સાવધાન/ હેપી ન્યૂ યર મેસેજથી ચેતી જાજો, ક્લિક કરતાં જ મોબાઇલ થઇ જશે હેક

વર્ષ 2024નો આજે (31મી ડિસેમ્બર) અંતિમ દિવસ છે અને બુધવારે 1 જાન્યુઆરી-2025નું નવું વર્ષ શરૂ થશે. 31મી ડિસેમ્બરથી જ સૌના વોટ્સએપ પર હેપી ન્યૂ યરના મેસેજનો મારો શરૂ થઈ જશે. આ હેપી ન્યૂ યરના મેસેજથી ખાસ બચવા જેવું છે. શક્ય છે કે સાયબર ફ્રોડ કરનારાઓ સક્રિય થઈ ગયા હશે. તમને કેટલાય એવા મેસેજ મળશે, જેમાં વર્ષ 2025નું નવું કેલેન્ડર અથવા ડાયરી મફત આપવાની ઓફર કરવામાં આવી હોય. એમાં લખેલું હોય કે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરો નવા વર્ષની ફ્રી ગિફ્ટ મેળવો.
મહત્ત્વપૂર્ણ ડેટા ચોરી થઈ શકે છે
સાઇબર ફ્રોડ સાથે સંકળાયેલા નિષ્ણાતો ચેતવે છે કે ભૂલેચૂકેય આ લિંક પર ક્લિક કરતા નહીં. હેપી ન્યુ યરના આ મેસેજ સાથે માલવેર લિંક હોઈ શકે છે. કેલેન્ડર અથવા ડાયરીની લાલચમાં તમે આ લિંક પર ક્લિક કરશો કે, શક્ય છે કે, તમારો મોબાઈલ હેક થઈ જાય, તેમાં વાઈરસ પ્રવેશી જાય. આ વાઈરસ દ્વારા તમારો ડેટા, તમારા બેન્ક અકાઉન્ટ જેવી સંવેદનશીલ વિગતો ચોરાઈ શકે છે. તમારો મોબાઈલ ફોન ખરાબ થઈ શકે છે.
સાયબર ફ્રોડ કરનારાઓનો આતંક
લગ્નની સિઝનમાં જે જેમાં કેટલાય લોકોને વોટ્સએપ કે ફેસબુક પર ઇ-કંકોત્રી મોકલીને ફસાવવામાં આવ્યા હતા. લગ્નના સ્થળનું લોકેશન આપવા માટે લિંક આપવામાં આવેલી હોય, ને લોકો આ લિંક પર ક્લિક કરતા કે એમનો મોબાઈલ હેક થઈ જાય છે, આ એક સાયયબર ફ્રોડ છે. વર્ષ 2024ના વર્ષ દરમિયાન સાયબર ફ્રોડ કરનારાઓએ આતંક મચાવ્યો હતો.
સાયબર ક્રાઈમની ઘટનાઓમાં વધારો
એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં ભારતીયોએ જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડમાં 11,333 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. વર્ષ 2024માં સાયબર ફ્રોડની કુલ 12 લાખ જેટલી ફરિયાદો આવી હતી. તે પૈકીની 45 ટકા ફરિયાદોમાં તો ગુનેગારો કોલમ્બિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દક્ષિણ એશિયાઇ દેશોમાં બેઠા હતા.
સિટીઝન ફાયનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટીંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CFCFRMS)ના ડેટા અનુસાર, વર્ષ 2021માં આ એજન્સીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 30 લાખ જેટલી ફરિયાદો થઈ છે. આ કિસ્સાઓમાં લોકોને કુલ 27,914 કરોડનો ફટકો પડ્યો છે. વર્ષ 2023માં 11,31,221 ફરિયાદો, વર્ષ 2022માં 5,14,741 અને 2021માં 1,35,242 ફરિયાદો નોંધાઇ હતી. સો વાતની એક વાત. નિર્દોષ દેખાતા હેપી ન્યૂ યર મેસેજથી ચેતજો. સીધુંસાદું લખાણ કે ઈમેજ ઠીક છે, પણ જો મેસેજ સાથે કોઈ પણ લિંક આપી હોય તો તેના પર બિલકુલ ક્લિક ન કરતા.

