મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગોંડલ તાલુકામાં SOG ત્રાટકી: 29 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી કાર્યવાહી કરતા ગોંડલ તાલુકા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.  પોલીસની આ કાર્યવાહીમાં ગાંજો, વાહન અને રોકડ મળી કુલ રૂપિયા 21,73,910/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે SOGની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પી.આઈ. એફ.એ. પારગી અને તેમની ટીમના પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળી હતી કે મુંગાવાવડી ગામથી દાળીયા ગામ તરફ જતા જાહેર રસ્તા પર નશાનો જથ્થો પસાર થવાનો છે.

બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે એક બોલેરો પીકઅપ વાહનને અટકાવ્યું હતું. તલાશી લેતા તેમાંથી 29 કિલો અને 03 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 2.90 લાખ રૂપિયા થાય છે. જેમાં અશરફ ઉર્ફે અપ્પુ રાજુભાઈ પટ્ટણી (રહે. ભાયાવદર) અને શાહનવાજ રાજુભાઈ પટ્ટણી (રહે. ભાયાવદર) વાળા ને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં અન્ય ત્રણ શખ્સો સમીર દિલાવરભાઈ પટ્ટણી, અસફાક મનસુરભાઈ ખોખર અને ઓરિસ્સાના શુશાંતકુમાર લેનકાને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.