વિનેશ ફોગાટે CASને જણાવ્યું વજન વધવાનું કારણ
પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટે મહિલા રેસલિંગની 50 કિલોની કેટેગરીમાં ભાગ લીધો હતો.
વિનશે ક્વાર્ટર ફાઈનલ મેચમાં વર્લ્ડ નંબર 1 પહેલવાન યુઇ સુસાકીને હરાવી મોટો ઉલટફેર કર્યા બાદ સેમીફાઈનલમાં પણ જોરદાર પ્રદર્શન કરી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.
જોકે ફાઈનલ મેચથી ઠીક પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ જણાતા તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી.
આ મામલે વિનેશે CAS (Court of Arbitration for Sports) માં અપીલ કરી જ્યાં તેણે પેરિસ ઓલિમ્પિકની પોલ ખોલી. તેણે CAS સામે ઘટસ્ફોટ કર્યો કે શા માટે મહત્ત્વપૂર્ણ ફાઈનલ મેચ પહેલાં તેનું વજન વધી ગયું અને તે ઘટાડી ના શકી.
વિનેશે જણાવ્યું કે, રેસલિંગ વેન્યુ અને એથ્લેટ વિલેજ વચ્ચેનું અંતર તેનું મોટું કારણ હતું. આ ઉપરાંત મેચનું શેડ્યૂલ પણ અતિ વ્યસ્ત રખાયું હતું, જેના લીધે તે પોતાનું વજન ઘટાડી ના શકી.
ઉલ્લેખનીય છે કે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) અને વિનેશ ફોગાટ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. તેમણે વિનેશને ન્યાય અપાવવા માટે દરેક પ્રકારની કાનૂની દલીલો કરી અને તર્ક રજૂ કર્યા હતા.
આ મામલે 9 ઓગસ્ટે આશરે 3 કલાક સુધી સુનાવણી પણ થઈ હતી. એન્નાબેલે બેનેટ આ મામલે સુનાવણી હાથ ધરી હતી અને આજે તેઓ ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. IOAને આશા છે કે નિર્ણય વિનેશની તરફેણમાં આવશે.