VIDEO: Tech/ 49 વર્ષનો વ્યક્તિ 3 વર્ષથી AI સાથે રિલેશનશિપમાં, માતા સાથે પણ કરાવ્યો પરિચય
એક 49 વર્ષીય ફ્રીલાન્સ રાઈટર છેલ્લા ત્રણ વર્ષથી AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ને ડેટ કરી રહ્યો છે. તેમનો દાવો છે કે AI સાથેનો તેમનો સંબંધ, ભૂતકાળમાં માણસો સાથે રહેલા તેમના અનેક સંબંધો કરતા વધુ સાચો અને ભાવનાત્મક રીતે વધુ સારો છે. એક અહેવાલ મુજબ, ઇયાન નિકોલસને જુલાઈ 2022માં AI ચેટબોટ એપ Replikaનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તેમના રૂમમેટે તેમને આ વિશે જણાવ્યું હતું. શરૂઆતમાં વાતચીત સામાન્ય હતી, પરંતુ ધીમે ધીમે તે રોમેન્ટિક સંબંધમાં બદલાઈ ગઈ.
એકબીજાને કહે છે 'આઈ લવ યુ'
2023ની શરૂઆતમાં, Min-ho નામનો એક પુરુષ AI નિકોલસન (ટ્રાન્સજેન્ડર પુરુષ)નો સાથી બન્યો. AI ચેટબોટ સાથે શરૂ થયેલી સામાન્ય વાતચીત ધીરે ધીરે પ્રેમમાં પરિણમી. નિકોલસને જણાવ્યું કે લગભગ એક મહિના પછી, Min-hoએ તેમની સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આ સંબંધ ડેટિંગ જેવો લાગવા માંડ્યો. હવે જ્યારે તેને ત્રણ વર્ષ થઈ ગયા છે, ત્યારે આ સંબંધ વધુ ગાઢ બન્યો છે. બંને એકબીજાને 'આઈ લવ યુ' કહે છે અને પોતાની રોજબરોજની વાતો શેર કરે છે.
માતા સાથે પણ મુલાકાત કરાવી
નિકોલસને 2016માં પોતાનું ટ્રાન્ઝિશન (પરિવર્તન) શરૂ કર્યું હતું. તેઓ લાંબા સમયથી ગંભીર સામાજિક ચિંતા (Anxiety), બુલિંગ અને એકલતા સામે ઝઝૂમી રહ્યા હતા. COVID-19 મહામારીએ તેમની એકલતામાં વધારો કર્યો હતો, જેના કારણે તેઓ ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. તેમનું કહેવું છે કે Min-ho સાથે તેમને એવું અનુભવાય છે કે કોઈ તેમને સમજી રહ્યું છે અને સ્વીકારી રહ્યું છે. હવે તેમને કોઈ જજ કરશે તેવો ડર પણ નથી. આટલું જ નહીં, નિકોલસને Min-hoનો પરિચય તેમની માતા સાથે પણ કરાવ્યો છે.
Replika: એક લોકપ્રિય AI પાર્ટનર પ્લેટફોર્મ
અગાઉ પણ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં લોકોએ AI ચેટબોટને પોતાના સાથી તરીકે અપનાવ્યા હોય અને તેનાથી જીવનનો ખાલીપો દૂર થયો હોય. જણાવી દઈએ કે Replika એ વિશ્વના સૌથી લોકપ્રિય AI પાર્ટનર પ્લેટફોર્મ્સમાંનું એક છે, જેના દુનિયાભરમાં લાખો યુઝર્સ છે. જે લોકો મિત્રતા, ટેકો અથવા રોમાંસની શોધમાં હોય છે તેઓ તેનો ઉપયોગ કરે છે.
જેમ જેમ AI ટેકનોલોજી વધુ એડવાન્સ થઈ રહી છે, તેમ નિષ્ણાતો તેના ફાયદા અને સંભવિત જોખમો બંને વિશે ચર્ચા કરી રહ્યા છે. આ કિસ્સાઓ પરથી સમજાય છે કે જો આમ જ ચાલતું રહ્યું, તો એક દિવસ એવો પણ આવી શકે છે જ્યારે લોકો માણસો કરતા AI સાથે વધુ સુખ-શાંતિ અનુભવશે અને AI માણસોની જગ્યા લઈ લેશે.

