જો તમે યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકના ગ્રાહક છો, અને શોપિંગથી લઈને બિલ પેમેન્ટ માટે તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારો ખર્ચ વધવાનો છે.
હકીકતમાં આ બેંકોએ યુટિલિટી બિલ પેમેન્ટ કરવા પર વધારાનો ચાર્જ લગાવ્યો છે, જે આવતીકાલથી એટલે કે 1 મેથી લાગુ થશે. આવો જાણીએ કે કેટલો ખર્ચ વધશે.
યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકના ગ્રાહકોએ યુટિલિટી બિલ ભરવા માટે વધારે રકમ ચૂકવવી પડશે.
રિપોર્ટ પ્રમાણે બેંકો દ્વારા આ નિર્ણય ગ્રાહકો દ્વારા પર્સનલ કાર્ડના દુરુપયોગ અને ઓછા MDRને કારણે લેવામાં આવ્યો છે.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR એ ફી છે, જે દરેક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે પેમેન્ટ ગેટવે કંપનીઓ વસૂલ કરે છે.
MDR ચાર્જ દરેક કેટેગરીના ટ્રાંજેક્શન માટે અલગ-અલગ હોય છે અને યુટિલિટી બિલની ચૂકવણીના કિસ્સામાં તે અન્ય કેટેગરી કરતા ઓછો હોય છે.
ક્રેડિટ કાર્ડના વધતા ઉપયોગ છતાં યુટિલિટી બિલ પેમેન્ટ દ્વારા MDR કરતા ઓછી કમાણી થાય છે.
હવે તેમાં એક ટકાનો વધારો કરીને બેંકો તેમની કમાણીમાં વધારો કરવા જઈ રહી છે, અને તેનો બોજ ક્રેડિટ કાર્ડ યુઝર્સ પર પડવાનો છે.
યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકે હાલમાં આ સંદર્ભે એક જાહેરાત કરતા કહ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ યુઝર્સ પાસેથી યુટિલિટી બિલના પેમેન્ટ પર 1 ટકાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.
જો તમે યસ બેંક ક્રેડિટ કાર્ડથી વીજળીના બિલના 15,000 રૂપિયા ભરો છો, તો 1 મે પછી તેના પર એક ટકા પ્રમાણે 15 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.