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કંપનીએ Windsurf ના CEO વરુણ મોહન અને કો-ફાઉન્ડર ડગલસ ચેન સહિત અનેક રિસર્ચર્સને પોતાના DeepMind ડિવિઝનમાં સામેલ કર્યા હતા. તે ડીલમાં પણ ગૂગલે કંપનીને પૂરી રીતે ખરીદી નહોતી, પરંતુ તેની ટેક્નોલોજીનું લાયસન્સ લીધું હતું, અને મુખ્ય એન્જિનિયરોને પોતાની સાથે જોડ્યા હતા.

ફક્ત ટેક્નોલોજી નહીં, ટેલેન્ટ પણ ખરીદી રહી છે કંપનીઓ

AI ઈન્ડસ્ટ્રીમાં હવે સૌથી મોટી અછત કમ્પ્યુટર કે પૈસાની નથી, પરંતુ ઉત્તમ AI એન્જિનિયરોની છે. આ જ કારણ છે કે Meta, Google, OpenAI, Microsoft અને Anthropic જેવી કંપનીઓ નાના-નાના સ્ટાર્ટઅપ્સમાંથી સીધું ટેલેન્ટ પોતાની સાથે જોડી રહી છે. ઘણી વાર કંપનીને પૂરી રીતે ખરીદવાને બદલે તેના એન્જિનિયરોને હાયર કરવા વધુ સરળ અને ઝડપી માનવામાં આવે છે. આનાથી નિયમનકારી તપાસ (Regulatory Scrutiny) ની શક્યતા પણ ઓછી રહે છે.

AI Coding Agent શું હોય છે?

AI Coding Agent એવી સિસ્ટમ હોય છે, જે ફક્ત કોડનું સજેશન નથી આપતું, પરંતુ આખો પ્રોજેક્ટ સમજીને પોતે કોડ લખી શકે છે, બગ્સ ઠીક કરી શકે છે, ટેસ્ટ ચલાવી શકે છે, અને એપ તૈયાર કરવામાં પણ મદદ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે, આવનારા સમયમાં સોફ્ટવેર ડેવલપમેન્ટનો મોટો હિસ્સો આવા AI એજન્ટ સંભાળી શકે છે. Google અને Mechanize એ હાલમાં આ સંભવિત ડીલ પર અધિકૃત રીતે કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ જો આ કરાર પૂરો થશે, તો તે AI કોડિંગ સેક્ટરની સૌથી મોટી ડીલ્સમાંથી એક હશે.