GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વિરપુર–ભાટપુર રોડ પર પુલ પાસે ઊંચા-નીચા રસ્તાથી વાહનચાલકો પરેશાન, તંત્ર સામે ઉગ્ર રોષ
રિપોર્ટેડ બાય: રીપોર્ટર- વિપુલ જોષી ( વિરપુર), વિરપુરપ્રકાશિત :
ફોટો 1 / 2
મહીસાગર જિલ્લાના વિરપુર–ભાટપુર રોડ પર થોડા મહિના પહેલાં લાખો રૂપિયાના ખર્ચે રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ કામ પૂર્ણ થયા બાદ જ રસ્તાની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ભાટપુર ગામ નજીક પુલ અને રસ્તાના જોડાણ ભાગમાં ઊંચા-નીચા પડતર રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો સમતલ ન હોવાને કારણે વાહનો અચાનક ઝટકો ખાતા હોવાના બનાવો બનતા રહ્યા છે, જેનાથી અકસ્માતની ભીતિ સતત વધી રહી છે. સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં રસ્તાનું કામ યોગ્ય રીતે ન થતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ ફેલાયો છે. ખાસ કરીને રાત્રિના સમયે પુલ પાસેનો ઊંચો-નીચો ભાગ સ્પષ્ટ રીતે દેખાતો ન હોવાથી બે-ચાકીયા વાહનચાલકો માટે વધુ જોખમ ઉભું થયું છે. ઘણીવાર વાહનચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે અથવા વાહનનો સંતુલન બગડવાની સ્થિતિ સર્જાય છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીપૂર્વક અને ઉતાવળમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાથી રસ્તાની હાલત થોડા જ સમયમાં બગડી ગઈ છે. લોકોનો પ્રશ્ન છે કે જ્યારે લાખો રૂપિયાનો ખર્ચ થયો છે તો પછી રસ્તો ટકાઉ અને સલામત કેમ નથી? તંત્ર દ્વારા કામની યોગ્ય દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં તે અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકો અને વાહનચાલકોએ તંત્ર સામે કડક રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તરત જ કાર્યવાહી કરવામાં આવે અને તેને નોટિસ પાઠવી ખામી દૂર કરવા માટે બાધ્ય કરવામાં આવે. સાથે જ પુલ પાસેના ઊંચા-નીચા રસ્તાને તાત્કાલિક સમતલ બનાવી વાહનચાલકોને રાહત આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.


