VIDEO: Auto/ ટેસ્ટ ડ્રાઈવમાં જ ક્રેશ થઈ કાર! 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ટાટાની SIERRA
નવી કાર ખરીદતા કે બુક કરાવતા પહેલા લોકો અવારનવાર તેની ટેસ્ટ ડ્રાઈવ લેતા હોય છે. ટેસ્ટ ડ્રાઈવથી ગ્રાહકોને થોડા સમય માટે કારનો રિયલ વર્લ્ડ અનુભવ મળે છે, જે તેમને નિર્ણય લેવામાં મદદ કરે છે. જોકે, મહારાષ્ટ્રના થાણેમાં એક ટેસ્ટ ડ્રાઈવ અકસ્માતમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
આ ઘટના મંગળવાર મોડી સાંજની છે. થાણેના નૌપાડા વિસ્તારમાં Tata Sierraની ટેસ્ટ ડ્રાઈવ ચાલી રહી હતી. કારમાં ત્રણ લોકો સવાર હતા, જેમાંથી એક શોરૂમનો કર્મચારી હતો. ટાટા સિયેરા હાલમાં જ માર્કેટમાં આવી છે અને હવે રસ્તાઓ પર પણ જોવા મળી રહી છે. ટાટાની આ લેટેસ્ટ SUVની બજારમાં સારી માંગ છે.
કેવી રીતે થયો કારનો અકસ્માત?
રિપોર્ટ્સ અનુસાર, ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન કારનું સંતુલન અચાનક ખોરવાઈ ગયું અને કાર બેકાબૂ બની ગઈ હતી. કાર રસ્તા કિનારે ઉભેલી એક રિક્ષા સાથે અથડાઈ હતી. ટક્કર બાદ પણ કાર ઉભી ન રહી અને અનેક બાઈકોને અડફેટમાં લઈ 20 ફૂટ ઊંડા ખાડામાં જઈ ખાબકી હતી.
જોકે, આટલા ભયાનક અકસ્માત બાદ પણ કારમાં સવાર ત્રણેય લોકો સુરક્ષિત છે. તેમને ઈજાઓ જરૂર પહોંચી છે, પરંતુ તમામની હાલત જોખમ બહાર છે. સ્થાનિક લોકોની મદદથી તેમને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટાટાની સેફ્ટીએ જીવ બચાવ્યો
અધિકારીઓએ જણાવ્યું કે જો કારની એરબેગ્સ સમયસર ન ખૂલી હોત, તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. એરબેગ્સ ખુલવાને કારણે મુસાફરોને ઓછી ઈજા થઈ છે. આનું મુખ્ય કારણ કારની મજબૂત સેફ્ટી પણ છે. તાજેતરમાં જ કાર લોન્ચ કરતી વખતે ટાટાએ તેની સુરક્ષાનું પ્રદર્શન કર્યું હતું.
શું છે કારની ખાસિયત અને કિંમત?
જોકે આ કારનું NCAP રેટિંગ હજી સામે આવ્યું નથી, પરંતુ ટાટાએ પોતે ઘણા ક્રેશ ટેસ્ટ કર્યા હતા. લોન્ચિંગ સમયે એક વીડિયો ક્લિપ બતાવવામાં આવી હતી જેમાં ટાટા સિયેરાને સીધી બીજી ટાટા સિયેરા સાથે જ અથડાવવામાં આવી હતી. કંપનીએ દર્શાવ્યું હતું કે ક્રેશ પછી પણ કારના દરવાજા સરળતાથી ખુલી રહ્યા હતા.
કિંમત અને એન્જિન:
ટાટાએ Sierraને 11.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે. આ કાર ત્રણ એન્જિન વિકલ્પોમાં આવે છે:
1.5L ટર્બો પેટ્રોલ
1.5L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ
1.5L ડીઝલ એન્જિન

