વિનેશ ફોગાટે કોંગ્રેસમાં જોડાતા પહેલા રેલવેમાંથી રાજીનામું આપતા કહ્યું કે, રેલવેની સેવા કરવી એ મારા જીવનનો સૌથી યાદગાર અને ગર્વનો સમય છે. હું હંમેશા રેલવે પરિવારની આભારી રહીશ.

તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, મારા જીવનના આ તબક્કે, મેં મારી જાતને રેલવે સેવાથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતીય રેલવેના સક્ષમ અધિકારીઓને મારું રાજીનામું સુપરત કર્યું છે.

વિનેશ અને બજરંગ પુનિયા આજે ઓફિશિયલી કોંગ્રેસમાં જોડાશે. આ બંને હરિયાણાની ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી છે.

આ પહેલા વિનેશ ફોગાટ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે તેમને મળવા પહોંચી હતી. બજરંગ પુનિયા પણ અહીં પહોંચવાના છે.

વિનેશ ફોગાટની હરિયાણાના રાજકારણમાં એન્ટ્રી મોટો બદલાવ લાવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેમને ચૂંટણીમાં મોટું સમર્થન અપાવી શકે છે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્ત્વનો વળાંક સાબિત થઈ શકે છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરે યોજાશે.

જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, પહેલા આ તારીખ 1 અને 4 ઓક્ટોબર હતી પરંતુ ચૂંટણી પંચે તેમાં ફેરફાર કર્યો છે.

આ પાછળનું કારણ આપતા પંચે સ્પષ્ટતા કરી હતી કે, બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બિશ્નોઈ સમુદાયે આસોજ અમાવસ્યા પર્વમાં ભાગ લેવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. તેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં તે દિવસે તહેવાર ઉજવે છે.

રાજસ્થાનના નોખા તાલુકામાં છેલ્લા 490 વર્ષથી સતત આ મેળાનું આયોજન કરવામાં આવે છે.