Auto/ આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો, તમારી ઈલેક્ટ્રિક કારને આગ લાગવાથી બચાવો!

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેમાં EVમાં આગ લાગતી જોવા મળી હતી. આ ઘટનાએ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માલિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી. જોકે, કંપની દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતામાં જણાવાયું છે કે આગ બેટરીને કારણે નહીં, પરંતુ એક ગંભીર બેદરકારીના કારણે લાગી હતી.
ઇલેક્ટ્રિક કારને આગથી બચાવવાના ઉપાયો
EV ફાયર સેફ્ટી માત્ર બેટરી સુધી મર્યાદિત નથી, પરંતુ ડ્રાઈવરની સતર્કતા પણ એટલી જ મહત્વની છે. તમારી EV ને સુરક્ષિત રાખવા માટે આ 5 ઉપાયો ખાસ યાદ રાખો:
1. બેટરી હેલ્થનું નિયમિત ચેકિંગ EVની બેટરી તેનો સૌથી મહત્વનો ભાગ છે. અધિકૃત સર્વિસ સેન્ટર પર સમયાંતરે બેટરીની તપાસ કરાવવી જરૂરી છે, જેથી બેટરી ફૂલવી, ઓવરહીટિંગ કે લીકેજ જેવી ખામીઓ સમયસર જાણી શકાય. ઓવરચાર્જિંગથી બચો અને ખાતરી કરો કે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અપડેટેડ હોય.
2. માત્ર સર્ટિફાઈડ ચાર્જિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ EV ને હંમેશા કંપની દ્વારા માન્ય ચાર્જર અને કેબલથી જ ચાર્જ કરો. સસ્તા કે અનસર્ટિફાઈડ ઉપકરણોમાં યોગ્ય ઇન્સ્યુલેશન કે વોલ્ટેજ કંટ્રોલ હોતું નથી, જેનાથી શોર્ટ સર્કિટનું જોખમ રહે છે. ચાર્જિંગ વખતે જગ્યા હવાઉજસવાળી હોવી જોઈએ અને એક્સટેન્શન કોર્ડનો ઉપયોગ ટાળવો જોઈએ.
3. પાર્કિંગ બાબતે સાવધાની EV ક્યાં પાર્ક કરવામાં આવે છે તે પણ તેની સુરક્ષા પર અસર કરે છે. અતિશય ગરમ જગ્યાએ લાંબા સમય સુધી પાર્કિંગ કરવાથી બેટરી પર દબાણ આવી શકે છે. વાહનને છાંયડામાં અથવા ઠંડી જગ્યાએ પાર્ક કરવાનો આગ્રહ રાખો અને તેની આસપાસ કોઈ જ્વલનશીલ પદાર્થ ન હોય તેનું ધ્યાન રાખો.
4. સોફ્ટવેર અપડેટને નજરઅંદાજ ન કરો EVનો મોટો હિસ્સો સોફ્ટવેર પર ચાલે છે, જે બેટરી મેનેજમેન્ટ અને સેફ્ટી સિસ્ટમને કંટ્રોલ કરે છે. કંપનીઓ સમયાંતરે એવા અપડેટ્સ બહાર પાડે છે જે થર્મલ મેનેજમેન્ટ અને ફોલ્ટ ડિટેક્શનને વધુ સારું બનાવે છે. આ અપડેટ્સ ઇન્સ્ટોલ કરવામાં આળસ ન કરવી જોઈએ.
5. ચેતવણીના સંકેતો પર તરત પ્રતિક્રિયા આપો ડેશબોર્ડ પર આવતા એલર્ટ, વિચિત્ર ગંધ, ધુમાડો કે પરફોર્મન્સમાં અચાનક ઘટાડો, આ બધું જ કોઈ ગંભીર સમસ્યાના સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં તરત જ ગાડી રોકો, ચાર્જિંગ ડિસ્કનેક્ટ કરો અને પ્રોફેશનલ મદદ લો.

