વેઈટ્રેસ...અભિનેત્રી અને સાંસદ, ભાજપના આ મહિલા નેતાની રસપ્રદ સફર

સ્મૃતિ પોતાનું સપનું પૂરું કરવા બહુ નાની ઉંમરે મુંબઈ આવ્યા હતા. અહીં એક રેસ્ટોરન્ટમાં વેઈટ્રેસ તરીકે પણ કામ કર્યું હતું. પરંતુ તેઓ ક્યારેય સંઘર્ષ કરવાથી ડર્યા નથી.

ઘણા સંઘર્ષ પછી સ્મૃતિએ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. આ પછી, તેમણે મિસ ઇન્ડિયા 1998 સ્પર્ધામાં પ્રવેશ કર્યો અને ફાઇનલિસ્ટ બન્યા. પછી થોડો સમય મોડલિંગ કર્યું.

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, અને સખત પરિશ્રમ હોય તો મંઝિલ ચોક્કસ પ્રાપ્ત થાય, આમ એકતા કપૂરની સિરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' માટે ઓડિશન આપ્યું અને મુખ્ય અભિનેત્રીનો રોલ મળ્યો.

'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં તેમનું તુલસીનું પાત્ર આજે પણ લોકોના દિલમાં છે. આ પછી તેમણે 'ક્યા હાદસા ક્યા હકીકત', 'એક થી નાયીકા' સહિત અનેક સિરિયલો કરી.

2001 થી 2005 દરમિયાન ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમી દ્વારા તેમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવ્યા. તેમની સિરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' માટે ઘણા પુરસ્કારો મળ્યા હતા.

2003માં સ્મૃતિ ઈરાની ભાજપમાં જોડાયા હતા. અને પોતાની ઓળખ બનાવી. 2004 માં, તેઓ મહારાષ્ટ્ર યુથ વિંગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા.

સ્મૃતિએ પોતાના કામથી પીએમ મોદી અને અમિત શાહનું દિલ જીતી લીધું. તેમણે વર્ષ 2019માં અમેઠીથી રાહુલ ગાંધીને હરાવ્યા અને સાંસદ બન્યા. તેમને મોદી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.

સ્મૃતિએ લેખનમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે અને 2021માં તેમનું પહેલું પુસ્તક લખ્યું છે. તેમના પ્રથમ પુસ્તક 'લાલ સલામ'ને વાચકોનો ઘણો પ્રેમ મળ્યો.

સ્મૃતિ પર પોતાની મિત્રના પતિ સાથે લગ્ન કરવાનો આરોપ પણ લાગ્યો હતો. 2001માં તેમણે પારસી બિઝનેસમેન ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા. તે પહેલેથી જ પરિણીત હતા. અને છૂટાછેડા લઈને સ્મૃતિ સાથે લગ્ન કર્યા.