VIDEO: Tech/ શું Chat GPTમાં પણ થઈ શકે છે હેકિંગ? જાણો, તેનાથી બચવાનો ઉપાય
ટેકનોવર્લ્ડમાં ઘણી વાતો એવી હોય છે, જે સીધેસીધી આપણા કામની ન હોય કે આપણી પહોંચમાં ન હોય તો પણ આપણે તેના વિશે જાણવું જોઈએ. વાત તમારા પોતાના ફીલ્ડની હોય ત્યારે તો ખાસ. કારણ એટલું જ કે હવે કંપનીઓ તમને નવી કે વધુ સારી જોબ આપતી વખતે એટલું જ જુએ છે કે તમે તેના વર્ક કલ્ચરમાં ફિટ થઈ શકો તેમ છો કે નહીં? કોલેજમાં શું ભણ્યા છો એ મુદ્દા કરતાંય આ વાત વધુ મહત્ત્વની હોય છે.
આજે ચેટજીપીટીના જે ફીચરની વાત કરી છે એ કંઈક એવી જ છે. વ્યક્તિગત રીતે આપણે સૌ ચેટજીપીટી સાથે રોજ ગામગપાટા કરતા હોઈએ, પણ કંપનીમાં તેનો ઉપયોગ કરવાની વાત આવે તો બધાં ડાઇમેન્શન એકદમ બદલાઈ જાય. તેમાં નવો આવેલો ‘લોકડાઉન મોડ’ એવો જ છે. અત્યારે ભલે તમે એનો ઉપયોગ ન કરી શકો, પણ ઇન્ટરવ્યૂ વખતે આ મોડ શું છે, તેના ફાયદા-ગેરફાયદા શું છે એ કહી શકો, તો સામેની વ્યક્તિ ઇમ્પ્રેસ્ડ!
હજી હમણાં આપણે વોટ્સએપમાં ‘સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ’ વિશે ‘ટેકનોવર્લ્ડ’માં વિગતવાર વાત કરી હતી. બરાબર એ જ રીતે એપલના આઇફોનમાં પણ ‘લોકડાઉન મોડ’ હોય છે. આ બને સેટિંગ આપણા વોટ્સએપ એકાઉન્ટ કે આઇફોનમાં જડબેસલાક સિક્યોરિટી આપે છે. તેનો લાભ લઈએ તો આપણે પ્રાઇવસી અને સિક્યોરિટી સંબંધિત જુદાં જુદાં સેટિંગ્સ તપાસવા જવું પડતું નથી, ફક્ત એક-બે ક્લિકમાં વધુમાં વધુ સિક્યોરિટી આપે તેવાં બધાં સેટિંગ ઇનેબલ કરી શકાય છે.
જે રીતે આપણા વોટ્સએપ એકાઉન્ટ કે આઇફોનમાં જુદી જુદી રીતે હેકિંગના પ્રાયાસો સામે ‘સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ’ કે ‘લોકડાઉન મોડ’ વધુમાં વધુ સલામતી આપે છે, બરાબર એ જ રીતે ચેટજીપીટીમાં પણ લોકડાઉન મોડ આવી ગયો છે.
આ મોડ શા માટે ઉપયોગી થાય?
ચેટજીપીટી જેવી સર્વિસનો તમે રોજિંદો ઉપયોગ કરતા હો તો પહેલી નજરે આપણને એવું લાગે કે તેમાં આ સર્વિસ એક રીતે તો જૂની અને જાણીતી ગૂગલ સર્ચ જેવી જ સર્વિસ છે. આપણે કંઈક પ્રોમ્પ્ટ આપીએ અને તે આપણને જવાબ આપે. તેમાં આપણો ખાસ કંઈ ડેટા હોય નહીં એટલે તેના હેકિંગની ચિંતા રાખવાની જરૂર નહીં.
પરંતુ એઆઇ સર્વિસમાં પણ હેકિંગનો ભય રહે છે.
આપણે એઆઇ ચેટિંગ સર્વિસ સાથે વાતચીત કરી રહ્યા હોઇએ એ સમયે કોઈ ત્રીજી જ વ્યક્તિ વાતચીતમાં વચ્ચે ઘૂસીને એઆઇ સિસ્ટમને ભળતા જ પ્રોમ્પ્ટ આપી શકે છે. આ પ્રોમ્પ્ટ એઆઇ સર્વિસને કંઈક ઊંધું જ વેતરવાની સૂચના આપી શકે છે અથવા આપણી સેન્સિટીવ ઇન્ફર્મેશન છતી કરવાની સૂચના પણ આપી શકે છે! એઆઇ સર્વિસમાં આવું હેકિંગ ‘પ્રોમ્પ્ટ ઇન્જેકશન’ તરીકે ઓળખાય છે.
એનાથી જોખમ કેમ વધે છે એ પણ સમજીએ.
એઆઇ ચેટિંગના શરૂઆતના સમયમાં આપણી બધી વાતચીત એઆઇ ચેટબોટ અને યૂઝર વચ્ચે સીમિત રહેતી હતી. યૂઝર તરીકે આપણે ચેટબોટને કંઈક માહિતી આપીએ કે તેની પાસેથી કંઈક કામ કરાવવા ઇચ્છીએ અને ચેટબોટ તેનો પોતાનો ટ્રેનિંગ ડેટા તપાસીને તેમાંથી આપણને જવાબો આપે.
હવે વાત આટલી મર્યાદિત રહી નથી.
હવે ચેટબોટ તેને પોતાને પહેલેથી આપવામાં આવેલા ડેટા ઉપરાંત ઇન્ટરનેટ પરના જાતભાતના અનેક રિસોર્સિસ તપાસીને તેમાંથી આપણે માટે જરૂરી જવાબો શોધી લાવે છે.
આ જ કારણે એઆઇ સાથેની વાતચીતમાં જોખમનું તત્ત્વ ઉમેરાય છે. જેમ ઇમેઇલ્સ કે સોશિયલ મીડિયામાં ભળતીસળતી લિંક મોકલીને લોકોને છેતરવાની કોશિશ થાય છે તેમ એઆઇ સાથેની આપણી વાતચીત દરમિયાન, ચેટબોટ આપણે માટે જરૂરી માહિતી શોધવા જાય ત્યારે તેને સાવ ભળતી લિંક પણ મોકલીને ચેટબોટને છેતરવાની કોશિશ થાય છે - ચેટજીપીટીમાં ઉમેરાયેલો લોકડાઉન મોડ તેની સામે આપણને રક્ષણ આપે છે.
અત્યારે આપણને તેનો સીધો લાભ નહીં મળે, પણ આ ફીચર સમજવા જેવું છે.
લોકડાઉન મોડ કઈ રીતે કામ કરે છે ?
પહેલી વાત એ કે ચેટજીપીટીમાં લોકડાઉન મોડનો સીધો આપણને લાભ નહીં મળે. હાલમાં આ ફીચર માત્ર એન્ટરપ્રાઇઝ કે સ્પેશિયલ એજ્યુકેશનલ પ્લાનના યૂઝરને જ મળશે. મોટી કંપનીમાં કામ કરતી કે ત્યાં પહોંચવાની ઇચ્છા રાખતી દરેક વ્યક્તિએ આ ફીચર જરૂર સમજવા જેવું છે.
એઆઇ સર્વિસમાં હેકિંગનું જોખમ ધ્યાનમાં રાખીને ચેટબોટની ટ્રેનિંગ સમયે તે આવા એટેક પારખી લે એવા પ્રયાસો કરવામાં આવે છે. ચેટબોટની બધી એક્ટિવિટીનું સતત મોનિટરિંગ કરીને પ્રોમ્પ્ટ ઇન્જેકશન એટેક પારખીને તેને બ્લોક પણ કરવામાં આવે છે. આમ છતાં જેમ ઇન્ટરનેટ પર બધું સંપૂર્ણ સલામત હોતું નથી તેમ એઆઇ ચેટિંગમાં પણ આપણે કે ચેટબોટ પ્રોમ્પ્ટ ઇન્જેકશન એટેકનો ભોગ બનીએ એવી શક્યતા રહે છે.
આના ઉપાય માટે ચેટજીપીટીમાં ‘લોકડાઉન મોડ’ ઉમેરાયો છે. આ મોડ એક્ટિવેટ કરવામાં આવે એ પછી ચેટજીપીટીની કેટલીક ક્ષમતાઓ અને ટૂલ્સ આપોઆપ ડિસેબલ થઈ જાય છે.
હાલમાં ચેટજીપીટી બિઝનેસ પ્લાનમાં ‘એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ડેટા સિક્યોરિટી’ પૂરી પાડવામાં આવે છે. એ ઉપરાંત ચેટજીપીટી એન્ટરપ્રાઇઝ, ચેટજીપીટી એજ્યુ, ચેટજીપીટી ફોર હેલ્થકેર તથા ચેટજીપીટી ફોર ટીચર્સ જેવા પ્લાનમાં લોકડાઉન મોડની સગવડ ઉમેરાઈ છે. ચેટજીપીટીના આવા પ્લાનનો ઉપયોગ કરતા એડમિન તેમના વર્કસ્પેસ સેટિંગ્સમાં નવો રોલ ઉમેરીને તેને માટે લોકડાઉન મોડ ઇનેબલ કરી શકશે. કનેક્ટ કરીને ખાસ્સાં ક્રિએટિવ રિઝલ્ટ્સ મેળવી શકાય છે). લોકડાઉન ઇનેબલ કરવા જતા આવી ચેટજીપીટી બહારની એપ્સ સાથેની કનેક્ટિવિટી બંધ થઈ જાય છે.
બીજી પણ એક સગવડ...
ચેટજીપીટી કંપની કહે છે તેમ એઆઇ સર્વિસિસ વિવિધ એપ્સ તથા વેબ સાથે કનેક્ટેડ હોય ત્યારે આપણને વધુ ઉપયોગી પરિણામો આપી શકે છે. આ પ્રકારના ચેટજીપીટી બહારનાં કનેકશન્સને વધુમાં વધુ સિક્યોર રાખવા માટે કંપની પૂરતો પ્રયાસ કરે છે. પરંતુ ઇન્ટરનેટ પર હંમેશા વિવિધ કંપની અને હેકર્સ વચ્ચે ચોર-પોલીસની રમત સતત રમાતી રહે છે એ કારણે એઆઇ સર્વિસિસ સામે નવા નવા જોખમો સતત આવતાં જાય છે. આવાં જોખમો સામે ચેટજીપીટી જેવી સર્વિસ પૂરતું રક્ષણ ન પણ આપી શકે.
તેના ઉપાય તરીકે ચેટજીપીટીએ વચલો રસ્તો કાઢ્યો છે. તે યૂઝર્સને ચેતવે છે કે ચેટજીપીટીનો અમુક રીતે ઉપયોગ કરવામાં જોખમો રહેલાં છે તમને વાંધો ન હોય તો આગળ વધો. આ કારણે ચેટજીપીટીના અમુક ખાસ ફીચર્સમાં ‘એલિવેટેડ રિસ્ક’ એવું લેબલ લગાવવામાં આવે છે.
આમ અત્યારે ચેટજીપીટી કંપની યૂઝર્સના ડેટાની સલામતી અને સગવડ બંને સાચાવવા માટે મથામણ કરી રહી છે.

